
પ્રેમની અભિવ્યક્તિ રજૂ કરતો દિવસ એટલે વેલેન્ટાઈન ડે. જ્યાં માત્ર પ્રેમીઓ જ નહીં એક મિત્ર, ભાઈ, બહેન, માતા-પિતા, દાદા-દાદી માટે એકબીજા પ્રત્યે પ્રેમ, વિશ્વાસ અને અતૂટ સબંધ ધરાવતા લોકો તેમના પ્રેમની લાગણીઓને એકબીજા સમક્ષ જાહેર કરી આ દિવસને મનાવે છે. પરંતુ અમદાવાદના નારણપુરા ખાતે આવેલ જીવન સંધ્યા ઘરડા ઘરમાં વેલેન્ટાઇનના એક દિવસ પહેલા અનોખી ઉજવણી જોવા મળી હતી.

રોયલ ગ્રૂપ દ્વારા પ્રી વેલેન્ટાઈન કાર્યકમનું આયોજન
ઘરડા ઘરમાં ઘરના સભ્યોથી તરછોડાયેલા પોતાના વૃદ્ધ જીવનની સફર માણતા દાદા-દાદી માટે વેલેન્ટાઈન ડે ને મનાવી અનોખી રીતે તેમના ચહેરા પર સ્મિત રેલાવવા રોયલ ગ્રૂપના ધ્રુમલ ટેકચનદાની અને સૈફ અન્સારી દ્વારા પ્રી વેલેન્ટાઈન કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મનમૂકી એક આત્મીયતા અને સાથના સહકારે પોતાના પ્રેમની અભિવ્યક્તિઓની ઉજવણી કરવામાં આવી હતી.

તમામ લોકોના ચહેરા પર સ્મિત રેલાયું
કહેવાય છે કે, જ્યાં પ્રેમ હોય ત્યાં ઉમર ન હોય અને ઘરડાઘરમાં પોતાના બાકી જીવનના દિવસો વિતાવતા આ વડીલો પણ એક સ્મિત, ઉત્સાહ અને અભિવ્યક્તિના હકદાર છે. ભલે સમાજ, પોતાના વહાલાઓ તેમને તરછોડી દે, પરંતુ તેમનો જુસ્સો, પ્રેમ, સહકાર માર્ગદર્શન હંમેશા જ્વલંત જ રહેતું હોય છે. તેઓ પણ પોતાની લાગણીઓને રજૂ કરી આજના યુવાઓને સાચા પ્રેમની પરિભાષા શીખવાડી જાય છે. ખરેખર આવા સમયમાં એકબીજા સાથે રહી જીવનના સથવારે રહેતા વૃધ્ધો અને આવા વડીલોના ચહેરાઓ પર સ્મિત ફેલાવના કાર્ય કરનાર જ એકબીજાના સાચા વેલેન્ટાઈન છે.


