
- બંને બાળકની રાજ્ય સરકાર દ્વારા કરાઈ નિ:શુલ્ક સારવાર
રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ હેઠળ ગંભીર બીમારીથી પીડાતા બે બાળકને નવજીવન મળ્યું છે. રાજકોટ જિલ્લામાં આ કાર્યક્રમ અંતર્ગત કાર્યરત ટીમો દ્વારા જિલ્લાના બાળકોનું આરોગ્ય પરીક્ષણ કરીને તેમની વિનામૂલ્યે સારવાર કરવામાં આવી રહી છે. રાજકોટ જિલ્લાના સણોસરા ગામના બારિયા પરિવારનો દીકરો અલ્વાઝ જન્મજાત જ હૃદયની દીવાલના કાણા સાથેની તકલીફ ભોગવતો હતો. જ્યારે ડોક્ટરની ટીમે પરિવારની મુલાકાત લીધી ત્યારે બાળકના માતા-પિતાએ અલ્વાઝને સ્તનપાનમાં મુશ્કેલી પડતી હોવાની અને બાળક ખોરાક ન લઇ શકતો હોવાની સમસ્યા જણાવી હતી.
બાળકની તમામ સારવાર નિ:શુલ્ક થશે
ડોક્ટરે બાળકનું નિદાન કરી તાત્કાલિક રિપોર્ટ માટે જણાવ્યું હતું. તપાસ દરમિયાન બાળકને હૃદયના નીચેના ભાગની દીવાલમાં કાણું હોવાનું સામે આવ્યું હતું. જે અંગેની જાણ બાળકના માતા-પિતાને થતા તેઓ ગભરાઈ ગયા હતા. જોકે ડોક્ટરે બાળકના માતા-પિતાને સમજાવ્યા હતા કે, રાજ્ય સરકારની યોજના દ્વારા તેમના બાળકની તમામ સારવાર નિ:શુલ્ક થશે. આજે અલ્વાઝ્નું ઓપરેશન થઇ ગયું છે.

બાળકની તમામ સારવાર નિ:શુલ્ક
હૃદયના શુદ્ધ લોહીની નળી બીજા ભાગમાં હતી
જ્યારે બીજા કિસ્સામાં રાજકોટ તાલુકાના હડાળા ગામના સંજયભાઈ સીતાપરાના દીકરા યુવરાજને જન્મથી જ હૃદયના શુદ્ધ લોહીની નળી બીજા ભાગમાં હતી. એક વર્ષથી આ તકલીફ ભોગવતા યુવરાજને તુરત જ આર.બી.એસ.કે.ના ડોક્ટર દ્વારા જરૂરી તપાસ અને રિપોર્ટ કરાવી વધુ સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવ્યો અને આજે યુવરાજના પિતા સંજયભાઈ સીતાપરા કહે છે કે સરકારે અમારી ખૂબ મદદ કરી છે, મારા દીકરાની તકલીફ અમને એક પણ રૂપિયાના ખર્ચ વગર મટાડી, આ ઉપરાંત અમદાવાદ ઓપરેશન માટે જવા આવવાના પૈસા પણ સરકારે અમને આપ્યા છે. આજે મારો દીકરો એકદમ તંદુરસ્ત છે.

યુવરાજને જન્મથી જ હૃદયના શુદ્ધ લોહીની નળી બીજા ભાગમાં હતી
આર.બી.એસ.કે.ની 29 ટીમ કાર્યરત
રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ અંતર્ગત બાળકના જન્મ સમયે પી.એચ.સી., વેલનેસ સેન્ટર ત્યારબાદ આંગણવાડી અને શાળાઓમાં પણ બાળકોના આરોગ્યની તપાસ માટે ટીમ જાય છે. તપાસમાં સહેજ પણ તકલીફ જણાય તો તાત્કાલિક તેના આવશ્યક રિપોર્ટ અને બધી સુવિધાઓ સરકાર દ્વારા ઉપલબ્ધ કરાવવામાં છે. તેમ આર.બી.એસ.કે.ના ડો.અનિતા શેખડા જણાવે છે. રાજકોટ જિલ્લામાં આર.બી.એસ.કે.ની 29 ટીમ કાર્યરત છે. દરેક ટીમમાં 1 સ્ત્રી ડોક્ટર, 1 પુરુષ ડોક્ટર, 1 ફાર્માસિસ્ટ અને 1 સ્ત્રી હેલ્થ વર્કર દ્વારા નિર્ધારિત વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે.

જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડ
170 જેટલા બાળકો ગંભીર બીમારીથી પીડાય છે
આ કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લામાં વર્ષે 4 લાખ અને દર મહિને અંદાજે 30741 બાળકોનું સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જેમાં તકલીફ ધરાવતા હોય તેવા બાળકોને સામાન્ય સારવાર જિલ્લા સ્તરે જ આપવામાં આવે છે જ્યારે ગંભીર તકલીફોમાં અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં રિફર કરવામાં આવે છે. સામાન્યરીતે જિલ્લામાં વર્ષ દરમ્યાન 170 જેટલા બાળકો ગંભીર બીમારીવાળા જોવા મળે છે. જેમને રાજ્ય સરકાર દ્વારા તમામ સારવાર સંપૂર્ણ નિ:શુલ્ક આપવામાં આવ છે. તેવું જિલ્લા આરોગ્ય અધિકારી ડો. નિલેશ રાઠોડે જણાવ્યું હતું.

