
- કચ્છનાં સરહદી ગામડાં વસતી વિહોણા, માત્ર તહેવારમાં જ લોકો ઉમટે છે
- કચ્છના છેવાડાના લખપત તાલુકાનાં અનેક ગામડાંઓમાં પેઢી દર પેઢીથી વસતા કચ્છ કડવા પાટીદાર સમાજના પરિવારો પાણી, રોજીરોટીની ચિંતામાં ધીમેધીમે ઉચાળા ભરી જતા પાછળ ધૂણે છે એકલો સન્નાટો
નવીન જોશી
દેશની પશ્ચિમી સરહદને સ્પર્શતા કચ્છના લખપત તાલુકાના ગામડાંઓમાંથી ધીમા પગલે શરૂ થયેલો પાટીદારોના પલાયનનો દોર હવે એટલી ગંભીર સ્થિતિએ પહોંચ્યો છે કે, રાષ્ટ્રની દૃષ્ટિએ અત્યંત વ્યૂહાત્મક ગણાતી સરહદ જ વસતી વિહોણી બનવા ભણી છે. પાણીનું બહાનું ધરીને નીકળેલા પાટીદારોએ પરસેવો વહાવીને દેશભરમાં અનેક સ્થળોએ ભારે આર્થિક જમાવટ કરતા હવે તેઓને વતનમાં આવવાનો ખૂબ જ ઓછો સમય મળે છે પરિણામે સન્નાટો અને ખાલીપો મોઢું ફાડી બેઠા છે અને તેથી જ સુરક્ષ એજન્સીઓને હવે સરહદ રેખાની સાથો સાથ ગામોના ગામોની પણ ચિંતા કરવી પડે છે. કચ્છીમાં કહેવત છે ‘સોન્ન’ને વસ્તી ખાય પણ અહીં ચિત્ર પલટાયું છે અને હવે સરહદી ગામોમાં વસ્તીને ‘સોન્ન’ ખાઇ રહ્યો છે.
ધીમા પગલે શરૂ થયેલો પાટીદારોના પલાયનનો દોર હવે એટલી ગંભીર સ્થિતિએ પહોંચ્યો
કચ્છમાં એક સમયે જ્યાં દૈનિક લાખો કોરીઓનો કારોબાર હતો એ લખપત બંદરની જાહોજલાલીના વળતા પાણી થયા અને ધીમેધીમે આખો આખો તાલુકો જ ભૂગર્ભમાં ટીપું પણ પાણી ન હોવાથી ‘નો સોર્સ’ જાહેર થયો. લખપત બંદર સદંતર નામશેષ થઇ ગયું અને વેપાર-ધંધા પડી ભાંગતા માઠી દશા બેઠી તે આજે સદીઓથી અવિરત છે. આઝાદી બાદના આબાદ ગામડાં પણ ધીમેધીમે સુનકારામાં પરાવર્તિત થવા પશ્ચિમી સરહદેથી…મંડતા આખેઆખી પશ્ચિમ સરહદી જ મહેનતકશ એવા મૂળનિવાસીઓ વિહોણી બની ગઇ છે.
ગામેગામ ‘ઘરના ઘર’ ઊભા છે પણ એ નામ માત્રના જ
કડવા પાટીદારો માત્ર શ્રાવણ માસની સાતમ-આઠમે વતનમાં આવતા હોવાથી તે સિવાયના 11 મહિનાનો ગાળો રીતસર ખાવા ધાય છે જે દેશની સુરક્ષાની દ્રષ્ટીએ ઠીક નથી. સેંકડોના સેંકડો પાટીદાર વતનને ‘રામરામ’ કરીને નિકળી જતા પાછળ અનિષ્ટ તત્વોને મોકળું મેદાન મળ્યું છે. વર્ષમાં માંડ એકાદ-બે વાર જ વતન આવતા આ પરિવારોની સ્થાવર મિલકતો અને ખાસ તો ગામેગામ ‘ઘરના ઘર’ ઊભા છે પણ એ નામ માત્રના જ છે.
લખપત બંદર નામશેષ થતાં તાલુકા મથકનો દરજ્જો દયાપરને મળ્યો. એક સમયે આ દયાપરમાં 4690 કચ્છ કડવા પાટીદાર સમાજની વસ્તી હતી. આજે ફકત 700 જણ જ છે.
એજ રીતે ઘડુલીમાં 4835ની જગ્યાએ 400, બૌધ્ધ ગુફાવાળા સિયોતમાં 1682ની જગ્યાએ ફક્ત 100 વિરાણીમાં 1680ના સ્થાને હવે માત્ર 125, દોલતપરમાં 1427 હતા તેની સામે આજે 200 માંડ છે, પાનેલી ગામમાં 1210 પાટીદારો હતા ત્યાં આજે 50 પણ નથી, ધારેશીમાં 1100ની આબાદી ઘટીને 30 પર ઊભી છે, મેઘપરમાં 800 જણ હતા આજે ફકત 30 જણ જ છે અને દેશદેવી આશાપુરા માતાજીના મંદિરવાળા પ્રસિદ્ધ માતાના મઢમાં 571 જણ રહેતા હતા તે હવે ઘટીને 20થી 25 જણ પર આંક અટકયો છે. મુધાન, સિયોત, ઘડુલી, સાયરા, અટડો એ ગામના ગામ જે દેશની તદ્દન સરહદ પર આવેલા છે અને હવે મુળ નિવાસીઓ વિહોણા છે. આ ગામડાંઓમાં વર્ષોથી બંધ ઘર અને ઓછી આબાદી જોઇએ પૂછપરછ કરતા અંતે આ નોંધ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના અધ્યક્ષ અબજીભાઇ કાનાણી તથા રમેશભાઇ પારસિયાએ આપી હતી.
ક્યાં ગયા કડવા પાટીદારો ?
લખપત તાલુકાના કડવા પાટીદારોએ હિજરતની શરૂઆત આમ તો 1985માં દુકાળ વખતથી કરી પણ એ નાના પાયે હતી, મહારાષ્ટ્રના નાસીક, યવતમાલ, ઓરંગાબાદ, કોલ્હાપુર, પુના પહોંચીને આ પરિવારોએ કોંકણના સોહામણા રૂટ પરથી આગેકૂચ કરી અને કર્ણાટક, તામિલનાડુ, ડિડિગલ, કોઇમ્બ્યુતર, ચેન્નાઇ, બેંગલોર, હૈદરાબાદ બધે જ વસતા ગયા. પાટીદારો દેશભરમાં વસ્યા પણ જ્યાં ગયા ત્યાં સંગઠિત રહ્યા. આજે પણ નિયમિતપણ શુભ પ્રસંગો ઉજવે છે.
સુરક્ષા એજન્સીઓ પણ ચિંતિત
દરિયાઇ અને રણવાટે સીધા જ પાકિસ્તાનને સ્પર્શતી કચ્છની આ સરહદેથી ભૂતકાળમાં વિસ્ફોટકો-નશીલા પદાર્થો ઝડપાઇ ચૂક્યા છે અને ઘુસણખોરીનો પણ લાંબો ઇતિહાસ છે. દરિયાઇ રૂટનો લાભ લઇને બન્ને દેશોના જાસૂસોની પણ અવરજવર થતી હોય છે પણ છેલ્લા ઘણા સમયથી એજન્સીઓને સ્થાનિક વસ્તીમાંથી જે ઇનપુટ્સ મળતા હતા તે ઘટી ગયા છે. વળી અજાણ્યાને પણ આશરો આપી છુપાવનારાઓ વધી ગયા છે. તેથી એજન્સીઓની ચિંતા વધી છે.
નર્મદાના સિંચાઇ પાણી એક ઉપાય
સરદાર સરોવરનું અસ્તિત્વ જેના થકી સર્જાયું એ કચ્છને હજુ સંતોષજનક નર્મદા નહેરના સિંચાઇ પાણી મળતા થયા નથી. સૌની યોજનામાં જે ઝડપ થઇ એ કચ્છ શાખા નહેરમાં નથી, લખપત સુધી જો નર્મદાની નહેરના પાણી પહોંચે તો ખાલી મુલક પુન: હરિયાળો થાય અને ભરાય. નર્મદાના નીર માટે આખુ કચ્છ માતાના મઢ-કોટેશ્વર જઇને માથું નમાવે છે અને અહીં જ નર્મદાની ગેરહાજરી છે

