
બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં આવેલી રૂક્મણી કન્યા શાળામાં શહેરની એક બાળકી અભ્યાસ માટે આવે છે. ત્યારે સ્કૂલના શિક્ષક જાવેદ અશરફ ચુડેસરા દ્વારા પોતાની વિધાર્થીની સાથે શારીરિક અડપલાં કરતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો. આ બનાવ અંગે વિદ્યાર્થીનીના પિતાએ શિક્ષક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
વિધાર્થીની સાથે શારીરિક અડપલા કરતો હતો
રાણપુર પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ રાણપુર શહેરમાં રહેતા અને મજૂરી કામ કરતા એક ગરીબ પરિવારની દીકરી શહેરમાં આવેલી રૂક્મણી કન્યા શાળામાં અભ્યાસ કરે છે. જેમાં રૂક્મણી કન્યા શાળાના શિક્ષક જાવેદ અશરફ ચુડેસરાએ તેની જ વિદ્યાર્થીની સાથે નવેમ્બર મહિનાની તારીખ 16 અને 17ના રોજ શાળાના રૂમ નંબર 11માં અવાર નવાર આ વિધાર્થીનીને બોલાવી શારીરિક અડપલા કરતો હતો.
પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી
આ બાબતની જો કોઈને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જેને લઈ આજદિન સુધી બાળકીએ કોઈને જાણ કરી નહિ, પરંતુ આખરે બે મહિના જેટલો સમય વીતી ગયા બાદ બાળકીએ તેના પિતાને જાણ કરતા સમગ્ર મામલો બહાર આવ્યો છે. બાળકીના પિતાએ રાણપુર પોલીસ સ્ટેશનમાં જાવેદ અશરફ ચુડેસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. જેને લઈ રાણપુર પોલિસ સ્ટેશનમાં શિક્ષક વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
