
વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે ભાજપે છેલ્લી ઘડીએ ચૂંટણી ઢંઢેરો જાહેર કરવાની જાહેરાત કરી છે. ભાજપ દ્વારા આવતીકાલે કમલમ ખાતે પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ જે.પી.નડ્ડા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં સંકલ્પપત્ર જાહેર કરશે. આ જાહેરાત દરમિયાન ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પણ હાજર રહેશે.
ભાજપે બોટાદના 12 બળવાખોરોની ઘરવાપસી કરી
ભાજપમાં આ વખતે અનેક જગ્યાએ બળવાખોરો સામે આવ્યાં છે. પક્ષ દ્વારા 51 બળવાખોરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે. જેમાં વાઘોડિયાના દબંગ મઘુ શ્રીવાસ્તવ અને પાદરાના દીનુમામાનો પણ સમાવેશ થાય છે. ત્યારે ભાજપના આ આકરા પગલા બાદ પણ બોટાદમાં કંઈક જુદુ જ જોવા મળી રહ્યું છે. બોટાદમાં ભાજપે અગાઉ 12 બળવાખોરોને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતાં. પરંતુ ભાજપના ચૂંટણી ઈન્ચાર્જ ડૉ. ટી.ડી માણીયાના હસ્તે તેમને પક્ષમાં પરત લેવામાં આવ્યા છે.

ઘાટલોડિયામાં AAPના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા
અમદાવાદમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ જે બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે, તે ઘાટલોડિયામાં આમ આદમી પાર્ટીના 200થી વધુ કાર્યકરો ભાજપમાં જોડાયા છે. ઘાટલોડિયામાં ભાજપના મધ્યસ્થ કાર્યાલય પર કેસરિયો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. બીજી બાજુ આજે ભાજપના સ્ટાર પ્રચારકો પણ મેદાનમાં ધુંવાધાર પ્રચાર કરી રહ્યાં છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે પાંચ જિલ્લાઓમાં મેરેથોન સભાઓ ગજવશે. જ્યારે દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલ પણ આવતીકાલથી ત્રણ દિવસ ગુજરાત આવશે. તેઓ ભાવનગર, જામનગર અને સુરતમાં રોડશો અને સભાઓ ગજવશે.
લલિત વસોયાથી નારાજ કાર્યકરો AAPમાં જોડાયા
ધોરાજીમાં કોંગ્રેસને સૌથી મોટા ઝટકાનો સામનો કરવો પડ્યો છે. ઉપલેટામાં કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાથી નારાજ પ્રદેશ કોંગ્રેસ માઈનોરીટી સેલના મહામંત્રીએ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરી લીધો છે.ઉપલેટામાં કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા લલિત વસોયાના હોમ ટાઉનમાં જ ભંગાણ સર્જાયું હતું. ધોરાજીના કોંગ્રેસ શાસિત પાલિકાના સદસ્ય મકબૂલ ગરાણા પણ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.પંજાબના ધારાસભ્ય દલબીરસિંહ તોગના હસ્તે ખેસ ધારણ કરીને આપમાં જોડાયા હતા.

ઉપલેટામાં ચૂંટણી પહેલા કોંગ્રેસમાં મોટું ભંગાણ
વિરમગામની જનતાને હાર્દિક પટેલના 26 વચન
હાર્દિક પટેલ સામે આ વખતે જીતવું કપરા ચઢાણ છે. જોકે જીતના વિશ્વાસ સાથે મક્કમ હાર્દિક પટેલે પોતે જીતશે તો વિરમગામની શિકલ બદલી નાખતા વચનો મતદારોને આપ્યા છે.હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં પોતાના વચનો પોસ્ટ કર્યા છે. જે મુજબ વિરમગામ, નળકાંઠા વિસ્તાર, માંડલ તથા દેત્રોજમાં વિકાસ કાર્યો કરવાની ખાતરી આપી છે. હાર્દિક પટેલે સૌથી પહેલા જ વિરમગામ જિલ્લો બનાવવાનું વચન આપ્યું છે. સાથે જ અમદાવાદના કાંકરિયા તળાવ જેમ મુનસર અને ગંગા તળાવનો પણ વિકાસ કરાશે.નળકાંઠા, માંડલ અને દેત્રોજમાં 50 બેડની નવી હોસ્પિટલ બનાવવાની,વિરમગામમાં સાયન્સ, કોમર્સ અને આર્ટ્સની કોલેજ બનાવવાનું વચન આપ્યું છે. ઉપરાંત સ્પાર્ટ્સ કોમ્પલેક્ષ, બાગ-બગીચા બનાવવાના વચનો આપ્યા છે.

ભાજપના 51 હોદ્દેદારો-કાર્યકરો પાર્ટીમાંથી સસ્પેન્ડ
વડોદરા જિલ્લા ભાજપે ગઈકાલે મોટી કાર્યવાહી કરતા પાર્ટી વિરુદ્ધ કામગીરી કરનારા પાદરા અને વાઘોડિયા તાલુકાના બળવાખોરો સામે લાલ આંખ કરતા 51 જેટલા લોકોને સસ્પેન્ડ કરી દીધા છે. જેમાં પાદરા નગરપાલિકાના 10 સદસ્યોને સામેલ છે.વાઘોડિયામાં અપક્ષમાંથી ઉમેદવારી નોંધાવનારા વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવના પુત્રી નીલમ શ્રીવાસ્તવને પણ ભાજપે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા છે. આ પહેલા ગત અઠવાડિયે જ ભાજપે મધુ શ્રીવાસ્તવ, દિનુ મામાએ અપક્ષથી ઉમેદવારી નોંધાવતા તેમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. ત્યારે હવે આ નેતાઓના સમર્થકોને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

અમિત શાહ આ 5 જિલ્લામાં ગજવશે સભા
આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 5 જિલ્લામાં જનસભાને ગજવશે.નાંદોદમાં રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે.સૌ પ્રથમ નડિયાદમાં મહુધા વિધાનસભા બેઠક માટે શાહ પ્રચાર કરવા જશે. ત્યાર બાદ ઝાલોદ અને વાગરામાં અમિત શાહ જાહેરસભાને સંબોધશે, તો નાંદોદમાં સૂર્ય દરવાજાથી હરસિદ્ધિ માતાના મંદીર સુધી અમિત શાહો રોડ શો યોજાશે. અને રાત્રે અમદાવાદના નરોડામાં જાહેરસભાને સંબોધિત કરશે અને મતદારોને રીઝવવા પ્રયત્ન કરશે.
બાપુનગર સીટ પર 16 અપક્ષો આખું સમીકરણ બદલશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમદાવાદની 16 વિધાનસભા બેઠક પર સૌથી વધારે અપક્ષ ઉમેદવારોએ બાપુનગર વિધાનસભા બેઠક પર પોતાની ઉમેદવારી નોંધાવી છે. બાપુનગર વિધાનસભા બેઠક પર 29 ઉમેદવારો છે, જેમાં 16 જેટલા અપક્ષો ઉમેદવાર છે. વર્ષ 2017ની વિધાનસભાની ચૂંટણીમાં માત્ર છ જ અપક્ષ ઉમેદવાર હતા. જેઓ કુલ 2616 મત લઈ ગયા હતા, જેનો સીધો ફાયદો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલને થયો હતો અને તેઓ 3000ની લીડથી જીત્યા હતા.

ડબલ એન્જીન સરકારની 8 વર્ષમાં ડબલ અને ત્રિપલ મોંઘવારી
આમ આદમી પાર્ટીના રાજ્ય સભાના સાંસદ અને ગુજરાતના સહ પ્રભારી રાઘવ ચઢ્ઢાએ આજે જણાવ્યું હતું કે ચૂંટણીમાં ભાજપનો એક જ મુદ્દો છે કે ડબલ એન્જીન સરકાર બનાવો. 2014માં ડબલ એન્જીન સરકાર બની. 2014થી 2022 સુધી મોંઘવારી વધી છે. ચૂંટણીનો મુખ્ય મુદ્દો મોંઘવારી છે. ભાજપની ડબલ એન્જીન સરકારની 8 વર્ષમાં ડબલ અને ત્રિપલ મોંઘવારી છે. ભારત દેશમાં 35થી 40 વર્ષમાં મોંઘવારી અને બેરોજગારી સૌથી વધુ છે. મોંઘવારીમાંથી છૂટકારો મેળવવા લોકો પાસે એક જ વિકલ્પ છે આમ આદમી પાર્ટી છે.
પબુભાની સભામાં કેટલાક યુવાનોએ ધારદાર સવાલો પૂછ્યા
દ્વારકામાં ભાજપના ઉમેદવાર એવા પબુભા માણેકની ચૂંટણી પ્રચારમાં કડવો અનુભવ થયો હતો. દ્વારકાના ગોકલપરમાં પબુભાની સભામાં કેટલાક યુવાનોએ ધારદાર સવાલો પૂછ્યા હતા, જે બાદ ગુસ્સે થયેલા પબુભાએ યુવકોને તેમણે શાંતિથી પોતાની વાત રજૂ કરવા માટે કહ્યું હતું.3 જેટલા યુવાનોએ પબુભાને ઘડી કંપનીમાં સ્થાનિક યુવાનોને રોજગારી તથા વિકાસના મુદ્દે સવાલો કર્યા હતા. જોકે કાર્યકરોએ ત્રણેય યુવાનોને સભા સ્થળથી દૂર લઈ ગયા હતા. જ્યારે ગુસ્સે થયેલા પબુભાએ કહ્યું કે, એ ભાઈ… શાંતિથી વાત કરો ને. સમગ્ર ઘટનાનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

સાબરકાંઠાના 348 મતદાન મથકો સંવેદનશીલ જાહેર કરાયા
સાબરકાંઠા જિલ્લાની ચારેય વિધાનસભા બેઠકમાં અંદાજે 1323 મતદાન મથકો ઊભા કરાશે. જે પૈકી 50 ટકા મતદાન મથકોનું મતદાનના દિવસે લાઈવ બ્રોડકાસ્ટીંગ કરવામાં આવશે. જોકે સંવેદનશીલ અને અન્ય લાઈવ બ્રોડકાસ્ટીંગ મતદાન મથકોને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવશે. મતદાન મથકોની વાત કરીએ તો કુલ 1323 મતદાન મથકોમાંથી 348 મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરાયા છે. જોકે અગાઉની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા મતદાન શાંતિપૂર્ણ થાય તે માટે તંત્રએ સ્થાનિક લોકોનો પણ સહયોગ માગ્યો છે.

