
બસ.. હવે 10 દિવસની વાર છે અમદાવાદીઓ! વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ મેટ્રોના ડ્રીમ પ્રોજેક્ટના પહેલા આખા રૂટનો શુભારંભ કરાવવાના છે. આ સાથે જ શહેરની લાઇફલાઇન સમાન મેટ્રોની વર્ષોથી ચાલી આવતી આતુરતાનો અંત આવશે. શહેરના પૂર્વ અને પશ્ચિમના છેડાને જોડતી મેટ્રો ટ્રેનના થલતેજ-વસ્ત્રાલ રુટ પરના સ્ટેશનો નવી-નવેલી દુલ્હનની જેમ સજાવાયા છે. ત્યારે દિવ્ય ભાસ્કર પહેલીવાર આ સ્ટેશનોની સહેલ વાચક મિત્રોને કરાવી રહ્યું છે.

એલિવેટેડ-અંડર ગ્રાઉન્ડ સ્ટેશનોની ઝાકઝમાળ
દૂરદર્શન કેન્દ્ર, ગુજરાત યુનિવર્સિટી, સ્ટેડિયમ, ગુરુકુળ રોડ, કોમર્સ છ રસ્તા સહિતના મેટ્રો સ્ટેશનોનો ગ્રાઉન્ડ રિપોર્ટ તૈયાર કર્યો છે. મોટા ભાગનાં તમામ સ્ટેશનો બનીને તૈયાર થઈ ગયાં છે અને અંડરગ્રાઉન્ડ સ્ટેશનોમાં પણ નાની કામગીરી જ બાકી છે, જે ઝડપથી પૂર્ણ કરી દેવામાં આવશે. તમામ સ્ટેશનોને કાર્યરત કરવા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આગામી દિવસોમાં રોશનીથી સજાવટ સહિતની કામગીરી પણ કરી દેવામાં આવશે.

દૂરદર્શન સ્ટેશન પાસે ટ્રાફિક વધુ, 4 ગેટ રહેશે
દિવ્ય ભાસ્કરએ સૌથી પહેલા થલતેજ દૂરદર્શન કેન્દ્ર મેટ્રો સ્ટેશનની મુલાકાત લીધી. આ સ્ટેશન બનીને તૈયાર થયેલું જોવા મળ્યું હતું. રોડની બંને તરફથી સ્ટેશન ઉપર જવા માટે કુલ 4 ગેટ છે, જેમાં એસ્કેલેટર અને સીડી પરથી જઈ શકાય છે. બંને તરફ લિફ્ટ પણ મૂકવામાં આવી છે. લોકો લિફ્ટ વડે પણ સ્ટેશન પર જઇ શકે છે. ઉપરના માળે સ્ટેશન પર જ ટિકિટબારી આવેલી છે. જ્યાંથી લોકો ટિકિટ લઈ ટ્રેનમાં બેસી શકશે.

બે સ્ટેશનની તો વચ્ચે લિફ્ટ મૂકવામાં આવી
ગુરુકુળ રોડ અને ગુજરાત યુનિવર્સિટી( હેલ્મેટ સર્કલ) પાસે બનાવવામાં આવેલાં સ્ટેશન બની ગયાં છે અને ત્યાં કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. આ સ્ટેશનો પર પણ બંને તરફ સીડી અને એસ્કેલેટર મકવામાં આવ્યાં છે, જ્યાંથી લોકો સ્ટેશન પર અવર જવર કરી શકશે. સ્ટેશનની વચ્ચે લિફ્ટ મૂકવામાં આવી છે. કોમર્સ છ રસ્તા પાસે પણ આ રીતે જ સ્ટેશન બનાવવામાં આવ્યું છે. આ તમામ સ્ટેશનો પર પેઇન્ટિંગ પણ કરવામાં આવ્યું છે.
સ્ટેડિયમના સ્ટેશને જવા એક માળ અલગ બનાવ્યો
સરદાર પટેલ સ્ટેડિયમના મેટ્રો સ્ટેશનની વાત કરીએ તો એમાં કોમર્સ છ રસ્તા તરફથી એક જ ગેટ બનાવવામાં આવેલો છે, જેમાંથી લોકો સ્ટેશન પર જઈ શકશે અને ત્યાં જ લિફ્ટ તેમજ સીડી અને એસ્કેલેટર બનાવવામાં આવ્યું છે. રોડની સાઈડની જગ્યાથી ઉપર જઈ શકાય છે. આ સ્ટેશન પર માત્ર બે જ ગેટ બનાવવામાં આવ્યા છે, જેમાં એક કોમર્સ છ રસ્તા તરફ અને બીજો સ્ટેડિયમ પાંચ રસ્તા તરફનો ગેટ બનાવવામાં આવ્યો છે. સ્ટેડિયમના મેટ્રો સ્ટેશનમાં સ્ટેડિયમ પાંચ રસ્તા તરફ જવા માટે એક માળ અલગથી બનાવવામાં આવ્યો છે, જ્યાંથી લોકો ચાલીને નીચે જઈ શકશે.

PM મોદી 30મીએ બતાવશે લીલીઝંડી
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 30મી સપ્ટેમ્બરના રોજ આ રૂટ પર મેટ્રો ટ્રેનનું ઉદઘાટન કરવામાં આવશે, ત્યારે તમામ તૈયારીઓને આખરી આપવામાં આવી રહ્યો છે. મોટા ભાગનાં સ્ટેશનો અને અંડરગ્રાઉન્ડ સ્ટેશનો પણ બનીને તૈયાર થઈ ગયાં છે. નાની મોટી કલરકામ જેવી અન્ય કામગીરી હાલ ચાલુ છે, જે 29મી સપ્ટેમ્બર પહેલા પૂર્ણ કરી દેવામાં આવશે.
નદી ઉપરથી તેમજ અન્ડરગ્રાઉન્ડ મેટ્રો પસાર થશે
અમદાવાદમાં દોડનારી મેટ્રો ટ્રેનનો પહેલો ફેઝ 40 કિલોમીટરનો છે, જેમાં ઈસ્ટ-વેસ્ટ તેમજ નોર્થ-સાઉથ એમ બે કોરિડોર સામેલ છે. ફેઝ-1માં 32 સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. નોર્થ-સાઉથ કોરિડોર 18.87 કિલોમીટરનો રહેશે, જે વાસણા APMCથી લઈને મોટેરા ગામ સુધીનો છે, જેમાં 15 સ્ટેશન છે. ઈસ્ટ-વેસ્ટ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે થલતેજ ગામથી વસ્ત્રાલ સુધી છે. 21 કિલોમીટર લાંબા આ કોરિડોરની ખાસિયત એ છે કે મેટ્રો ટ્રેન નદીની ઉપરથી પસાર થાય છે અને શહેરના ભરચક ટ્રાફિક વિસ્તારમાં અન્ડરગ્રાઉન્ડ ટનલમાંથી ટ્રેન પસાર થઈને કાંકરિયા પૂર્વમાં બહાર નીકળશે.

ફર્સ્ટ ફેઝનો આખો રૂટ કેવો છે?
આ ઈસ્ટ-વેસ્ટ કોરિડોર 21.16 કિલોમીટરનો છે, જે પૈકી 14.63 કિમી એલિવેટેડ અને 6.53 કિમી અંડરગ્રાઉન્ડ છે, જેમાં 13 સ્ટેશન એલિવેટેડ અને 4 સ્ટેશન અંડર ગ્રાઉન્ડ હશે. વસ્ત્રાલ ગામથી ઊપડીને મેટ્રો નિરાંત ક્રોસ રોડ, રબારી કોલોની, અમરાઈવાડી, એપરલ પાર્ક, કાંકરિયા ઈસ્ટ, કાલુપુર રેલવે સ્ટેશન, ઘી કાંટા, શાહપુર તરફથી જૂની હાઈકોર્ટ જશે. હાઈકોર્ટ પાસે આવેલા સ્ટેશન પર ઈન્ટરચેન્જ સ્ટેશન હશે. જ્યાંથી મુસાફરો મેટ્રોના બીજા રૂટ પર જઈ શકશે. સ્ટેડિયમથી કોમર્સ છ રસ્તા, ગુજરાત યુનિવર્સિટી, ગુરુકુળ રોડ, દૂરદર્શન કેન્દ્ર, થલતેજ અને થલતેજ ગામ પહોંચાશે.
ડ્રોન કેમેરાની નજરે કેવો લાગે છે મેટ્રોનો રૂટ?
મેટ્રોના રૂટ પરથી ડ્રોનની નજરે અદભુત અમદાવાદ જોઈ શકાય છે. એલિવેટેડ કોરિડોર, સ્ટેશન્સ, હાઈ રાઈઝ બિલ્ડિંગ્સ અને રોડ પર ધમધમતાં વાહનો. પહેલી નજરે તો એવું જ લાગે કે કોઈ વિદેશી શહેરમાં ના આવી ગયા હોય! આ દૃશ્યો જોઈને એ સમજી શકાય છે કે અમદાવાદ એ ગુજરાત જ નહીં, પરંતુ દેશનું ગ્રોથ એન્જિન છે. આ દૃશ્યો જોઈ એક અમદાવાદીને તો ગર્વ થાય જ, પરંતુ પ્રત્યેક ગુજરાતીની છાતી પણ ગજગજ ફૂલે એમાં કોઈ નવાઈ નથી.

