ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના ભણકારા વાગવાના શરૂ થઈ ગયા છે. વિશેષ કરીને ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પહેલી વખત આમ આદમી પાર્ટી (AAP) ઝંપલાવી રહી છે. અત્યારસુધી સુરત લો કે સૌરાષ્ટ્ર, કોઈ મોટો ચહેરો પાર્ટીમાં જોડાયો નથી. અરે બીજું તો ઠીક, પાર્ટી પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયા જેવા AAPના મોટા નેતા આવે તો કોઈ ઉદ્યોગપતિ કે સમાજસેવક તેમની સાથે મિટિંગ પણ કરવા તૈયાર નથી. રહી વાત મહેશ સવાણીની, તો એ તો આમ આદમી પાર્ટીને ફાયદા કરતા નુકસાન વધુ કરાવી ગયા છે.

સુરત મ્યુનિ.ની સફળતા દોહરાવવા AAPને આશા
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ગત ચૂંટણીમાં AAPને સફળતા મળી હતી. અહીં વિરોધપક્ષમાં બેસીને AAPએ જબરદસ્ત દેખાવ કર્યો છે. શિક્ષણ, આરોગ્ય અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓની લોકો સુધી પહોંચાડવામાં સફળ પણ રહ્યા છે. કેજરીવાલ પણ સુરતમાં ત્રણ વખત આવી ચૂક્યા છે. કેજરીવાલ સમજે છે કે સુરતમાં જે રાજકીય માહોલ બનશે તેનો સૌરાષ્ટ્ર સહિતના ગુજરાતના અલગ અલગ ભાગોમાં ફાયદો થશે.

પાટીદાર વર્ગ AAPની તરફેણ કરે તેવી આશા
કેજરીવાલને પણ અપેક્ષા છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પણ AAPના ઉમેદવારો સફળ થશે. વિશેષ કરીને સુરતની બેઠકો પૈકી પાટીદારની બહુમતીવાળી વિધાનસભાની બેઠકોમાં તેમને લાભ થવાની આશા છે. સુરતના પાટીદારો આમ આદમી પાર્ટીની (AAP) તરફેણમાં રહે તો સૌરાષ્ટ્રમાં પણ એક મોટો પાટીદાર વર્ગ તેની સાથે જોડાઈ શકે છે. પરંતુ AAPની સૌથી મોટી સમસ્યા જ એ છે કે કેજરીવાલ લાખ પ્રયત્ન કરે તો પણ ગુજરાતમાં કોઈ મોટું માથું તેમને મળવા તૈયાર નથી.

પણ કેજરીવાલને કોઈ મોટું માથું કેમ મળતું નથી?
અરવિંદ કેજરીવાલ સુરત હોય છે ત્યારે પાર્ટી સંગઠનના નેતાઓ મોટી મોટી વાતો કરે છે. અરવિંદ કેજરીવાલને વિવિધ સમાજના અગ્રણીઓ મળવા આવનાર છે અથવા તો મોટા ઉદ્યોગપતિઓ મુલાકાત લેવાના છે એવી જાહેરાતો કરાય છે. પરંતુ હકીકતમાં સુરતનો કોઈ મોટો સમાજ સેવક કોઈ સમાજનો અગ્રણી કે ઉદ્યોગપતિ મળ્યો તેમને હોય એવું ધ્યાનમાં નથી.





