
- રાત્રે 12ના ટકોરે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે
કાળિયા ઠાકોરની પવિત્ર ભૂમિ એવા ડાકોર ખાતે જન્માષ્ટમી પર્વની ઉજવણીનો રંગારંગ પ્રારંભ થઈ ચૂક્યો છે. રણછોડજીના દરબારમાં વહેલી સવારથી જ ભક્તોનો પ્રવાહ શરૂ થઈ ચૂક્યો છે. આજે ભક્તો ભગવાનના દરબારમાં શીશ નમાવી ધન્યતા અનુભવી રહ્યા છે. મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થશે.

આખા મંદિરને આસોપાલવનાં તોરણોથી સજાવાયું છે
પવિત્ર યાત્રાધામ ડાકોરમાં આજે જન્માષ્ટમી પર્વના રંગમા રંગાયું છે. વહેલી સવારની મંગળા આરતીમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો ઊમટી પડયા હતા અને ‘જય રણછોડ માખણ ચોર’, ‘નંદ ઘેર આનંદ ભયો જય કનૈયાલાલ કી’ના નારા સાથે મંગળા આરતીની શુભ શરૂઆત કરવામાં આવી હતી. કૃષ્ણ(લલ્લા)નો જન્મદિવસની વધામણાં દેવા ભાવિક ભક્તો અમદાવાદ, વડોદરા, સુરત, ભરૂચ તેમજ દેશ પરદેશથી આજે ઊમટી પડ્યા છે. આખા મંદિરને આસોપાલવનાં તોરણોથી સમજાવાયું છે તેમજ મંદિરમાં અંદરના ભાગે તેમજ બહારના ભાગે રોશની કરવામા આવી છે.

પારણે ઝુલાવીને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે
આજે વિવિધ ભજન મંડળીઓ કૃષ્ણનાં ભજનોની રમઝટ બોલાવશે. ઉપરાંત ભગવાનને વિવિધ શણગારથી સજાવવામાં આવ્યા છે અને મધરાતે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે. પારણે ઝુલાવીને ભક્તો દર્શન કરી ધન્યતા અનુભવશે. આજે દિવસ દરમિયાન ભક્તોનો અવિરત પ્રવાહ ચાલુ રહેશે. આમ, સમગ્ર ડાકોર આજે કૃષ્ણની ભક્તિમા લીન થઈ ગયેલું નજરે પડે છે.

ઠાકોરજીના મસ્તક પર સવા લાખનો મોટો મુકુટ તેમજ આયુધો સમેત ભારે શૃંગાર થશે
રાતે 12 વાગે પ્રાગટ્ય સમયે શ્રીજી મહારાજને જન્મ સમયના પંચામૃત થાય છે અને પછી વિશેષ લાલ ચૂંદડીનાં વસ્ત્રો ધરાવાય છે. ઠાકોરજીના મસ્તક પર સવા લાખનો મોટો મુકુટ તેમજ આયુધો સમેત ભારે શૃંગાર થઈ ઉત્સવના તિલક આરતી થાય છે. આ પછી લગભગ મધ્ય રાતે 2 વાગે શ્રી ગોંપાલાલજી સોનાના પારણામાં ઝૂલે છે. પારણામાંથી નિજમંદિર પધાર્યા બાદ શ્રીજી મહારાજને ઉત્સવનો મહાભોગ આવે ધરાવાય છે. મહાભોગ બાદ આરતી થઈ શયન સેવા થઈ નોમની વહેલી સવારે શયન થાય છે.

