ડીસામાં ગઈકાલે ખાબકેલા પાંચ ઇંચ વરસાદે અનેક ગામડાંમાં ભારે તબાહી સર્જી છે, જેમાં માલગઢ ગામે પણ ધોધમાર વરસાદ થતાં ખેતરો અને ઘરો બેટમાં ફેરવાઈ ગયાં છે. ત્યારે વરસાદી પાણીએ કેવી તબાહી સર્જી છે એ આ ડ્રોન કેમેરાના વીડિયો પરથી જાણી શકાય છે.

પશુપાલન-ડેરી ઉદ્યોગને પણ ભારે નુકસાન
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સતત 12 કલાક સુધી વરસાદ વરસ્યો હતો. ડીસામાં પણ પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. મેઘતાંડવથી ગામડાં બેટમાં ફેરવાઈ ગયાં છે તાલુકાના માલગઢ ગામમાં પણ ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. મોંઘવારીના મારથી પીડાતા ગ્રામીણ વિસ્તારના લોકોને વધુ એકવાર નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. માલગઢના પરબડી વિસ્તારમાં લોકોનાં ઘરોમાં ત્રણથી ચાર ફૂટ જેટલું પાણી ઘૂસી જતાં ઘરવખરીનો સામાન, પશુઓ અને ઘાસચારો સહિત તમામ માલસમાન પાણીમાં તકતો થઈ ગયો હતો.

ખેડૂતોને વળતર ચૂકવવા અપીલ
મોંઘા ભાવે બિયારણ લાવી વાવેતર કરેલાં ખેતરો પણ બેટમાં ફેરવાઈ ગયાં છે, જેથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થવાનો વારો આવ્યો છે. માલગઢના પરબડી વિસ્તારમાં લોકોને કેટલું નુકસાન થયું છે એ ડ્રોન કેમેરાના વીડિયો અને ફોટા પરથી જાણી શકાય છે. અસરગ્રસ્ત લોકોની માગ છે કે ભારે વરસાદને કારણે ખેડૂતો અને પશુપાલકોને મોટું નુકસાન થયું છે ત્યારે સરકારે ખેડૂતોને વળતર ચૂકવવું જોઈએ.

