
- અત્યારસુધી 700 રૂપિયાનો ભાવ હતો, જે ઘટીને હવે 623 થઈ ગયો
- કંપની પણ 13% GST ઘટાડે તો પ્રવાસીઓને ફાયદો થાય: અગ્રણી જયદેવ જોષી
કેન્દ્ર સરકારે દૂધ, દહીં સહિતની વસ્તુઓમાં GST નાખ્યા બાદ ઘણી વસ્તુમાં GST ઘટાડ્યો પણ છે, જેમાં ગિરનાર રોપ-વેનો પણ સમાવેશ થાય છે. 13% GST ઘટતાં ટિકિટના ભાવમાં ઘટાડો થયો છે. અત્યારસુધી 700 રૂપિયાનો ભાવ હતો, જે ઘટીને હવે 623 થઈ ગયો છે. જોકે રોપ-વે કંપની તરફથી બિલકુલ GST ન ઘટાડતાં લોકોમાં નારાજગી જોવા મળી રહી છે. ત્યારે સ્થાનિક અગ્રણીઓની માગ છે કે સરકારની જેમ કંપની પણ 13% GST ઘટાડે તો પ્રવાસીઓ સરળતાથી દર્શનનો લાભ લઇ શકે.

રોપ-વેની સુવિધા શરૂ થઇ ત્યારથી વિવાદમાં
સરકારે ગિરનાર રોપ-વેનો 13% GST ટેક્સ ઘટાડતાં પ્રવાસીઓને ફાયદો થશે. જોકે પ્રવાસીઓને રોપ-વેમાં જવું હોય તો હજુ પણ વધુ પૈસા આપવા પડશે. જ્યારથી ગિરનાર પર રોપ-વેની સુવિધા શરૂ થઇ ત્યારથી ભાવ અંગે વિરોધ થઈ રહ્યો છે. આ બાબતે સ્થાનિક નેતાઓ ચૂપ છે, જ્યારે સામાજિક સંગઠનો સતત વિરોધ કરી રહ્યાં છે.

કંપનીએ એક વર્ષમાં 50 કરોડની કમાણી કરી
ગિરનાર પર બનાવેલા રોપ-વેની સુવિધા 130 કરોડના ખર્ચે તૈયાર થઇ હતી. ઉષા બ્રેકો કંપનીને 99 વર્ષના કરાર આધારિત ચલાવવામાં આપેલી છે. આ કંપનીએ એક વર્ષમાં જ 50 કરોડની કમાણી કરી છે. આવનારાં 2 વર્ષમાં કંપનીએ કરેલો ખર્ચ નીકળી જશે. ત્યાર બાદ 95 વર્ષ સુધી માત્ર નફો જ કમાવા મળશે.

કંપની તરફથી કોઈ ઘટાડો નથી કરાયો: રોપ-વે સંચાલક
આ અંગે રોપ-વે સંચાલકનો દિવ્ય ભાસ્કરે સંપર્ક કરતાં મેનેજર રાજેશ તોતલાણીએ જણાવ્યું હતું કે સરકારે GSTમાં ઘટાડો કરતાં ભાવ ઘટ્યા છે, પરંતુ હાલ કંપની તરફથી કોઇ ઘટાડો કરવામાં આવ્યો નથી.

કંપની પણ 13% GST માફ કરે: જયદેવ જોષી
આ બાબતે બ્રહ્મ સમાજના અગ્રણી જયદેવ જોષીએ જણાવ્યું હતું કે રોપ-વેમાં સરકારે 13% GST ઘટાડ્યો એ સારા સમાચાર છે. ત્યારે હું કંપનીને વિનંતી કરુ છું કે જો સરકાર 13% GST માફ કરતી હોય તો તમે પણ 13% GST માફ કરો. જેથી 26%ની ટિકિટમાં રાહત થઇ જાય, જેથી સામાન્ય માણસ પણ રોપ-વેનો લાભ લઇ શકે અને માતાજીનાં દર્શન કરી શકે.


