
- હાર્દિક પટેલે ઘરેથી દુર્ગાપાઠ કરીને SGVP ગુરુકુળમાં ગૌપૂજા કરી
પાટીદાર અનામત આંદોલનથી પાટીદારનો ચહેરો બનેલા હાર્દિક પટેલ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખપદેથી રાજીનામું આપીને હવે ભાજપનો કેસરિયો ખેસ પહેરી લીધો છે.તેમણે સવારે એસપીજી ગુરુકુળ ખાતે રામ, શ્યામ અને ઘનશ્યામનાં દર્શન કરીને સાધુ-સંતોની હાજરીમાં ગાયની પૂજા કરી હતી. કોબાથી કમલમ સુધી તેમનો રોડ શો યોજાયો હતો. બીજી તરફ કોંગ્રેસનાં પૂર્વ નેતા શ્વેતા બ્રહ્મભટ્ટને ભાજપ-પ્રમુખ સી.આર. પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને ભાજપમાં સ્વાગત કર્યું હતું.

શ્વેતા બ્રહ્મભટ્ટે કહ્યું હતું કે રાજકીય લાઈફ મારી રીતે પસંદ કરી છે. હું એજ્યુકેટેડ છું અને એક્ટિવ પોલિટિક્સમાં કામ કરવા માગું છું. મેં કોઈ કમિટમેન્ટ નથી આપ્યું અને લીધું પણ નથી. કોંગ્રેસમાંથી રાજીનામું આપવા પાછળ અનેક કારણો છે. આ એક એવી બોટ છે, જેના પાંચ અલગ અલગ ચાલકો છે. ત્યાં મેનેજમેન્ટની કમી છે. દરેક કાર્યકરને સમાન ગણવામાં આવતા નથી એ કોંગ્રેસની સૌથી મોટી કમી છે.


આજે ભાજપના બે અલગ-અલગ પ્રોગ્રામ
કમલમ ખાતે યોજાનારા કાર્યક્રમમાં હાર્દિક પટેલે જીદ પકડી હોવાની વિગતો સામે આવી રહી છે. હાર્દિક ભાજપમાં જોડાવાનો છે એ નક્કી થઈ ગયા બાદ તેઓ કઈ રીતે ભાજપમાં જોડાશે એની આખી રૂપરેખા હાર્દિકે જ નક્કી કરી છે. એક દિવસ અગાઉ હાર્દિક પટેલ ગાંધીનગર ભાજપ કાર્યાલય ખાતે કેટલાક નેતાઓને મળ્યા હતા, જ્યાં તેમણે એકલા જ જોડાવવાની જીદ કરી હતી, ત્યાર બાદ ભાજપે બે અલગ-અલગ પ્રોગ્રામ કરવાનું હવે નક્કી કર્યું છે.
17 મેના રોજ હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું
17 મેના રોજ હાર્દિક પટેલે આખરે પાર્ટીના કાર્યકારી પ્રમુખપદ સહિત તમામ સ્તરેથી રાજીનામું આપી દીધું હતું. તેમણે ટ્વિટર પર સોનિયા ગાંધીને સંબોધીને પત્ર લખ્યો હતો અને પાર્ટીના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું. હાર્દિક પટેલ 12 માર્ચ, 2019ના રોજ કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ત્યારથી અત્યારસુધી, એટલે કે 3 વર્ષ, 2 મહિના અને 6 દિવસ સુધી તેઓ કોંગ્રેસમાં રહ્યા, જે 1161 દિવસ થાય છે. આ બાદ હવે તેમણે પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું.

