- અઠવાડિયામાં બીજીવાર ડ્રગ્સ ઝડપાયું, 9 ઘૂસણખોર સહિત પાકિસ્તાની બોટ પકડાઈ
- ગુજરાત એટીએસ અને ઇન્ડિયન કોસ્ટગાર્ડે સંયુક્ત ઓપરેશન હાથ ધરી જથ્થો પકડ્યો
- ચાર દિવસ પહેલાં કંડલામાંથી 1439 કરોડનું ડ્રગ્સ DRI અને ATSએ પકડ્યું હતું
દેશની આંતરરાષ્ટ્રીય જળ અને જમીન સીમાએ આવેલા કચ્છ જિલ્લામાં સુરક્ષા બળ દ્વારા હાલના સમયમાં સતત માદક પદાર્થ ઝડપવાનું કાર્ય સામે આવી રહ્યું છે. એમાં આજે સોમવારે ફરી એક વખત ગુજરાત ATS અને ભારતીય કોસ્ટગાર્ડ દ્વારા અરબી સમુદ્રમાંથી પાકિસ્તાની બોટને રૂ. 280 કરોડના ડ્રગના જથ્થા સાથે 9 પાકિસ્તાની ઘૂસણખોર સહિત ઝડપી પાડવામાં આવી છે. પાક. આરોપીઓ સાથેની બોટને સુરક્ષા તપાસ એજન્સી દ્વારા કચ્છના જખૌ બંદર ખાતે લાવવામાં આવી રહી છે. જોકે મોટી માત્રામાં પકડાયેલાં ડ્રગ્સના જથ્થાને લઈ સલામતી દળો વધુ સાબદા બની ગયાં છે.

આ પૂર્વે ગત વર્ષની 9 ફેબ્રુઆરીના રોજ 11 પાક. બોટ સલામતી દળોને ક્રિક વિસ્તારમાંથી બિનવારસી હાલતમાં મળી આવી હતી અને ત્યાર બાદ છુપાયેલા 6 પાકિસ્તાની માછીમારો ઝડપાયા હતા. એ બાદ ક્રિક વિસ્તારમાંથી સતત ચરસના બિનવારસી પેકેટ મળવાનો સિલસિલો ચાલુ રહ્યો હતો.

કચ્છની અટપટી ક્રિક ધરાવતા દરિયાઈ સીમા વિસ્તારમાં સીમા સુરક્ષા બળ અને કોસ્ટગાર્ડ સહિતની સલામતી એજન્સી દ્વારા ચુસ્ત પહેરો રાખવામાં આવી રહ્યો છે. તેમ છતાં નાપાક ઘૂસણખોરો કઠિન ક્રિક વિસ્તારનો લાભ લઇ દેશની સીમા અંદર પેશકદમી કરતાં ઝડપાઇ રહ્યા છે. એમાં આજે રૂ. 280 કરોડના ડ્રગ્સ સાથે ઝડપાયેલી પાક. બોટને કારણે સુરક્ષા એજન્સીઓમાં દોડધામ મચી જવા પામી છે. ATS અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશન હેઠળ ઝડપાયેલા પાક. આરોપીઓને જખૌ બંદર પર લઈ આવ્યા બાદ વધુ કેટલાક ચોંકાવનારા ઘટસ્ફોટ થવાની સંભાવના રહેલી છે.

ડ્રગ્સની હેરાફેરી માટે સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો ટ્રાન્ઝિટ પોઈન્ટ
ભારતમાં અત્યારસુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું, પરંતુ આ બંને સરહદો સીલ કરી દેવાતાં ડ્રગ્સમાફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય એવી સ્થિતિ સર્જાઈ છે, કારણ કે ગુજરાતમાં છેલ્લાં ચાર-પાંચ વર્ષ દરમિયાન મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.

સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠેથી 5 વર્ષમાં પકડાયેલું ડ્રગ્સ
21-04-2022
ATS અને DRIએ સંયુક્ત ઓપરેશન હાથ ધરી કંડલામાંથી 205 kg અંદાજે 1439 કરોડ રૂપિયાના હેરોઈનનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ જથ્થો ઇરાનથી આવ્યો હતો. આ જથ્થો કંડલાથી કોને મોકલવાનો હતો એ અંગે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે.
09-11-2021
દેવભૂમિ દ્વારકાના સલાયામાંથી રૂ. 315 કરોડની કિંમતનું 63 કિલો ડ્રગ્સ ઝડપાયું હતું. ડ્રગ્સનો આ જથ્થો પાકિસ્તાનથી આવ્યો હોવાનો ઘટસ્ફોટ થયો હતો. ડ્રગ્સની હેરાફેરીમાં દેવભૂમિ દ્વારકાના સલાયાના શખસોની સંડોવણી ખૂલી હતી.
15-09-2021
મુન્દ્રા પોર્ટ પર ઈમ્પોર્ટ કરાયેલા ટેલ્કમ પાઉડરના નામે 21 હજાર કરોડની કિંમતનું 3000 કિલો હેરોઈન DRIએ પકડ્યું હતું.
06-01-2021
જખૌ પાસેથી ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની ટીમે 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઈન સાથે છ આરોપીને પકડી પાડ્યા હતા.
એપ્રિલ-2021
મુન્દ્રા પોર્ટ નજીકથી આઠ પાકિસ્તાની 3000 કરોડના હેરોઈન સાથે પકડાયા હતા. ગત વર્ષે હજીરા પોર્ટ પરથી 120 કરોડની નશીલી દવાઓ પકડાઈ હતી.
મે-2019
જખૌના દરિયા કિનારે અલ મદીના જહાજમાંથી 280 કિલો ડ્રગ્સ સાથે 6 પાકિસ્તાની નાગરિક ઝડપાયા હતા.
27-03-2019
ગુજરાત ATS અને કોસ્ટ ગાર્ડે પોરબંદર પાસે બોટ આંતરીને 500 કરોડની કિંમતનું 100 કિલો હેરોઈન અને 25 કરોડ કિંમતના MD ડ્રગ્સનો જથ્થો પકડી પાડ્યો હતો, જેમાં 11 આરોપી પકડાયા હતા.
12-08-2018
ગુજરાત ATSની ટીમે સલાયા નજીક બોટમાં હેરોઈનની હેરાફેરી કરતાં પાંચ શખસને પકડ્યા હતા. તેમની પાસેથી 15 કરોડની કિંમતનું 8 કિલો હેરોઈન જપ્ત કરાયું હતું.
જુલાઈ-2017
બ્લુચિસ્તાનમાંથી ગુજરાત આવવા નીકળેલા જહાજમાંથી કોસ્ટગાર્ડે 1500 કિલો હેરોઈન કોસ્ટગાર્ડે દરિયામાંથી ઝડપી પાડ્યું હતું.
20-12-2016
મુન્દ્રાના અદાણી પોર્ટ પરથી નીકળેલા જહાજમાંથી શ્રીલંકામાં 800 કિલો કોકેઈન પકડાયું હતું, જેની કિંમત 1200 કરોડ હતી. આ કન્સાઈન્ટમેન્ટ ગાંધીધામની ટિમ્બર પેઢીના નામે હતું અને જહાજ સાઉદી અરેબિયાથી ભારત આવ્યું હતું.

