
- ગાદીના વિવાદ બાદ છેવટે સંતોએ હરિધામ સોખડા મંદિર છોડી દીધું
- નજરકેદ 210 સંતો-સાધ્વીને બાકરોલ અને અમદાવાદ જવા દેવા હાઈકોર્ટનો આદેશ
- 67 વર્ષ બાદ સંતોના જૂથમાં તડાં પડતાં હરિધામ વિખેરાયું
મંદિરના વહિવટના વિવાદ બાદ હરિધામ સોખડાથી આજે પ્રબોધસ્વામી અને તેમના સમર્થકો સાધુ-સાધ્વીઓ હરિધામ છોડી સામાન સાથે પોલીસના રક્ષણ હેઠળ બહાર નિકળ્યા હતા. આ દરમિયાન છેલ્લે બંને જૂથના સાધુઓ એકબીજાને પ્રેમથી મળ્યા હતા અને વિદાય લીધી હતી. જેનો વીડિયો હવે ઐતિહાસિક અને યાદગાર બની રહેશે.
સંતોએ આજે હરિધામ સોખડા મંદિર છોડી દીધું
વડોદરા નજીક આવેલા હરિધામ સોખડામાં હરિપ્રસાદ સ્વામી બ્રહ્મલીન થયા બાદ તેમના ઉત્તરાધિકારી કોણ તેનો વિવાદ શરૂ થયો હતો. જેમાં એક તરફ પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી જૂથ સામ-સામે હતા. અનેક આક્ષેપ-પ્રત્યાક્ષેપ બાદ આખરે પ્રેમસ્વરૂપ સ્વામી અને તેમની સાથે જનારા સાધુ અને સાધ્વીઓએ ગુજરાત હાઇકોર્ટમાં ફાઇલ થયેલી હેબિયસ કોર્પસ બાદ આજે સવારે હરિધામ સોખડા મંદિર છોડી દીધુ હતું. તેઓ તમામ પોતાના સામાન સાથે જ મંદિરમાંથી બહાર નિકળ્યા હતા.

છૂટા પડતી વખતે સંતો એકબીજાને ભેટ્યા
હરિધામ સોખડામાંથી પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી તેમજ તેમના સમર્થકો વચ્ચે ભલે વિવાદ હોય. પરંતુ, જ્યારે તેઓ છુટા પડતા હતા ત્યારે પ્રેમસ્વરૂપ સ્વામી અને પ્રબોધસ્વામી એકબીજાને ભેટ્યા હતા. સાથે જ બંને જૂથના સંતો એકબીજાને ભેટી તેમ જ વંદન કરીને છૂટા પડ્યા હતા.

સાધ્વીઓ અને સંતો અમદાવાદ અને બાકરોલ જવા રવાના
ગુજરાત હાઇકોર્ટમાં ચાલતી સુનાવણીમાં વડોદરા કોર્ટમાંથી વીડિયો કોન્ફન્સ દ્વારા પ્રબોધસ્વામી અને તેમના સમર્થક સાધુ-સાધ્વીઓ તેમજ ભક્તો હાજર રહ્યા હતા. સાંજે સુનાવણી પૂર્ણ થતાં પ્રબોધસ્વામી સાથે સંતો આણંદના બાકરોલ ખાતે તેમજ સાધ્વીઓ અમદાવાદ ખાતે બસમાં રવાના થયા હતા.

સુહદભાવ ભુલાયો, જ્યાં સંપનો પાયો નખાયો ત્યાંથી હવે સંતો વિખૂટા પડ્યા


સુનાવણી બાદ વચગાળાનો આદેશ
હાઇકોર્ટની ટકોર બાદ બંને પક્ષ સમાધાન માટે મીટિંગ કરશે
હરિધામ સોખડા સંકુલમાં 400 સાધુ, સાધ્વી અને સેવકોને ગોંધી રાખવામાં આવ્યાં હોય તેમને મુક્ત કરાવવા માટે હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરવામાં આવતાં આજે તેની વિડીયો કોન્ફરન્સ દ્વારા સુનાવણી હાથ ધરાઇ હતી. હાઇકોર્ટના આદેશ મુજબ 60 સાધુ સહિત કુલ 179 વ્યક્તિઓને વી.સી. દ્વારા રજૂ કરવામાં આવ્યાં હતા. બન્ને પક્ષે દલીલો થયા બાદ હાઇકોર્ટે તમામ સાધુઓને બાકરોલ મંદિરમાં રહેવાનો જ્યારે 100 બહેનો અને 50 જેટલા સેવકોને અમદાવાદ ખાતે નિર્ણયનગર સ્કુલમાં રહેવાનો વચગાળાનો આદેશ કર્યો હતો.
હાઇકોર્ટે બન્ને પક્ષને સમાધાન કરવું જોઇએ તેવી ટકોર કરતાં બન્ને પક્ષે તેઓ ભવિષ્યમાં કોઇને મધ્યસ્થિ રાખીને મિટિંગ કરશે જણાવ્યું હતું.હાઇકોર્ટના આદેશ બાદ આજે બે તબક્કમાં સુનાવણી હાથ ધરાઇ હતી. અઢી વાગે સુનાવણીનો પ્રથમ તબક્કો શરૂ થયો હતો અને તેમાં હાઇકોર્ટે સાધુ અને સેવકોને સાંભળ્યાં હતા. ત્યાર બાદ સાડા ચાર વાગે બીજા તબક્કાની સુનાવણી હાથ ધરાઇ હતી, જેમાં સામાવાળા પક્ષના વકીલોને હાજર રહેવા દેવામાં આવ્યાં હતા.
એડવોકેટ કાશીક ભટ્ટ તેમજ એડવોકેટ પ્રકાશ ઠક્કર વડોદરા ખાતે વી.સી.માં હાજર રહ્યાં હતા. તેમણે જણાવ્યું હતું કે, બન્ને પક્ષની દલીલો બાદ હાઇકોર્ટે વચગાળાનો હુકમ કર્યો હતો. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટકોર કરી હતી કે, બન્ને પક્ષે સમાધાન કરવું જોઇએ એટલે બન્ને પક્ષે ભવિષ્યમાં કોઇને મધ્યસ્થિ રાખીને મિટિંગો કરાશે તેમ જણાવ્યું હતું.

સોખડામાં સવારથી ભીડ જામી
હરિધામ-સોખડા ખાતે ગુરૂવારે સવારથી જ અમદાવાદ,વડોદરા,સુરત અને રાજકોટના 300થી વધુ હરિભક્તો પહોચ્યાં હતાં. મંદિરની બહાર બંને તરફ ઉભા રહીને હરિભક્તો દ્વારા સ્વામીનારાયણ ભગવાનની ધૂન બોલવામાં આવી હતી. બે થી ત્રણ કલાકની રાહ જોયા બાદ સવારે 11:30 વાગે 210 સંતો,બહેનો,સેવકોને કોર્ટ લઈ જવા માટે 5 લક્ઝરી બસ મંદિરમાં પ્રવેશી હતી. બરોબર 12 વાગે એક પછી એક લક્ઝરી બહાર નિકળતા બહાર ઉભેલા હરિભક્તો રડવા માંડ્યાં હતાં. સંતોની સાથે જ ભક્તો પોતાની 100 જેટલી કારમાં સવાર થઈને કોર્ટ તરફ નિકળતા રસ્તા પર 1 કિમી લાંબી લાઈનો પડી હતી.

કોર્ટના નિર્ણય બાદ સંતો-બહેનો બહાર આવતાં પુષ્પ વર્ષા કરાઈ
વડોદરા ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં બપોરે 12:50 વાગે સંતો-બહેનો પહોંચ્યા બાદ હાઈકોર્ટની કાર્યવાહીની વાર હોવાથી સંતો કાર, લક્ઝરીમાં બેસી રહ્યાં હતાં. 1:20 વાગે 179 સંતો-બહેનોને કોર્ટના પહેલા માળે લઈ જવાયાં બાદ 2:30 વાગે હાઈકોર્ટની ઓનલાઈન પ્રોસિડિંગ ચાલુ થઈ હતી. કોર્ટ સંકુલ 2 હજારથી ભરાઈ ગયું હતું. હરિભક્તોએ કોર્ટ સંકુલમાં બેસીને સ્વામિનારાયણ ધૂન બોલી હતી. સાંજે 6 વાગે કોર્ટ પ્રોસિડિંગ પૂરી થતાં બહાર નીકળેલા સંતો-બહેનોને ફૂલોની વર્ષા કરીને વધાવી લીધા હતા.20 થી વધુ બૂલેટ પર સાફો પહેરી સવાર યુવકોએ પ્રબોધ સ્વામી અને સંતો-બહેનોની લક્ઝરીનું બાકરોલ સુધી પાઇલોટિંગ કર્યું હતું.

- 5 લક્ઝરીમાં સંતો,બહેનો- સેવકોને કોર્ટ સંકુલમાં લઈ જવાયાં
- 2 આઈશર , 1 કારમાં સંતો,બહેનોનો સામાન ભરવામાં આવ્યો
- અમદાવાદ,વડોદરા,રાજકોટ અને સુરતના હરિભક્તોની 100 કાર સંતોના કાફલા સાથે જોડાયો
- રસ્તા પર 1 કિ.મી લાંબી વાહનોની કતાર જામી
અમને 8 મહિનાથી મંદિરમાં જ ગોંધી રખાયા હતા
સોખડામાં અસુરક્ષા અનુભવતા હતા. હરિપ્રસાદ સ્વામીના નિધન બાદ 8 મહિનાથી ગોંધી રખાયા છે. સુરત-વડોદરામાં હરિભક્તો પર હુમલા થયા છે. મંદિરમાંથી 12 સેવકોને હાંકી કાઢ્યા છે. મંદિરની બહેનને હોસ્પિટલમાં જવા દીધી નહતી. – ગુરુપ્રસાદ સ્વામી, પ્રબોધ સ્વામી જૂથ
હરિધામ મંદિરમાંથી સુહૃદભાવના શબ્દ કાઢી નાખવો જોઈએ, ભગવાન કરે તે સારા માટે
હરિધામ મંદિરમાંથી હવે સુહદભાવના શબ્દ કાઢી નાખવો જોઈએ.સ્વામીજીના રાજમાં બધા દ્વાર ખુલ્લા હતા,હવે ગેટ બંધ છે. – પ્રતિભા, મહિલા હરિભક્ત, ભગતજી પ્રદેશ
મંદિરમાં હેરાનગતિ થતાં પ્રબોધ સ્વામી, સંતો અને બહેનોને નીકળવું પડ્યું. તે મુક્ત થયા છે. ભગવાન કરે તે સારા માટે. -નેહાબેન પરમાર, મહિલા હરિભક્ત, વડોદરા
સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં શું કહ્યું છે…?
11 ફેબ્રુઆરી 1826 (વિક્રમ સંવત 1882 મહા સુદ પાંચમ)ના રોજ સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી હતી, જેમાં 212 શ્લોક છે.
- સાધુના ધર્મમાં કોઈનું ચાળિયાપણું ન કરવું
- સાધુને અપમાન કરે ગાળ દે તો સહન કરવું,કોઈને મારવું નહીં, તેનું હિત થાય તેવું મનમાં ચિંતન કરવું, પરંતું તેનું ભૂંડંુ થાય તેવો સંકલ્પ પણ ન કરવો
- સાધુએ બીજા સાધુ સમક્ષ નિષ્કપટપણે વર્તવું
- સાધુએ જડભરતની જેમ વરતવું, રૂષભદેવના દીકરા જડભરત રાજ્ય છોડીને જંગલમાં તપ કરવા જતા રહ્યા હતા. તેમણે સંપત્તિ, આસક્તિ ન રાખી પ્રજાને આપી દીધી હતી.
- સાધુએ હંમેશાં ભક્તિ કરીને સમય પસાર કરવો
હરિધામમાં શું થયું…?
પૂ. હરિપ્રસાદ સ્વામીજી બ્રહ્મલીન થયા બાદ પ્રેમ સ્વરૂપ સ્વામી અને પ્રબોધ સ્વામીને ગાદી સોંપાતાં વહીવટમાં વર્ચસ્વ માટે કાવાદાવા શરૂ થયા.
- સંતોએ એકબીજા માટે ચાળિયાપણું કર્યું, જેમાં બંને જૂથના સંતો દ્વારા એકબીજા પર સતત દોષારોપણ કરાયું
- હરિધામમાં જ પ્રેમસ્વરૂપ જૂથના સંતોએ પ્રબોધ જૂથના સેવકને માર માર્યો હતો. જ્યારે પાંચથી વધારે સેવકોને પણ કાઢી મૂક્યા છે
- હવે કેટલો સમય મફત ખાવાના, શરમ નથી આવતી, ક્યારે મંદિરમાંથી નીકળશો, તેવાં મહેણાં માર્યાં, સંતોને ગોંધી રખાયા
- સંતોએ ટ્રસ્ટની 10 હજાર કરોડની સંપત્તિ માટે ઝઘડા કર્યા, એક પક્ષને મંદિરમાંથી હાંકી કાઢવા મજબૂર કર્યો
- સંતોએ ભક્તિ કરતાં બીજો પક્ષ શું કરી રહ્યો છે તેમાં સમય વિતાવ્યો

