
વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી મણિનગર વિધાનસભા ચૂંટણી લડનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 18મીએ રાત્રે 9 કલાકે રાજભવનમાં મળ્યાં હતાં. વડાપ્રધાનને તેમના પિતા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ સાથે મળનારાં શ્વેતા બ્રહ્મભટ્ટ આગામી સમયમાં ભાજપમાં જોડાશે એવી અટકળો તેજ બની છે. આ મુદ્દે નરેન્દ્ર બ્રહ્મભટ્ટનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે તેઓ મોદીના ચાહક હોવાથી તેમને મળ્યાં હતાં. ભાજપમાં જોડાવવાનો કોઈ પ્રશ્ન નથી.
વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ભાજપમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાઈ રહ્યા છે. કેટલાક નેતા કોંગ્રેસ અને AAPમાં જોડાઈ રહ્યા છે, પણ મોટી સંખ્યામાં નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યા છે. ત્યારે વડાપ્રધાનની ત્રણ દિવસની ગુજરાત મુલાકાત દરમિયાન પણ કેટલાક નેતાઓનું ભાજપમાં જોડાવાનું નક્કી થાય એવી શક્યતા બહાર આવી છે.
અમદાવાદ મ્યુનિ.માં કોંગ્રેસના 2000થી 2005ના શાસનમાં હેલ્થ કમિટીના ચેરમેન રહેલા નરેન્દ્ર બ્રહ્મભટ્ટ પણ મોદીને મળ્યા હતા. નરેન્દ્ર બ્રહ્મભટ્ટનાં પુત્રી શ્વેતા બ્રહ્મભટ્ટ 2017ની વિધાનસભા ચૂંટણી કોંગ્રેસમાંથી લડ્યાં હતાં. તેમણે મણિનગર બેઠક પરથી ભાજપ ઉમેદવાર સુરેશ પટેલ સામે દાવેદારી કરી હતી અને ચૂંટણી હારી ગયાં હતાં. શ્વેતા હાયર એજ્યુકેશનમમાં સારો દેખાવ કર્યો હોવાથી કોંગ્રેસં તેમને સીધી ટિકિટ આપી હતી.
