
- રામનવમીથી તેરસ સુધી પાંચ આ મેળો યોજાય છે
- મેળો અરૂણાચલ પ્રદેશની ‘મીશમી જનજાતી’ના લોકોને ગુજરાત સાથે જોડે છે
ગુજરાતમાં અનેક નાના-મોટા લોકમેળાઓ યોજાય છે, તેમાં સૌરાષ્ટ્રમાં યોજાતા ત્રણ મેળાઓ પ્રચલિત અને આગવું સ્થાન ધરાવે છે. સુરેન્દ્રનગર જિલ્લાનાં તરણેતરમાં યોજાતો મેળો યૌવન હિલોળે ચડાવે છે, જૂનાગઢનમાં ભવનાથ તળેટીમાં યોજાતો સાધુસમાજ અને સંતોનો ભવનાથનો મેળો ત્રિવેણીસંગમ સમો હોય છે. જ્યારે ત્રીજા નંબરનું સ્થાન ધરાવતો માધવપુર (ઘેડ)નો ઐતિહાસિક લોકમેળો શ્રીકૃષ્ણ અને રૂકમણીજીની લગ્નપ્રસંગની ઝાંખી કરાવે છે. ચૈત્ર મહિનાની રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસનો યોજાતો આ ભાતીગળ લોકમેળો અનોખી ભાત પાડે છે. આ મેળામાં ઉત્તર-પૂર્વીય આઠ રાજ્યોના લોકો ભાગ લે છે. આ મેળો અરૂણાચલ પ્રદેશની ‘મીશમી જનજાતી’ના લોકોને ગુજરાત સાથે જોડે છે. આ મેળામાં ભારતના રાષ્ટ્રપતિ ઉપરાંત ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, નોથૅ–ઇસ્ટ રાજ્યોના રાજ્યપાલ, મુખ્યમંત્રીઓ, સહિત મહાનુભાવો, પદાધિકારીઓ, અધિકારીઓ તથા નામાંકિત કલાકારો પણ મેળામાં ઉપસ્થિત રહેશે.
માધવપુર શ્રીકૃષ્ણ-રૂકમણીના લગ્ન સ્થળ
માધવપુર ભગવાન શ્રીકૃષ્ણ સાથે જોડાયેલુ ઐતિહાસિક સ્થળ છે. શ્રીકૃષ્ણ-રૂકમણીના પવિત્ર લગ્ન બંધનનું સાક્ષી રહેલા આ સ્થળે આવતા યાત્રીકો ધન્યતા અનુભવતા હોય છે. શ્રીકૃષ્ણની યાત્રા અને એમના જીવનમાંથી એક ભારતની પ્રેરણા મળે છે. તેમની પ્રેરણા માધવપુરના માંડવે અનુભવાય છે. રૂકમણી સાથે કૃષ્ણનો મિલાપ એ પશ્રિમ અને ઉત્તર-પૂર્વના રાજ્યોને જોડવાનો અનેરો પ્રસંગ છે.
ચૈત્ર સુદ બારસે વિવાહ ઉત્સવ યોજાય છે
રામ નવમીના પાવન પર્વ પર માધવપુર માધવરાયજીના મંદિરે મંડપ રોપાય છે. અને વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. ચૈત્ર નોમ, દશમ તથા અગિયારશના રોજ ત્રણ દિવસ સુધી ભગવાનનુ ફૂલેકુ નીજ મંદિરથી નીકળે છે. જેને વર્ણાગી કહેવામાં આવે છે. આ ફૂલેકુ ત્રણ દિવસ સુધી રાત્રે 9 કલાકે નીજ મંદિરથી નીકળી મુખ્ય બજાર થઇને બ્રમ્હ કુંડ થઇ રાત્રે 12 કલાકે નીજ મંદિરે પરત ફરે છે. ચૈત્રસુદ બારસે વિવાહ ઉત્સવ યોજાય છે.
ચૈત્ર સુદ તેરસે જાનને વિદાય અપાય છે
ઉલ્લેખનીય છે કે, રુકમણીજી ઉત્તર ભારતના હતા, માટે આ પ્રસંગે ઉત્તર-પૂર્વના આઠ જેટલા રાજ્યોમાથી કલાકારો, મહેમાનો મહાનુભાવો પણ મેળામાં ઉપસ્થિત રહેશે. પોરબંદર નજીક આવેલ કડછ ગામના લોકો વાજતે ગાજતે ધજા લઇને લગ્નનું મામેરૂ પુરવા આવે છે. આ દ્રશ્યો જોવા એ પણ એક અવસર છે. ઓઝત, ભાદર અને મધુવંતિ નદીના ત્રિવેણી સંગમ તથા અરબી સમુદ્રના કાઠે આવેલા પ્રાકૃતિક સૌદર્યથી ભરપુર એવા માધવપુર ખાતે રુકમણી મઠથી શ્રીકૃષ્ણનુ સામૈયું કરવામાં આવે છે. સાંજે ભગવાન શ્રીકૃષ્ણની જાનનું પ્રયાણ થાય છે. મધુવનમાં જાન આવે છે. કન્યા પક્ષ દ્વારા જાનનું સ્વાગત કરી લગ્નની વિધિ યોજાય છે. ચૈત્ર સુદ તેરસના દિવસે વહેલી સવારે જાનને વિદાય આપવામાં આવે છે. આમ ભગવાન શ્રીકૃષ્ણ તથા રુકમણીજીના શાસ્ત્રોકત વિધિ મુજબના લગ્ન યોજાય છે. ભગવાનના આ લગ્નમાં ઉપસ્થિત રહેવુ એ એક લ્હાવો છે.
કૃષ્ણ-રુક્મિણીના વિવાહ 5 હજાર વર્ષ પહેલા થયા હતા
માધવરાયજીના મંદિર ખાતે જેમનો પરિવાર પાંચ પાંચ પેઢીથી સેવા કરી રહ્યો છે તેવા મંદિરના ટ્રસ્ટી અને મુખીયા રૂચિરભાઈ દિલીપભાઈ સેવકે જણાવ્યુ હતું કે, આ પ્રાચીન તીર્થ સ્થળે ભગવાનશ્રી કૃષ્ણ-રુક્મિણીના વિવાહ થયાનું આજથી 5 હજાર વર્ષ પહેલા થયા હતા. આ પ્રણાલીકા વર્ષોથી ચાલી આવે છે. આ ધાર્મિક સ્થળ હિંદુઓ માટે આસ્થા અને શ્રદ્ધાનું સ્થાનક છે. ભગવાન શ્રીકૃષ્ણ-રુક્મિણીના વિવાહની ધાર્મિક પુણ્ય સ્મૃતિમાં પરંપરાથી અહીં ચૈત્ર મહિનામાં રામનવમીથી તેરસ સુધી એમ પાંચ દિવસ માધવપુરનો ધાર્મિક મેળો યોજવામાં આવે છે.
ત્રણ દિવસ સુધી ફૂલેકુ નિકળે છે
રૂચિરભાઈ સેવકે વધુમાં જણાવ્યું હતું કે, માઘવરાયજીના મંદિરથી બ્રહ્ન કુંડ સુધી એમ ત્રણ દિવસ સુધી તેની વરણાગી નિકળે છે. તેમાં ભગવાનના પદો-કિર્તન ગાતા હોય છે જ્યારે યુવાઓ તેમાં રાસ ગરબા રમે છે. સમગ્ર માધવપુર ઘેડ વિસ્તારમા આનંદ-ઉત્સવનો માહોલ જોવા મળે છે. નાનામોટા સૌ કોઈ ભગવાનશ્રી કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવનો આનંદ માણતા હોય છે.

અત્યાર સુધી ભગવાનશ્રી કૃષ્ણ-રુક્મિણીના લગ્નોત્સવનો મેળો પરંપરાગત રીતે ઉજવાતો હતો, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં માધવપુર ઘેડનો મેળો રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસિદ્ધિ પામી રહ્યો છે. આ પ્રસિદ્ધિના કારણે મહત્તમ પ્રવાસીઓ આ જગ્યાની મુલાકાત લેશે જેનાથી પ્રવાસન ઉદ્યોગનો વિકાસ પામશે અને માઘવપુરની દશેય દિશાએ ઉન્નતી થશે. રાષ્ટ્રપતિ અને બીજા મહાનુભાવો આવી રહ્યા છે જે અમારા માટે ગર્વની વાત છે.

મેળો આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસિદ્ધિ પામ્યો
આ અંગે સુરત જિલ્લાના બારડોલી ખાતે વસવાટ કરતા અને હાલ પોતાના માદરે વતન માધવપુરની મુલાકાતે આવેલા દક્ષેશભાઈ શેઠ જણાવે છે કે, માધવપુર એ મારા મનની સૌથી નજીકનું સ્થળ છે. શાંત સમુદ્રના કિનારે અને ક્યારેક ક્યારેક એવું લાગે કે, માધવપુર દક્ષિણ ભારતના અન્ય સ્થળો કરતા વધુ સુંદર અલૌકિક અને મસ્ત મજાનું સ્થળ છે.

દક્ષેશભાઈ શેઠ વધુમાં જણાવે છે કે, અમે જન્મજાત માધવપુરના વતની છીએ. માધવપુરામાં પરંપરાગત મેળો વર્ષોથી યોજાતો રહ્યો છે. આ મેળાનું ઐતિહાસિક મહત્વ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પોતાના કાર્યક્રમ ‘મન કી બાત’માં તેનો સમાવેશ કર્યો અને તે આંતરરાષ્ટ્રીય ફલક પર પ્રસિદ્ધિ પામ્યો છે, જે અમારા સૌ માટે ગૌરવની વાત છે. હું અને મારા સમગ્ર પરિવારને લઈને સાથે માધવપુરના મેળામાં મહાલવા આવ્યા છીએ. અમને ગર્વ છે કે, માધવપુર ધેડમાં આવેલું ભગવાન શ્રીકૃષ્ણનું સ્વયંભૂ મંદિર ગ્રામવાસીઓએ એક ઐતિહાસિક અને વૈશ્વિક ધરોહરના ભાગરૂપે તેની જાળવણી કરીને તેને સાચવી રાખ્યું છે.

તંત્ર દ્વારા 27 સમિતિની રચના કરાઇ
આ લોકમેળાના કાર્યક્રમના સુચારુ સંચાલન માટે તથા વહિવટી સરળતા માટે જૂદી જૂદી 27 સમિતિની રચના કરી કરવામા આવી છે. જેમા સુરક્ષા સમિતિ, એકોમોડેશન વ્યવસ્થાપન સમિતિ, ટ્રાફિક મેનેજમેન્ટ સમિતિ, હેલીપેડ વ્યવસ્થા સમિતિ, વીજ પુરવઠા વ્યવસ્થાપન સમિતિ, ફૂડ ચકાસણી વ્યવસ્થાપન સમિતિ સહિત સમિતિની રચના કરવામા આવી છે.

મેળામા ગુજરાત સહિતના રાજ્યોમાથી મહેમાનો, મહાનુભાવો તથા કલાકારો આવશે. તથા ગુજરાત સહિતના રાજ્યોના હસ્તકલા કારીગરોના સ્ટોલ જોવા મળશે. લોકોને ખાસ કોઈ અગવડતા ન પડે તેમજ અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ ન થાય તેમજ બંદોબસ્ત વ્યવસ્થા જળવાઈ રહે તે માટે જિલ્લા તંત્ર સજ્જ છે.

