
ગુજરાત ભાજપમાં જે રીતે ભરતી ઝુંબેશ ચાલુ થઇ છે એનાથી કાર્યકર્તાઓ પણ આશ્ચર્યની સાથે ગુસ્સામાં છે. આવામાં આખાબોલા પ્રદેશ પ્રમુખે ખુલાસો કર્યો કે હું કોઇને બોલાવવા(કોંગ્રેસમાંથી) જતો નથી, પણ બધા સામેથી ભાજપમાં આવે છે. આવું કહીને ભાઉસાહેબે તો પોતાના હાથ આ ભરતીમેળાથી ખંખેરી નાખ્યા, પણ જે લોકો કોંગ્રેસમાં ગયા છે તેઓ એક દિવસના કમલમના બાદશાહ પુરવાર થઇ રહ્યા હોવાનું પણ બહાર આવી રહ્યું છે. કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમારે ભાજપમાં જોડાયા એ જ સમયે જાહેરમાં એવી વિનંતી પણ કરવી પડી કે મારી સાથે જોડાયેલા કાર્યકર્તાઓનું સન્માન જળવાય એ પણ જોજો. આમ, તેમને અંદરખાને તો બીક છે જ કે પોતે જે 37 વર્ષ કોંગ્રેસમાં રહીને પણ પોતાના ચાહકોનો વિશાળ વર્ગ ઊભો કર્યો છે એ ખોઇ બેસશે. જયરાજસિંહે જ્યારે ભાજપમાં જોડાવાનું ટવીટ કર્યું હતું ત્યારે પણ તેમના સોશિયલ એકાઉન્ટમાં તેમની હાંસી ઊડી હતી.
ભરતસિંહની શું ગુસ્તાખી થઈ કે રાહુલ નારાજ થયા
ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીથી કોંગ્રેસના ટોચના નેતા રાહુલ ગાંધી નારાજ લાગે છે. દ્વારકાની ચિંતન શિબિરમાં આવેલા રાહુલ ગાંધી સામે કોંગ્રેસના નેતાઓ કતારબંધ ઊભા હતા. રાહુલ બધાની સામે નજર નાખતાં-નાખતા પસાર થયા હતા, પણ જ્યાં ભરતસિંહ સોલંકી દેખાયા તો તરત મોં ફેરવીને જતા રહ્યા. રાહુલે તેમની સામે નજર પણ મિલાવી ન હતી. ગુજરાત કોંગ્રેસના પ્રવકતા જયરાજસિંહ પરમાર જેવા અમુક આગેવાનો તાજેતરમાં ભાજપમાં જોડાયા હતા તે ભરતસિંહ કેમ્પના ગણાતા હતા. આ સિવાય ભરતસિંહનાં પત્નીએ પતિ વિરુદ્ધ રાહુલને ફરિયાદ કરી હતી, એ પણ એક કારણ હોઈ શકે એવી ચર્ચા ખુદ કોંગી આગેવાનોમાં થવા લાગી હતી.
હર્ષ સંઘવીના ‘બંગલે’ જૈન મુનિ સાહેબ પધાર્યા, મુખ્યમંત્રીએ પણ આશીર્વાદ લીધા…
બન્યું એવું કે રાજ્યના યુવા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગાંધીનગરના મંત્રી બંગલે ગુરુપૂજનનો વિશેષ પ્રસંગ યોજાયો હતો. આમાં ભક્તિ યોગાચાર્ય પ.પૂ.મ.સા. શ્રી યશોવિજય સૂરીશ્વરજીનું બંગલા નં 43 ખાતે ગુરુપૂજનનું કરાયું હતું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ આશીર્વાદ લેવા પહોંચ્યા હતા. આ વેળાએ મહારાજ સાહેબે આશીર્વચનમાં જણાવ્યું હતું કે તમને સોંપેલા કાર્યમાં પરિસ્થિતિ સમજી કાર્ય કરજો, વાતોના બાદશાહ બન્યા કરતાં આચરણના આચાર્ય બનજો. સંતોની ઈચ્છા જેવું ગુજરાત બનાવી નરેન્દ્ર મોદીએ સજાવેલા ગુજરાતને વધુ સજાવી આગળ વધવાના આશીર્વાદ હર્ષ સંઘવીને જૈન મુનિએ આપ્યા હતા.
શિવહરેની GUVNLની જવાબદારી જીવતા વાયર સાથે કામ બરાબર રહેશે
કોરોનાની બીજી અને ત્રીજી લહેરમાં હેલ્થ વિભાગમાં IAS જયપ્રકાશ શિવહરેએ નોધનીય કામગીરી કર્યાની ભારે ચર્ચા છે. આવામાં તાજેતરમાં IAS શાહમીના હુસેનના સ્થાને ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટે઼ડ-GUVNLના એમડી તરીકે નીમવામાં આવ્યા છે. શાહમીના હુસૈનની લાંબા સમયથી આ પોસ્ટ પર નિયુક્તિ અને તાજેતરના કોલસાકોભાંડને પગલે કરંટ તો લાગ્યો છે. જોકે શિવહરેએ અગાઉ ધોલેરા ઓથોરિટીના સીઇઓ તરીકે વિવિધ કામગીરી ના અનુભવો આ જીયુવીએનએલના જીવતા વાયરને સાચવવામાં કામ લાગે છે કે નહીં. તેમના માટે કામગીરી ચેલેન્જિંગ થઇ ગઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.
રશિયા વોરનું ગ્રહણ ડિફેન્સ એક્સ્પોને નહીં લાગે, ડિફેન્સ મિનિસ્ટર વર્ચ્યુઅલી હાજર રહી શકે
વોરની સ્થિતિ જોતાં ડિફેન્સ એક્સપોમાં મોટી તોપોની હાજરી ઓછી રહે એવા સંજોગો છે. આગામી પાંચમી તારીખ સુધી જો રશિયા -યુક્રેનનું ગૂંચવાયેલું કોકડું કોઇ ઉકેલ તરફ આવે તો જ ડિફેન્સ એક્સપો થાય તેમ લાગે છે. નહીંતર અગાઉ જેમ વાઇબ્રન્ટ સમીટ સમયે ઓલાઇનો વિકલ્પ વિચારવામાં આવતો હતો. એ રીતે ડિફેન્સ એક્સપો એના ડિજિટલ સ્વરૂપમાં આવી શકે છે, જોકે સ્થાનિક સ્તરે એકઝિબિશન તો યોજાશે, પરંતુ વિદેશના ડિફેન્સ મિનિસ્ટર કે અધિકારીઓની હાજરી આ વખતે ઘટી જાય એમ લાગતાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર થોડી વધુ કવાયત કરવા માંડી છે.
રાજકીય નેતાઓની સરકારી હોદ્દાઓ પર નિમણૂકમાં કાતર ફરશે કે કેમ?
તાજેતરમાં ભાજપે તેના વિવિધ નિગમોમાં કરેલી નિમણૂકો અંગે જે-તે નેતાઓને રાજીનામાં આપવા કહ્યું હતું, અને રાજીનામા આપી પણ દેવાયા હતા. હવે દસેક મહિનામાં ઇલેકશનના નગારા વાગે છે, તેવા સંજોગોમાં રાજય સરકાર નવી નિંમણૂક એવી ડરથી નહીં કરે કે, રખેને નવા કાર્યકર કે નેતાની નિમણૂક કરી અને કોઇ નાનું-મોટું કૌભાંડ થઇ જાય તો? બોર્ડ નિગમમાં જે-તે નેતાને મૂકીને તેને સાચવવાના બદલે ઊલમાંથી ચૂલમાં પડવા જેવી સ્થિતિ થાય. તેથી CMOના સૂત્રો જણાવે છે કે, GIDCના ચેરમેન હોય કે અન્ય મહત્ત્વના નિમગના હોદ્દાઓ, જેમાં અગાઉ રાજકીય નેતાઓ હતા તે હોદ્દા પર અધિકારીઓને મૂકી દેવામાં આવે તેવી સ્થિતિ છે.

