
- કોરોના પોઝિટિવ વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાશેઃDEO
શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ શરૂ થયું છે, ત્યારે વડોદરાના સમા વિસ્તારમાં આવેલી નવરચના હાઇસ્કૂલમાં ધોરણ-8(E)માં અભ્યાસ કરતો એક વિદ્યાર્થી અને તેનો એક પરિવારજન કોરોના પોઝિટિવ આવ્યો છે, જેથી એ વર્ગનું ઓફલાઇન શૈક્ષણિક કાર્ય બંધ કરવામાં આવ્યું છે.
વિદ્યાર્થીનો પરિવાર પણ કોરોના પોઝિટિવ
નવરચના હાઇસ્કૂલ દ્વારા વાલીઓને કરવામાં આવેલા વ્હોટ્સએપ મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે ધો-8 (E)માં ભણતો વિદ્યાર્થી અને તેના પરિવારજન કોરોના પોઝિટિવ આવ્યાં છે. કોરોના પોઝિટિવ આવેલા વિદ્યાર્થીએ છેલ્લે ગત શુક્રવારે ઓફલાઇન ક્લાસમાં હાજરી આપી હતી, જેથી આ ક્લાસના વિદ્યાર્થીઓ હવે આગામી આદેશ સુધી ઓનલાઇન શિક્ષણ જ મેળવી શકશે.

વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરાશેઃDEO
વડોદરા જિલ્લા શિક્ષણાધિકારી (DEO)નવનીત મહેતાએ આ અંગે દિવ્યભાસ્કર સાથે ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે નવરચના હાઇસ્કૂલનો ધોરણ 8 (E)માં અભ્યાસ કરતો વિદ્યાર્થી કોરોના પોઝિટિવ આવ્યો છે, જેથી સરકારની કોરોના ગાઇડલાઇન્સ અનુસાર, તે વિદ્યાર્થીના સંપર્કમાં આવેલા અન્ય વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવશે.
બાળકો માટે વેન્ટિલેટર સાથેના 10 બેડની વ્યવસ્થા ઊભી કરાઈ
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોના ફેલાવાના ડર વચ્ચે વડોદરામાં તકેદારી રૂપે ગોત્રી હોસ્પિટલ ખાતે બાળકો માટે વેન્ટિલેટર સાથેનાં 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. કોરોનાની બે લહેર બાદ રાજ્યમાં વેક્સિનેશન ઝડપી બનાવવામાં આવ્યું છે. જોકે હજુ સુધી 18 વર્ષથી મોટા માટે જ વેક્સિન આવી નથી. જ્યારે બાળકનું વેક્સિનેશન બાકી છે. ત્યારે બીજી તરફ રાજ્યમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના 4 કેસ નોંધાયા છે. જોકે વડોદરામાં ઓમિક્રોનનો હજુ સુધી એક કેસ નોંધાયો નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે શહેરની ગોત્રી હોસ્પિટલમાં બાળકો માટે વેન્ટિલેટરની સુવિધાવાળા 10 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.

સયાજી હોસ્પિટલમાં ઓમિક્રોનના બે વોર્ડ તૈયાર
વડોદરાની સયાજી હોસ્પિટલમાં ઓમિક્રોનના બે વોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. અગાઉ એસએસજીના ઇમર્જન્સી મેડિકલ સેન્ટર બિલ્ડિંગ ખાતે અને નર્સિંગ હોમ બિલ્ડિંગ ખાતે આ વોર્ડ તૈયાર કરાયા છે. આ વિશે હોસ્પિટલના કોરોના નોડલ ઓફિસર ડો.ઓ.બી.બેલિમે જણાવ્યું હતું કે આ વોર્ડમાં 22 વેન્ટિલેટર બેડ અને 23 સાદાં બેડ રાખવામાં આવ્યાં છે. હાલપૂરતું 45 બેડ માટેની તૈયારીઓ રાખવામાં આવી છે. જોકે હાલમાં કોઇ દર્દી ન હોવાથી એને લોક રાખવામાં આવે છે. જોકે આ બેડ પર દર્દીઓ આવે તો દવાઓ અને રેમડેસિવિર ઇન્જેકશનનો જથ્થો પણ તૈયાર છે.’ બીજી તરફ ગોત્રી હોસ્પિટલમાં ઓમિક્રોન વોર્ડ ગત અઠવાડિયે જ તૈયાર કરવામાં આવ્યો છે.

7 રાજ્યમાં 12-17 વર્ષનાં બાળકોને વેક્સિનેશનની શરૂઆત કરાશે
હાલ બાળકોને વેક્સિન આપવામાં આવી નથી. જોકે સરકાર ટૂંક સમયમાં 7 રાજ્યમાં 12-17 વર્ષનાં બાળકોને વેક્સિનેશનની શરૂઆત કરશે. સરકારે આ રાજ્યોને કહ્યું હતું કે તેઓ એવા જિલ્લાઓની ઓળખ કરે, જ્યાં વેક્સિનેશન ઓછું થયું છે. એવું મનાય છે કે ટૂંક સમયમાં જ સરકાર બાળકોના વેક્સિનેશન પર ગાઈડલાઈન્સ પણ જારી કરી શકે છે. આ સાથે જ ભારત દુનિયાભરના એ દેશોની યાદીમાં સામેલ થઈ જશે, જ્યાં બાળકોને પણ કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે.
સરકારે ઝાયકોવ-ડીના એક કરોડ ડોઝનો ઓર્ડર આપ્યો છે
ઝાયકોવ-ડીને પ્રથમ મહારાષ્ટ્ર, તામિલનાડુ, ઉત્તરપ્રદેશ, પંજાબ, ઝારખંડ, બિહાર અને પશ્ચિમ બંગાળમાં લગાવાશે. સરકારે ઝાયકોવ-ડીના એક કરોડ ડોઝનો ઓર્ડર નવેમ્બરમાં જ આપવામાં આવ્યો છે. સરકારે આ રાજ્યોને કહેવામાં આવ્યું છે કે તેઓ એવા જિલ્લાઓની ઓળખ કરે, જ્યાં વેક્સિનેશન ઓછું થયું છે. એના પછી એવા જિલ્લાઓમાં 12-17 વર્ષના લોકોને વેક્સિનેશનની શરૂઆત થશે.

