
- આચમન સોસાયટીની ઘટના CCTV કેમેરામાં કેદ, માર મારનાર યુવક સરકારી અધિકારીનો ભાઈ હોવાની ચર્ચા
સુરતના ઘોડદોડ રોડની આચમન સોસાયટીમાં શ્વાન લઈને નીકળેલા 11 વર્ષના માસૂમ બાળકને વગરવાંકે એક સ્થાનિકે માર માર્યો હતો. આ ઘટના મંગળવારે રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. બનાવ અંગે ઉમરા પોલીસને કોલ મળ્યો હતો. સોસાયટીમાં રહેતા વીરદેવસિંહ નવલસિંહ સરવૈયા (40)ને પોલીસ સ્ટેશને લાવવામાં આવ્યો હતો.
આ અંગે પોલીસે જણાવ્યું હતું કે સોસાયટીમાં નાનાં બાળકો રમતાં હતાં, જેથી વીરદેવસિંહે રમવાની ના પાડી હતી. આથી ગુસ્સામાં તેણે શ્વાન લઈને આવેલા એક 11 વર્ષના બાળકને વગરવાંકે કાન અમળીને જમીન પર પાડી દઈ માર માર્યો હતો. બાળકને મારવાની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ઉમરા પોલીસે મોડી રાતે વીરદેવસિંહ સામે અટકાયતી પગલાં ભરી છોડી મૂકવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ, વીરદેવસિંહનો ભાઈ સરકારી ઓફિસર હોવાની વાત સામે આવી છે. જોકે આ બાબતે પોલીસે સત્તાવાર કોઈ સમર્થન આપ્યું નથી.
