
- જયપુરથી બિહાર જતી સગીરાને ફોસલાવીને અટેન્ડેન્ટે રાજધાની એક્સપ્રેસમાં બેસાડી દીધી હતી
- આરોપીની ધરપકડ કરીને પોક્સો હેઠળ ગુનો દાખલ કરાયો
- પોલીસે સગીરાને મેડિકલ સારવાર અર્થે ખસેડીને કેસ જયપુર ટ્રાન્સફર કર્યો
રાજ્યમાં દિવસે દિવલે બળાત્કારના કેસો વધી રહ્યા છે, પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે જયપુરથી બિહાર જઈ રહેલી 16 વર્ષની સગીરા પર ચાલુ ટ્રેનમાં દુષ્કર્મ ગુજારવાનો મામલો સામે આવ્યો છે. અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પર જયપુરથી આવેલી રાજધાની એક્સપ્રેસમાં અટેન્ડન્ટે સગીરાને તેની કેબિનમાં લઈ જઈને પીંખી નાખી હતી. પ્લેટફોર્મ પર સગીરા ગુમસૂમ બેઠી હતી ત્યારે રેલવે પોલીસે તેની પૂછપરછ કરતાં તેણે સમગ્ર બાબત જણાવી હતી.
ટ્રેન ઊપડ્યા બાદ સગીરાને કેબિનમાં બોલાવી હતી
પોલીસ તરફથી મળેલી વિગતો પ્રમાણે, મૂળ બિહારની રહેવાસી 16 વર્ષની સગીરા જયપુર ખાતે તેના સંબંધીના ઘરે આવી હતી. ત્યાર બાદ તે જયપુરથી બિહાર જવા માટે નીકળી હતી. આ દરમિયાન જયપુર રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસના અટેન્ડેન્ટે સગીરાને કહ્યું હતું કે તું આ ગાડીમાં બેસી જા, હું તને અમદાવાદથી બિહાર જતી કોઈપણ ટ્રેનમાં બેસાડી દઈશ. બાદમાં સગીરા ટ્રેનમાં બેસી ગઈ હતી. સગીરાને એકલી જોઈને અટેન્ડેન્ટે ટ્રેન ઊપડ્યા બાદ પોતાની કેબિનમાં બોલાવીને તેની પર દુષ્કર્મ આચર્યું હતું.

સગીરાએ આપવીતી હેલ્પલાઈનની ટીમને જણાવી
રાજધાની એક્સપ્રેસ આજે સવારે 9.30 વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર આવી હતી. આ ટ્રેનમાંથી પીડિત સગીરા ઊતરીને પ્લેટફોર્મ પર ગુમસૂમ બેસી ગઈ હતી. આ દરમિયાન રેલવે પોલીસની ટીમ ત્યાં પેટ્રોલિંગમાં હતી. જ્યારે રેલવે પોલીસના એક અધિકારીએ સગીરાને જોઈ ત્યારે તે માતા-પિતાથી છૂટી પડી ગઈ હોય એમ લાગ્યું હતું. તેનું હેલ્પલાઈનની ટીમની મદદ લઈને પ્રેમપૂર્વક કાઉન્સેલિંગ કરવામાં આવ્યું અને સગીરાએ પોતાની સાથે થયેલી આપવીતી તેમને જણાવી હતી.

પોલીસે આરોપીને જયપુર પોલીસને ટ્રાન્સફર કર્યો
સગીરાની પૂછપરછ બાદ પોલીસે તેને મેડિકલ સારવાર અર્થે ખસેડી હતી અને અટેન્ડેન્ટની ધરપકડ કરી હતી. પોલીસે આ કેસ જયપુરનો હોવાથી પ્રાથમિક કાર્યવાહી કરીને જયપુર પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. આ કેસની સાથે પોલીસે આરોપીને પણ જયપુર પોલીસને ટ્રાન્સફર કર્યો હતો. અમદાવાદમાં રેલવે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો હેઠળ ફરિયાદ નોંધીને કાર્યવાહી કરી હતી.

