
- AMCએ જુદા જુદા ઝોનના 5000 લોકોનો સર્વે કર્યો હતો
કોરોનાની બીજી લહેરમાં અમદાવાદ શહેરમાં હજારો લોકોના મોત અને કેસો થયા હતા. કોરોનાની ઘાતક બીજી લહેર પછી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે 28 મેથી 3 જૂન વચ્ચે શહેરમાં પાંચમો સીરો સર્વે કર્યો હતો. કોર્પોરેશને શહેરના અલગ અલગ ઝોનમાં રહેતા કુલ 5000 જેટલા લોકોના સેમ્પલ લીધા હતા. જેમાં 81.63 ટકા સીરો પોઝિટિવ મળ્યા છે. જેથી કહી શકાય કે અમદાવાદમાં રહેતા 82 ટકા લોકોમાં એન્ટીબોડી ડેવલોપ થઈ ચૂકી છે.

અત્યાર સુધીમાં 5 સીરો સર્વે કર્યા
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોરોના બાદ એન્ટીબોડી ડેવલોપ થઈ છે કે કેમ તે જાણવા માટે સીરો સર્વે પદ્ધતિ શરૂ કરી હતી. જેમાં અમદાવાદમાં રહેતા અલગ અલગ લોકોના સેમ્પલ લઈ અને તેના પર રિસર્ચ કર્યું હતું. કોર્પોરેશનમાં અત્યાર સુધીમાં પાંચ સીરો સર્વે થઈ ચૂક્યા છે. મેના અંતથી જૂનના પહેલા અઠવાડિયામાં કરવામાં આવેલા સીરો સર્વે પ્રમાણે મહિલાઓની સરખામણીએ પુરુષોમાં સીરો પોઝિટિવિટી વધુ છે. 1900 પુરુષોના સેમ્પલ લેવાયા હતા. જેમાંથી 82%માં એન્ટીબોડી મળી આવ્યા છે, જ્યારે 2100 મહિલાઓના સેમ્પલમાંથી 81%માં એન્ટીબોડી મળ્યા છે. જે લોકોને ક્યારેય કોરોના થયો નથી અથવા રસી લીધી નથી, તેમની સીરોપોઝિટિવિટી 76.7 ટકા હોવાનો રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે.

દક્ષિણ-પશ્ચિમ ઝોનના લોકોમાં સૌથી વધુ એન્ટિબોડી
રિપોર્ટ મુજબ અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં રહેતા લોકોમાં વધુ એન્ટીબોડી ડેવલોપ થઈ છે. સૌથી વધુ દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રહેતા એટલે કે જોધપુર, સેટેલાઇટ, વેજલપુર, સરખેજ, આનંદનગર અને મક્તમપુરા જેવા વિસ્તારો કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી વધારે જોવા મળ્યું છે. આ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલમાંથી 87 ટકા વસ્તીમાં એન્ટીબોડી મળી આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનની સાથે દક્ષિણ ઝોન એટલે કે પૂર્વ વિસ્તારમાં આવતા મણિનગર, ઘોડાસર, ઈન્દ્રપુરી, કાંકરિયા, વટવા, લાંભા અને બહેરામપુરા વિસ્તારમાં પણ 87 ટકા વસ્તીમાં એન્ટીબોડી છે.
ક્યા ઝોનમાં કેટલા ટકા એન્ટિબોડી મળ્યાં?
પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારના બંને ઝોનમાં હાઈ સીરોપોઝિટિવિટી ડેલ્ટા વેરિએન્ટ ઈન્ફેક્શન અને વેક્સિનેશનના પરિબળોને કારણે જોવા મળ્યા હોવાનું રિપોર્ટમાં બહાર આવ્યું છે. મે મહિનાના અંત સુધીમાં ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત થયેલી વસ્તીની સંખ્યા ખૂબ જ વધુ જોવા મળી હતી. અગાઉના વેરિએન્ટ ડેલ્ટા વેરિએન્ટ જેટલા ચેપી નહોતા. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેબ્રુઆરી મહિનામાં ચોથો સીરો સર્વે કરવામા આવ્યો હતો. જેમાં લેવાયેલા સેમ્પલમાંથી 27.92 ટકા લોકોમાં એન્ટીબોડી હતા. પાંચમા સીરો સર્વેમાં દક્ષિણ ઝોનમાં 87.7%, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં 87.2%, ઉત્તર ઝોનમાં 83.8%, મધ્ય ઝોનમાં 81.2%, પશ્ચિમ ઝોનમાં 79.3%, ઉત્તર-પશ્ચિમમાં 78.8% અને પૂર્વ ઝોનમાં 74.2% સીરો પોઝિટિવિટી હોવાનું બહાર આવ્યું છે.
પોલિયો બૂથ પરથી સેમ્પલ લેવાયાં
સરવેમાં શહેરમાં 81 ટકામાં સીરો પોઝિટિવિટી જોવા મળી છે. શહેરના તમામ પોલિયો બુથ પરથી નાગરિકોનો તેને આધારે સરવે કરવામાં આવ્યો હતો. 5000 જેટલા નાગરિકોનો સરવે વે કરવામાં આવ્યો હતો જેમાં આ તારણ આવ્યું હતું. – ભાવિન સોલંકી, મેડિકલ ઓફિસર, અમદાવાદ
કોરોનાના માત્ર 5 કેસ, કોઈ મોત નહીં
શહેરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 5 કેસ નોંધાયા છે. જ્યારે એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. 26 દર્દી સાજા થતાં તેમને વિવિધ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. રવિવારે શહેરમાં સૌથી ઓછા 4 કેસ સામે આવ્યા હતા. જોકે તેની સામે સોમવારે એક કેસ વધુ આવ્યો છે. 9 દિવસથી કોરોનાના કેસ સિંગલ ડિજિટમાં આવી રહ્યા છે. બીજી બાજુ અમદાવાદ જિલ્લામાં એક મહિના કરતાં વધુ સમયથી કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી.
વધુ 39 હજાર લોકોને રસી અપાઈ
શહેરમાં વધુ 38,880 લોકોને સોમવારે રસી મૂકાઈ હતી જેમાં 21,024 પુરૂષ અને 17,856 મહિલાઓનો સમાવેશ થયો હતો. 18થી 44 વયજૂથના 20,271 જ્યારે 45 વર્ષથી મોટી ઉંમરના 16,796 લોકોને રસી મૂકાઈ હતી. સોમવારે પ્રાઈવેટ રસીકરણ કેન્દ્રો ઉપર 1,471 લોકોને રસી મૂકાઈ હતી. 125થી વધુ રસી કેન્દ્રો ઉપર આટલી મોટી સંખ્યામાં લોકોને રસી મૂકવામાં આવે છે તેમ છતાં લાઈનો ઓછી થતી નથી.

