
- આર્થિક સંકડામણને કારણે પરિવારેના 6 સભ્યોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં 3 સભ્યનાં મોત થયાં હતાં
- ભાવિન સોનીએ 2 કલાક સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ તરફડિયાં મારતાં મારતાં પોલીસને ફોન કર્યો હતો
- પરિવારના ત્રણ સભ્યને મોડી રાત્રે ખાનગી હોસ્પિટલમાંથી સયાજી હોસ્પિટલમાં રિફર કરાયા
વડોદરાના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીમાં પરિવારના સામૂહિક આપઘાત કેસમાં 3 સભ્યનાં મોત થયાં હતાં, જ્યારે 3 સભ્યો હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. ભાવિન સોની જ અનેક લોકો પાસેથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે વ્યાજે અને ઉછીનાં નાણાં લીધાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે, જેને કારણે પરિવારના 3 સભ્યનાં મોત થયાં છે અને પરિવારનો માળા પીંખાઈ ગયો છે. ભાવિન સોની, તેમનાં મમ્મી દીપ્તિબેન અને પત્ની ઉર્વશીને મોડી રાત્રે સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયાં છે. આમાં દીપ્તિબેન, ઉર્વશીને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યાં છે. બીજી તરફ 3 મૃતદેહોના આજે સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરવામાં આવશે. ત્યાર બાદ પિતા અને પુત્રીના ખાસવાડી સ્મશાન ખાતે અગ્નિસંસ્કાર કરાશે અને 4 વર્ષના પૌત્રની દફનવિધિ કરવામાં આવશે.
3 પરિવારજન હાલ સારવાર હેઠળ
વડોદરામાં શહેરના સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના શિવશક્તિ બંગલોમાં બુધવારે એક સોની પરિવારે ઝેરી દવા ગટગટાવીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો, જેમાં પરિવારના 3 સભ્યોના ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 3ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં થમ્સ અપમાં ઝેર મેળવીને પીધા બાદ ભાવિન સોનીએ પોલીસ કંટ્રોલમાં ફોન કરીને કહ્યું હતું કે આખા પરિવારે ઝેર પી લીધું છે. ઘરને તાળું માર્યું છે અને ચાવી બહાર નાખી છે તો એનાથી ઘર ખોલીને આવજો. આપઘાત કરવા પાછળ આર્થિક સ્થિતિ કારણભૂત છે. પરિવારનો ધંધો બંધ થઈ જતાં અને બીજો ધંધો બરાબર ન ચાલતાં બાળકો સાથે 6 સભ્યોના પરિવારે ઝેરી દવા પીવાની નોબત આવી હતી. આમાં ઘરના મોભી, પૌત્ર, અને તેમની ધોરણ 12માં અભ્યાસ કરતી દીકરીનાં કરુણ મોત થયાં છે, જ્યારે મોટો દીકરો અને તેની પત્ની અને માતા સહિતનાં 3 પરિવારજનો હાલ સારવાર હેઠળ છે.

ભાવિને 2 કલાક સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ તરફડિયાં મારતાં મારતાં પોલીસને ફોન કર્યો
પરિવારના 3 સભ્યોનાં મોત થયાં હતાં, જયારે બચી ગયેલા ત્રણ સભ્યો પૈકી પુત્ર ભાવિને 2 કલાક સુધી મોત સામે ઝઝૂમ્યા બાદ આખરે તરફડિયાં મારતાં મારતાં પોલીસને ફોન કર્યો હતો. અમે ઝેરી દવા પી લીધી છે એવી જાણ કરતાં શહેર પોલીસ કન્ટ્રોલ રૂમના હાજર કર્મચારીઓ પણ ચોંકી ઊઠ્યા હતા અને સમા પોલીસને જાણ કરાતાં પહોંચી હતી. પોલીસ પહોંચી ત્યારે ઘરની જાળીમાંથી ઘરના સભ્યો ઘરની ફર્શ ઉપર પડેલા જોયા હતા, જેથી પોલીસે બૂમ પાડતાં પુત્ર ભાવિને પોલીસ સામે જોઇ જાળીને તાળું માર્યું છે અને ચાવી બહાર ફેંકી છે એમ જણાવ્યું હતું, જેથી પોલીસે ચાવી શોધીને તાળું ખોલી ઘરમાં પ્રવેશ કર્યો હતો. રૂમમાં ત્રણ સભ્યો મૃત્યુ પામેલા જોવા મળ્યા હતા, જયારે ત્રણ સભ્યો બચેલા જોવા મળતાં પોલીસે તાબડતોબ ટેમ્પામાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા.

કોલ્ડડ્રિંક્સમાં ડ્રોપર વડે ઝેર નાખી 4 વર્ષના બાળકને પણ પીવડાવ્યું
આત્મહત્યાનો નિર્ણય કર્યા બાદ પરિવારે કોલ્ડડ્રિંક્સમાં પેસ્ટિસાઇડ મિશ્રિત કરીને પીધું હતું. પહેલી રૂમમાં ઊલટીઓ જોવા મળી હતી અને પેસ્ટિસાઇડ પણ ઢોળાયેલું હતું, સ્થળ પરથી ડ્રોપર મળ્યું હતું જેથી પોલીસે અનુમાન લગાવ્યું હતું કે ડ્રોપર વડે 4 વર્ષના બાળકને આ ઝેરી પીણું પીવડાવ્યું હશે. પોલીસ ઘરમાં પ્રવેશી ત્યારે ઘરમાં દૃશ્ય જોતાં જ ચોંકી ગઈ હતી. ઘરમાં સાદું ફર્નિચર હતું અને તેમાં ફર્શ પર પરિવારના ચાર સભ્યો તરફડિયાં મારતા જોવા મળ્યા હતા, જ્યારે નાના પલંગ ઉપર દાદા અને પૌત્ર મૃત હાલતમાં જોવા મળ્યા હતા.

સંખેડાનો સોની પરિવાર સ્વાતિ સોસાયટીમાં રહેતો હતો
વડોદરાના સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સની સામે છોટાઉદેપુર જિલ્લાના સંખેડાના મૂળ વતની નરેન્દ્ર સોની વર્ષોથી સ્વાતિ સોસાયટીમાં સી-13 ભાડાના મકાનમાં રહેતા હતા. પરિવારમાં નરેન્દ્ર સોની તેમની પત્ની દીપ્તિબેન, પુત્ર ભાવિન, પુત્રવધૂ ઉર્વશી અને પૌત્ર પાર્થ (ઉં.વ.4) સાથે રહેતાં હતાં. પરિવાર સ્વાતિ સોસાયટીમાં જ 8 નંબરનું માલિકીનું વેચાણ વેચ્યા બાદ તેજ સોસાયટીમાં સી-13માં ભાડાના મકાનમાં રહેતો હતો. આજે ઢળતી બપોરે પરિવારે કોલ્ડડ્રિંક્સ થમ્સ અપમાં ઝેરી દવા પીને સામૂહિક આપઘાત કરી લેતાં હાહાકાર મચી ગયો હતો. આ ઘટનામાં પરિવારના મોભી નરેન્દ્ર સોની, તેમની દીકરી રિયા (ઉં.વ.16) અને પૌત્ર પાર્થ (ઉં.વ.4)નાં કરુણ મોત નીપજ્યાં છે, જ્યારે પુત્ર ભાવિન સોની, તેની પત્ની ઉર્વશીબહેન સોની અને માતા દીપ્તિબેનને ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

ઈમિટેશન જ્વેલરીનો ધંધો ન ચાલતાં પ્લાસ્ટિક ચીજવસ્તુઓ વેચતા હતા
નરેન્દ્ર સોનીનો મૂળ વ્યવસાય ઇમિટેશન જ્વેલરીનો હતો. તેમની મંગળબજારમાં માલિકીની દુકાન પણ હતી, પરંતુ વ્યવસાય સારો ચાલતો ન હોવાથી તેમણે પોતાની જ દુકાનમાં પ્લાસ્ટિકની ચીજવસ્તુઓનો વ્યવસાય શરૂ કર્યો હતો. એ ધંધો પણ ન ચાલતાં મંગળબજારની દુકાન વેચીને સમા અભિલાષા ચાર રસ્તા પર પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ વેચવાનો વ્યવસાય શરૂ કર્યો હતો, પરંતુ એ ધંધો પણ ન ચાલતાં આખરે એને પણ બંધ કરી દીધો હતો. ધંધામાં તમામ મૂડી અને બચત વેડફાઇ ગઇ હતી. નરેન્દ્ર સોનીની આર્થિક સ્થિતિ દિવસે ને દિવસે ખરાબ થતી ગઇ હતી. પુત્ર ભાવિન સોની કમ્પ્યુટર રિપેરિંગનું કામ કરીને પરિવારને મદદરૂપ થવાનો પ્રયાસ કરતો હતો, પરંતુ ઘરનું ગુજરાન ચલાવી શકે એવો ધંધો ચાલતો ન હતો. પરિવાર માટે દિવસો પસાર કરવા મુશ્કેલ થઇ ગયા હતા.

કમ્પ્યુટર રિપેરિંગ કરી મદદરૂપ થતો ભાવિન પણ બેકાર થયો
દરમિયાન કોરોનાની મહામારી શરૂ થતાં કોરોનાને કાબૂમાં લેવા માટે લોકડાઉન થતાં પરિવાર પર આભ ફાટ્યું હતું. પરિવારે સોસાયટીમાં આવેલું માલિકીનું મકાન પણ વેચી દીધું હતું. વેચેલા મકાનનાં નાણાં વાઘોડિયા ખાતે એક સ્કીમમાં મકાન લેવા માટે રોક્યા હતા. ત્યાં પણ તેમનાં નાણાં ફસાઇ જતાં પરિવારની સ્થિતિ વધુ ખરાબ થઇ ગઇ હતી. મૂડી અને બચત તમામ કોરોનાના લોકડાઉન દરમિયાન પૂરી થઇ ગઇ હતી. કમ્પ્યુટર રિપેરિંગનું કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતા ભાવિનનો ધંધો પણ ઠપ થઇ ગયો હતો. આવકનું કોઇ સાધન રહ્યું ન હતું. બે ટંક પેટનો ખાડો પૂરવો પણ મુશ્કેલ થઇ ગયો હતો. પરિવાર મકાનનું ભાડું પણ ચૂકવી શકતો ન હતો. ભાવિન સોનીએ અનેક લોકો પાસેથી પરિવારનું ગુજરાન ચલાવવા માટે વ્યાજે અને ઉછીનાં નાણાં લીધા હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

આર્થિક બેહાલ પરિવારે મોતને રસ્તો પસંદ કર્યો
સોસાયટીમાંથી મળેલી માહિતી પ્રમાણે, પરિવારને ઘરનું ગુજરાન ચલાવવા માટે જ્યુપિટર મોપેડ પણ વેચી દીધું હતું. જ્યુપિટર વેચાણના આવેલાં નાણાંમાંથી થોડા દિવસો પસાર થયા હતા. એ બાદ ધોરણ 12માં ભણતી રિયાની સાઇકલ પણ રૂપિયા 500માં વેચી દીધી હતી. ચારેકોરથી આર્થિક ભીંસમાં આવી ગયેલા સોની પરિવાર માટે સામૂહિક આપઘાત કરવા સિવાય બીજો કોઇ વિકલ્પ રહ્યો ન હતો અને આજે ઢળતી બપોરે સોની પરિવારે થમ્સ અપમાં ઝેરી દવા ભેળવીને સામૂહિક ગટગટાવી લીધી હતી.

ઘર વેચાતું લેનાર યુવકને એક લાખ પાછા આપવાનો વાયદો હતો
પરિવારે ઝેર પી લેવા અંગે ડીસીપી લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તપાસમાં આર્થિક સંકડામણ હોવાનું જણાયું છે છતાં વ્યાજ વટાવ, પરિવાર પર કોઇનું દબાણ હતું કે કેમ એની તપાસ થશે. સોની પરિવારનું મકાન વેચાતું રાખનાર ભરત વાઘેલાએ જણાવ્યું હતું કે આઠ મહિના પહેલાં નરેન્દ્ર સોનીના બે માળના મકાનનો મારી સાથે 27 લાખમાં સોદો થયો હતો અને બાના પેટે 2 લાખ મેં આપ્યા હતા. 6 મહિના પહેલાં તેમને વાઘોડિયામાં મકાન લેવાનો સોદો થયો હતો, તેમણે મને ફોન કરી સોદો કેન્સલ થયો હોવાનું જણાવી 2 લાખમાંથી 1 લાખ આપ્યા હતા, જ્યારે 1 લાખનો આપેલો ચેક રિટર્ન થતાં મને આજે પૈસા લેવા બોલાવ્યો હતો.

ભાડાના ઘરમાં રહેતા હતા
નરેન્દ્ર સોની સાત-આઠ મહિનાથી તેમના મકાનની સામેના ભરત ગઢવીના મકાનમાં ભાડેથી રહેવા ગયા હતા અને તેઓ દર મહિને 8 હજાર નિયમિતપણે ભાડું ચૂકવતા હતા.

