
- તાલાલામાં મોડી રાત્રે 1 અને વહેલી સવારે 1 આંચકો અનુભવાયો હતો
સૌરાષ્ટ્રમાં આજે ભૂકંપના 3 આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. તાલાલામાં મોડી રાત્રે 1 અને વહેલી સવારે 1 આંચકો અનુભવાયો હતો. જ્યારે મોરબીમાં વહેલી સવારે ભૂકંપનો એક આંચકો અનુભવાયો હતો. જેથી કેટલાક લોકો ઘરની બહાર દોડી આવ્યાં હતાં. તાલાલાથી 24 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું. જ્યારે મોરબી જિલ્લામાં મોરબીથી 12 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું હતું.
સૌરાષ્ટ્રમાં ભૂકંપના ત્રણ આંચકા
- તાલાલામાં રાત્રે 1 વાગ્યાને 12 મિનિટે 3.2ની તીવ્રતાનો અને વહેલી સવારે 2.0ની તીવ્રતાનો આંચકો અનુભવાયો
- મોરબીમાં વહેલી સવારે 6 વાગ્યાને 57 મિનિટે 1.9ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો
4 દિવસ પહેલા ભાવનગર નજીક સમુદ્રમાં 2 રિક્ટર સ્કેલની તીવ્રતાના 2 ભૂકંપ નોંધાયા હતા
શહેરથી 44 કિલોમીટર દુર સમુદ્રમાં 4 દિવસ પહેલા વહેલી સવારે 4 કલાકે ધરતીકંપના હળવા બે આંચકા નોંધાયા હતા. જો કે રિકટર સ્કેલ પર 2ની તીવ્રતાવાળા આ આંચકાની અસર ભાવેણાવાસીઓને અનુભવાઇ ન હતી. સવારે 4 કલાકે અને બાદમાં 2 મિનિટ બાદ 4.02 કલાકે ભાવનગરથી દક્ષિણ-દક્ષિણ-પૂર્વ દિશામાં પ્રથમ આંચકો 44 કિલોમીટર દૂર અને બીજો આંચકો 46 કિલોમીટર દૂર ભાવનગર અને સુરત વચ્ચે દરિયામાં 29.4 કિલોમીટરની ઉંડાઇ ધરાવતા એપીસેન્ટરમાં રિકટર સ્કેલ પર 2ની તીવ્રતાવાળા ભૂકંપના બે આંચકા બે મિનિટના સમયગાળામાં નોંધાયા હતા.
એક મહિના પહેલા રાજકોટમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો
રાજકોટમાં એક મહિના પહેલા બપોરે 1.25 વાગે ભૂકંપનો આચંકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. જો કે ભૂકંપના આંચકાથી શહેરમાં કોઈ નુકસાન પહોંચ્યું ન હતું. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાજકોટથી 27 કિલોમીટર દૂર નોંધાયું હતું.
16 જુલાઈએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો
16 જુલાઈએ રાજકોટમાં 4.8ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરોની બહાર દોડી આવ્યા હતા. રાજકોટથી અંદાજે 22 કિલોમીટર દૂર ભૂકંપનું કેન્દ્ર હોવાનું જાણવા મળ્યું હતુંય રાજકોટના કોટડાસાંગાણી તાલુકામાં ભુકંપનો આંચકો અનુભવાયો હતો. વહેલી સવારે આવેલા ભૂંકપનાં કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકો ઘરની બહાર દોડી આવ્યા હતા. અંદાજીત 4 સેકન્ડ સુધી ભૂંકપના તીવ્ર આંચકા અનુભવાયા હતા.
10 ફેબ્રુઆરીએ 2.4નો આંચકો અનુભવાયો હતો
રાજકોટમાં 10 ફેબ્રુઆરીએ 2.4 રિક્ટર સ્કેલનો ભૂકંપ નોંધાયો હતો. રાજકોટમાં આ ઘણા સમય પછીનો ધરતીકંપ હતો પણ તેના 21મા દિવસે ફરી એક હળવો આંચકો અનુભવાયો હતો. બંનેમાં સામ્યતા એ હતી કે તે એક જ એપી સેન્ટર પરથી ઉદભવ્યા હતા. આ એપી સેન્ટરની તપાસ કરાતા 10મીએ આવેલા ભૂકંપના એપીસેન્ટરથી માત્ર 3 જ કિ.મી. દૂર હોવાનું જાણવા મળ્યું હતું. સૌરાષ્ટ્રમાં છેલ્લા ત્રણેક મહિનાથી ભૂકંપના આંચકા અવાર-નવાર અનુભવાય રહ્યાં છે.

