
- પરિવાર વાલી મંડળનો સંપર્ક કરે તે અગાઉ જ એડમિશન શાળા દ્વારા અપાયું
ન્યૂ સિટી લાઈટ વિસ્તારમાં આવેલી ઈન્ટરનેશનલ શાળા દ્વારા RTEમાં એડમિશન આપવા બદલ વાલી પાસે 1.5 લાખ રૂપિયા માંગવામાં આવ્યાં હતાં. સામાન્ય પરિવારના જોડિયા બાળકોને એડમિશન માટે વાલી પાસે રૂપિયા મંગાતા તેઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. શાળા દ્વારા વાલીને મુલાકાત માટે બોલાવીને રૂપિયા મંગાયા હતાં. જેથી પરિવાર વાલી મંડળનો સંપર્ક કરશે તેવું માનીને શાળાના સંચાલકોએ તાત્કાલિક ફોન કરીને વાલીને અન્ય કોઈ પણ ફી વગર પ્રવેશ આપવાની વાત કરી માફી માંગી હોવાનું વાલીએ જણાવ્યું હતું.
સારી શાળામાં એડમિશન મળ્યાની જાણ થતાં ખુશ હતા
વાલીએ કહ્યું હતું કે, મારી પત્નીને પ્રથમ પ્રસૂતિમાં જ જોડિયા બાળકો જન્મ્યા હતાં. હું મારવાડી સમાજનો છું અને મિનિરલ વોટરની નાની ફેકટરી નાખી પરિવારનું ગુજરાન ચલાવી રહ્યો છું. મારા બન્ને બાળકોના પ્રવેશ મુદ્દે ઘણા સંઘર્ષ બાદ RTE હેઠળ ધોરણ-1 માં સુરતની ખ્યાતનામ ઈન્ટનેશનલ શાળામાં પ્રવેશ મળ્યો હતો. આ શાળામાં પ્રવેશ મળ્યાના સમાચાર બાદ અમારા બન્ને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનશે તેવા સ્વપ્ન પણ જોઈ લીધા હતાં.
દોઢ લાખની વાત કરતાં શાળા બહાર નીકળી ગયા
વાલીએ વધુમાં જણાવ્યું હતું કે, આ શાળામાં અભ્યાસ બાદ અમારા બાળકોનું સારૂં ઘડતર થશે તેવું વિચારી રહ્યાં હતાં. પણ શાળા સંચાલકો સાથે થયેલી મિટીંગ બાદ અન્ય ફી પેટે 1.5 લાખની વાત કરતા અમારા હોશ ઉડી ગયા હતા.મારી વાર્ષિક આવક પણ આટલી નથી એમ કહીને શાળામાંથી બહાર નીકળી ગયો હતો. જોકે, હું વાલી મંડળની મદદ માગું એ પહેલાં જ 24 કલાકમાં સંચાલકોએ ફોન કરી મારા બન્ને બાળકો પાસે કોઈ અન્ય ફી નહી લેવાઈ, તમારા બન્ને બાળકોનું પ્રવેશ ફી ભરી જાવ એમ કહેવાતા હું આજે ખૂબ ખુશ છું કે મારા બન્ને બાળકો આટલી મોટી સ્કૂલમાં અભ્યાસ કરશે.
