વિધાનસભા સત્રના પહેલા દિવસે વિવાદ:રાષ્ટ્રપતિએ ઇ-વિધાનસભા લોન્ચ કરી, કોંગ્રેસે ‘લોકશાહીની હત્યા બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા, અમિત ચાવડાએ CMનું સન્માન કરવાની ના પાડી દીધી!

By Abhishek Raghuvanshi
4 Min Read

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્રનો આજથી પ્રારંભ થયો છે. પહેલા દિવસે દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હાજર રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાડી ભેટ કરી રાષ્ટ્રપતિનું સન્માન કર્યું હતું. તેમજ દ્રૌપદી મુર્મુના હસ્તે ઈ-વિધાનસભા એલ લોન્ચ કરવામાં આવી હતી. ગુજરાતમાં આવવું મારું સૌભાગ્ય છે, આજે ભૂપેન્દ્ર પટેલની સરકારને બે વર્ષ પૂર્ણ થયા છે એટલે તેમને શુભેચ્છા પાઠવું છું. ગુજરાતે ભારતના ભવિષ્યને જોયું છે. મોરારી દેસાઈએ દેશના વડાપ્રધાન તરીકે ભૂમિકા ભજવી છે. આપણો દેશ કુશળ નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. જોકે વિધાનસભા સત્રના પહેલા દિવસે જ વિવાદ થયો હતો અને અમિત ચાવડા, ચૈતર વસાવા, શૈલેષ પરમારે મુખ્યમંત્રી અને મંત્રીઓના સન્માન કરવાની ના પાડી દીધી હતી. તેમજ કોંગ્રેસના ધારાસભ્યો અને નેતાઓએ પોસ્ટર સાથે ‘બંધ કરો ભાઈ બંધ કરો, લોકશાહીની હત્યા બંધ કરો’ના સુત્રોચ્ચાર કર્યા હતા.

​​​​વિધાનસભા ગૃહમાં જ્યારે હાજર મહાનુભાવોનું સન્માન ચાલી રહ્યું હતું એ સમયે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાને મુખ્યમંત્રીનું સન્માન કરવા, કોંગ્રેસના શૈલેષ પરમારને સંસદીય મંત્રી રૂષિકેષ પટેલના સન્માન માટે તથા વિધાનસભા ઉપાધ્યક્ષનું સન્માન કરવા માટે આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને આમંત્રિત કરવામાં આવ્યા હતા. જોકે, અમિત ચાવડા અને ચૈતર વસાવાએ સન્માન કરવાની ના કહી દીધી હતી.

મુખ્યમંત્રીએ રાષ્ટ્રપતિને સાડી ભેટ આપી સન્માન કર્યું.

ગુજરાતમાં મહિલાઓને યોગ્ય સ્થાન મળે
દ્રૌપદી મૂર્મુએ પોતાના પ્રવચન દરમિયાન આજે દેશમાં મહિલાઓને ખૂબ જ પ્રાધાન્ય અપાતું હોવાની વાત કહી અને ગુજરાતમાં પણ મહિલાઓને યોગ્ય સ્થાન મળે તેમ જણાવ્યું હતું. ત્યારે ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકારના મંત્રી મંડળમાં એક જ મહિલાને મંત્રી તરીકે સ્થાન આપવામાં આવ્યું છે.

- Advertisement -

રાષ્ટ્રપતિએ ઉમાશંકર જોષીને યાદ કર્યા
રાષ્ટ્રપતિ મૂર્મુએ વિધાનસભા ગૃહના તમામ સભ્યોને 13 મિનિટ સુધી સંબોધિત કર્યા હતા. આ સંબોધનની શરૂઆતમાં જ તેમણે ગુજરાતના પ્રસિદ્ધ કવિ ઉમાશંકર જોષી રચિત પંક્તિ વાગોળી હતી. બીજી તરફ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે આજે જ્યારે બે વર્ષ પૂરા કર્યા છે ત્યારે રાષ્ટ્રપતિએ મુખ્યમંત્રીને અભિનંદન પણ પાઠવ્યા હતા.

રાષ્ટ્રપતિ પહેલીવાર ગુજરાત વિધાનસભા આવ્યા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીએ પેપરલેસ ગર્વમેન્ટને પ્રોત્સાહન આપ્યું છે. જેનાથી આજે ગુજરાત વિધાનસભા પેપરલેસ થવા જઈ રહી છે. વિકાસના પ્રણેતા નરેન્દ્ર મોદી આ ધરાના જ પુત્ર છે. રાષ્ટ્રપતિ પહેલીવાર ગુજરાત વિધાનસભામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભામાં નેશનલ ઇ-વિધાનસભા સુવિધા શરૂ થઈ છે.

યુપી બાદ ગુજરાત વિધાનસભા ડિજીટલાઈઝ થઈ
ભારતમાં યુપી બાદ હવે ગુજરાત વિધાનસભા પણ ડિજીટલાઈઝ થઈ છે, ત્યારે ગુજરાત ઈ-વિધાનસભાનો આરંભ કરાવવા રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુને ખાસ આમંત્રણ આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ મુર્મુએ ગુજરાત વિધાનસભામાં હાજર રહી અને ઈ-વિધાનસભાની શરૂઆત કરાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી તેમજ સંસદીય મંત્રી રૂષિકેષ પટેલ વિધાનસભા ડેસ્ક પર હાજર રહ્યા હતા. ગુજરાત વિધાનસભા ગૃહ જ્યારે ડિજીટલ બન્યું છે ત્યારે વિધાનસભામાં થતા 25 ટન પેપરની બચત થશે. આ પ્રસંગે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ ગૃહમાં હાજર રહ્યા હતા.

પ્રથમ વખત ગુજરાતની ઈ-વિધાનસભા મળી
ગુજરાત વિધાનસભાનું સત્ર હવે પરંપરાગત કાગળની કાર્યવાહીમાંથી બહાર નીકળી ગયું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘વન નેશન વન એપ્લિકેશન’ના સ્વપનાને સાકાર કરનારું ગુજરાત સૌપ્રથમ રાજ્ય બનશે. આજથી પ્રથમ વખત ગુજરાતની ઈ-વિધાનસભા મળી છે. વિપક્ષ રાજ્યના પ્રજાના મહત્વના પ્રશ્નોને વિધાનસભામાં રજૂ કરશે. જેમાં ખેતી માટે અપાતી વીજળી, પાક વીમો, ટેટ-ટાટ પાસ ઉમેદવારોની કાયમી રોજગાર માટેની માગ, ફિક્સ પગારના કર્મચારીઓના પેન્શનનો મુદ્દો, રાજ્યમાં વધી રહેલી ડ્રગ્સની બદી સહિતના મુદ્દાઓ ઉઠાવશે.

અનેક મહત્વના બિલ રજૂ થશે
ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રમાં અનેક મહત્વના બિલ રજૂ થશે. જેમાં GST સુધારા વિધેયક, ચિલ્ડ્રન યુનિવર્સિટી સુધારા વિધેયક, પ્રાઈવેટ યુનિવર્સિટી સુધારા વિધેયક રજૂ થશે. આ ઉપરાંત ઓર્ગેનિક યુનિવર્સિટી સુધારા વિધેયક, ગુજરાત પબ્લિક યુનિવર્સિટી એક્ટ, ચાંપાનેર પાવાગઢ આર્કિયોલોજી પાર્ક વિધેયક, ગુડ્સ એન્ડ સર્વિસ સુધારા વિધેયક રજૂ થશે. તો ગુજરાત ખેત ઉત્પાદન સુધારા વિધેયક અને OBC અનામત સંબંધિત સુધારા વિધેયક પણ રજૂ થવાના છે.

Exit mobile version