ઠપકો સહન ન થતાં બે બહેનોએ ઘર છોડ્યું:વડોદરામાં પિતાએ મોડી ઉઠતી હોવાથી ઠપકો આપતા દીકરીઓએ ઘર છોડી દીધું, એસ.ટી. ડેપોમાં દિવસ પસાર કર્યો

By Abhishek Raghuvanshi
3 Min Read

ઉનાળું વેકેશન મન મૂકીને માણી રહેલી બે બહેનોની રહેણીકરણીથી નાખુશ પિતાએ ઠપકો આપ્યો હતો. રોજ મોડી ઉઠતી બંને બહેનોને ગુરુવારે કડક ભાષામાં ઠપકો આપતા તેઓ પિતાથી નારાજ થઇ ગઇ હતી અને ઘરમાં કોઈને કહ્યા વગર વડોદરા આવી પહોંચી હતી. વડોદરા સેન્ટ્રલ એસટી ડેપો ઉપર એક ખૂણામાં કલાકો સુધી બેસી રહેલી બહેનો પર સિક્યોરિટીને શંકા જતા અભયમ ટીમના હવાલે કરી હતી. જો કે, અભયમે બંને બહેનોને સમજાવી તેઓના પરિવારને પરત સોંપી હતી.

બન્ને દીકરીઓ મોડી રાત સુધી જાગતી
આ અંગેની મળતી માહિતી પ્રમાણે નડિયાદમાં રહેતી 19 વર્ષીય પારૂલ (નામ બદલ્યું છે) અને 21 વર્ષીય પલક (નામ બદલ્યું છે) અભ્યાસ કરે છે. ઉનાળું વેકેશન ચાલતુ હોવાથી બંને બહેનો વેકેશનનો આનંદ માણી રહી હતી. મનફાવે ત્યારે ઘરની બહાર જતી હતી અને મનફાવે ત્યારે ઘરે આવતી હતી. ઘરમાં પણ તેઓ ધમાલ-મસ્તી કરતી હતી અને ઘરનું કામકાજ પણ કરતી ન હતી. મોડી રાત સુધી જાગતી રહેતી હતી અને સવારે મોડી ઉઠતી હતી.

યુવાન દીકરીઓની વર્તણૂકથી પિતા સતત ચિંતામાં રહેતા
યુવાનીના ઉંબરે આવીને ઉભેલી બંને બહેનોને ભવિષ્યમાં પારકા ઘરમાં જવાનું હોય છે. ઘરમાં કોઈ કામ શીખે તેવા આશય સાથે ઋઢીચુસ્ત પિતા મહેશભાઇ (નામ બદલ્યું છે) દીકરીઓને અવાર-નવાર સમજાવતા હતા, પરંતુ દીકરીઓ પારૂલ અને પલક પોતાની મસ્તીમાં રહેતી હતી. પિતાની શીખામણ ધ્યાનમાં લેતી ન હતી અને પોતાનું ધાર્યું કરતી હતી. યુવાન દીકરીઓની વર્તણૂકથી પિતા સતત ચિંતામાં રહેતા હતા. તેઓનાથી દીકરીઓની વર્તણૂક સહન ન થાય ત્યારે તેઓને ઠપકો આપતા હતા.

દીકરીઓ વડોદરા આવી પહોંચી
ગુરૂવારે પારૂલ અને પલક મોડી ઉઠી હતી. આથી પિતા મહેશભાઈને બંને દીકરીઓ ઉપર ગુસ્સો આવ્યો હતો અને બંને દીકરીને ઠપકો આપ્યો હતો. ગુરૂવારે આપેલા ઠપકમાં પિતાનો ભારે રોષ હતો. દીકરીઓથી પિતાનો ઠપકો સહન ન થતાં તેઓ ઘરમાં કોઈને જાણ કર્યા વગર નડીયાદ એસ.ટી. ડેપોમાં પહોંચી ગઈ હતી અને વડોદરા તરફ આવતી બસમાં બેસી ગઈ હતી.

- Advertisement -

અભિયમની ટીમે કાઉન્સિલિંગ કર્યું
વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં એક ખૂણામાં બેસી રહેલી સ્વરૂપવાન પારૂલ અને પલક ઉપર ડેપોના સિક્યોરિટી જવાનને શંકા ગઈ હતી. આથી તેઓએ બંને બહેનોને પૂછપરછ કરી મદદ કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ પારૂલ અને પલકે કોઈ જવાબ આપ્યો ન હતો. આથી સિક્યોરિટી જવાને અભયમ ટીમને જાણ કરી હતી. તુરંત જ અભયમની ટીમ ડેપો ઉપર આવી પહોંચી હતી અને બંને બહેનોનું કાઉન્સિલિંગ કરી વિગતો મેળવી હતી.

દીકરી અને પિતાને સમજાવ્યા
દરમિયાન અભયમ ટીમે પારૂલ અને પલકના નડિયાદ ખાતે રહેતા પિતા મહેશભાઇને ફોન કરી વડોદરા બોલાવ્યા હતા અને પારૂલ અને પલકને સોંપી હતી. સાથે અભયમ ટીમે પારુલ અને પલક તથા પિતા મહેશભાઈને સમજ આપી હતી. તેઓએ બંને બહેનોને જણાવ્યું હતું કે, પિતા કંઈ પણ કહેતા હોય તે સારા માટે કહેતા હોય છે. પિતાને જણાવ્યું કે, દીકરીઓ સાથે પ્રેમથી વર્તન કરવું જોઇએ.

Exit mobile version