- આખરે રાજ્ય સરકારની સૈધ્ધાંતિક મંજૂરી મળી, પાલિકાની તળિયા ઝાટક તિજોરીને મહદઅંશે રાહત મળશે
- સુડાને 10 તળાવ વિકસાવવા માટે 37 કરોડ રૂપિયા ફાળવાશે
પાલિકા-સુડાના વિકાસ કામો માટે મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ મારફત રજૂ કરેલી 8 ફલાય ઓવર નિર્માણની રૂપિયા 390 કરોડની રિવાઇઝ્ડ દરખાસ્તને મુખ્યમંત્રીએ સૈદ્ધાંતિક મંજૂરી આપી દીધી છે. સાથે સુડાને 10 તળાવ વિકાસવાવા 36.69 કરોડ ફાળવાશે. ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ વિકાસ કામોની પાલિકા અને સુડા સાથે ગાંધીનગરની દરખાસ્તને મંજૂરી આપી છે, જેથી પાલિકાના 8 નિર્માણાધિન બ્રિજો માટે રૂપિયા 390 કરોડની ગ્રાંટ પ્રાપ્ત થશે, જેથી હાલની કામગીરીને વેગ મળશે તથા પાલિકાની તળિયા ઝાટક તિજોરીને રાહત મળશે
આ 8 બ્રિજ માટે 390 કરોડ મંગાયા હતા
લીંબાયત-નવાગામ રેલવે અંડર પાસ 60
ડીંડોલી માન સરોવર રેલવે બ્રિજ 50
કોસાડ-ક્રીભકો લાઈન રેલવે બ્રિજ 50
ભાઠેના ફ્લાય ઓવર 40
નવીન ફ્લોરિન પાસે ફ્લાય ઓવર 40
ખરવાસા મીડલ રિંગરોડ સાઈ પોઈન્ટ પાસે ઓવર બ્રિજ 50
સચીન GIDC જંકશન પાસે બ્રિજ વાઈડનીંગ 40
ઉધના પત્રકાર કોલોની ઓવર બ્રિજ 60
(તમામ આંકડા કરોડ રૂપિયામાં)
કુલ 179 કરોડનો ખર્ચ કરાયો
રૂ. 179 કરોડના આ 6 લેન બ્રિજનું સુડાએ આયોજન કર્યું હતું. જે આખરે પાલિકા હસ્તકમાં પૂર્ણ થઈ ગયું છે.
119 બ્રિજના ‘હેલ્થ કાર્ડ’ માટે 4.34 કરોડ ખર્ચાશે
મોરબીના બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યભરના બ્રિજોની ચકાસણી કરવા ગાઇડલાઇન બની હતી. જેથી પાલિકાના તમામ 119 બિજના નિરીક્ષણ કરી હેલ્થકાર્ડ બનાવવા 3 એજન્સીને કામગીરી સોંપાઇ છે. 1 વર્ષમાં આ કાર્ડ બનાવવાનો રહેશે. આ કામગીરી પાછળ 4.34 કરોડનો ખર્ચ થશે. સ્થાયીની બેઠકમાં 3 એજન્સીને 1 વર્ષ માટે કામ સોંપવા મંજૂરી અપાઈ છે. પાલિકા દ્વારા વર્ષ 2000 પહેલાં નિર્માણ થયેલા 38 બ્રિજની ચકાસણી કરાઈ હતી. જે પૈકી 11 બ્રિજ રિપેર થયા હતા. જ્યારે 23નું રીપેરીંગ હાલ પ્રગતિ હેઠળ છે.
જોકે, મોરબી દુર્ઘટના બાદ હાઇકોર્ટના આદેશથી તમામ બ્રિજોની ચકાસણી કરી હેલ્થકાર્ડ બનાવી સમયાંતરે રિપેરીંગ કરવા ગાઇડલાઇન બનાવાઇ હતી. ખાડી બ્રિજ માટે ચોરસ મીટરે 22 રૂપિયા, તાપી બ્રિજ માટે 40 રૂપિયા અને ફલાય ઓવર બ્રિજ તેમજ રેલ્વે ફલાય ઓવર બ્રિજ માટે 35 રૂપિયાનો રેટ નકકી કરાયો છે. ડિફેકટ લાયાબિલિટી પિરીયડમાં બ્રિજો સિવાયની ચકાસણી કરાશે.
