- હજારો SIનું ભાવિ જોખમમાં છે ત્યારે ડૉ. આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. ભાવિન ત્રિવેદીએ મીડિયા અને તંત્રને પણ ગેરમાર્ગે દોર્યું
- સાચું કોણ? યુજીસીના નિયમ મુજબ આ પેરામેડિકલ કોર્સ જ કહી શકાય, પણ રજિસ્ટ્રાર કહે છે કે આમાં યુજીસીની મંજૂરી લેવાની થતી નથી
ડૉ.બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના કોર્સ ડિપ્લોમા ઇન હેલ્થ સેનિટરી ઇન્સ્પેક્ટર’ કોર્સ માન્ય નહીં હોવાના પંચાયત સેવા પસંદગી મંડળના પત્રને લઈને વિવાદ થયો છે. ત્યારે આ સમગ્ર મામલે વધુ એક બાબત સામે આવી છે. UGCના રેગ્યુલેશનમાં સ્પષ્ટ દર્શાવ્યું છે કે, યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવતા કોર્સ કોઈપણ ફ્રેન્ચાઇઝી કે આઉટસોર્સિંગ કરાર હેઠળ ચલાવી શકાશે નહીં.
ભાજપના આગેવાનની કંપની KMROને આ કોર્સ ચલાવવા આપી દીધો
છતાં ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિ. દ્વારા ભાજપના આગેવાનની કંપની KMROને આ કોર્સ ચલાવવા આપી દીધો. એકબાજુ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં છે ત્યારે ડૉ. આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. ભાવિન ત્રિવેદીએ તંત્રને પણ ગેરમાર્ગે દોર્યું હતું. યુજીસીના નિયમ મુજબ SIનો કોર્સ પેરામેડિકલનો જ કોર્સ છે પરંતુ રજિસ્ટ્રાર ડૉ. ભાવિન ત્રિવેદી કહે છે કે, આ કોર્સ પેરામેડિકલનો નથી એટલે અમારે યુજીસીની મંજૂરી લેવાની રહેતી નથી.
રજિસ્ટ્રારનો દાવો: અમારા SIના વિદ્યાર્થી માન્ય ગણાશે
પંચાયત મંડળના ચેરમેન: આ કિસ્સામાં નિર્ણય કર્યો નથી
ડૉ. બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડૉ. ભાવિન ત્રિવેદીએ ગુરુવારે જણાવ્યું હતું કે, યુજીસીના નિયમ મુજબ પેરામેડિકલ કોર્સ અમે ન ચલાવી શકીએ પરંતુ આ કોર્સ પેરામેડિકલ કોર્સ નથી. આ ઉપરાંત પંચાયત સેવા પસંદગી મંડળમાં પણ અમે વિદ્યાર્થીઓની લાયકાત કાયદેસર હોવાનો પત્ર પાઠવ્યો છે. પંચાયત સેવા પસંદગી મંડળમાંથી જે અધિકારી આવ્યા હતા એમને અમે તમામ ડોક્યુમેન્ટ આપી દીધા છે અને તેઓએ અમને જણાવ્યું હતું કે, આ કોર્સથી અને તમે જે અમને માહિતી આપી છે તેનાથી અમે સંતુષ્ટ છીએ. જ્યારે બીજીબાજુ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના ચેરમેન હસમુખ પટેલે જણાવ્યું હતું કે, આ કિસ્સાની અંદર અમે નિર્ણય કર્યો નથી. અહીંયા મહત્ત્વનો પ્રશ્ન એ છે કે, રજિસ્ટ્રાર કક્ષાની વ્યક્તિએ મીડિયા સમક્ષ પંચાયત સેવા પસંદગી મંડળે યુનિ.માંથી પાસ થયેલા વિદ્યાર્થી ઉમેદવાર તરીકે માન્ય રહેશે તેવું જાહેરમાં જણાવ્યું હતું. જો કે, ચેરમેને પટેલે જે ભાસ્કરને જણાવ્યું તેના પરથી રજિસ્ટ્રાર પણ જુઠ્ઠાણું ચલાવતા હોવાનું સ્પષ્ટ થયું છે.
સરકાર યુનિવર્સિટીના સત્તાધીશોને હોદ્દા પરથી તાત્કાલિક દૂર કરે
રાજ્ય સરકારના આરોગ્ય વિભાગની મંજૂરીથી સેનિટરી ઇન્સ્પેક્ટરનો કોર્સ ચાલુ કરવાનો હોય છે. સરકાર આઈટીઆઈમાં આ અભ્યાસક્રમો ચલાવે છે. આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશો અને પ્રાઇવેટ કંપનીની મિલીભગતથી યુજીસીની સ્પષ્ટ ના હોવા છતાં SIનો અભ્યાસક્રમ આંબેડકર યુનિવર્સિટીએ શરૂ કર્યો તે તદન ગેરબંધારણીય છે. આ વિદ્યાર્થીઓને માન્ય ગણવામાં આવે તો સાચી કોલેજમાં ભણેલા આઈટીઆઈના વિદ્યાર્થીઓને અન્યાય થશે. અને જો આંબેડકર યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને અમાન્ય ગણવામાં આવે તો તેના માટે આંબેડકર યુનિવર્સિટીના તમામ સત્તામંડળના સભ્યો અને કુલપતિ, રજિસ્ટ્રાર અને કંપની જવાબદાર છે. આથી સરકાર આંબેડકર યુનિવર્સિટીના સત્તાધીશોને તાત્કાલિક હોદ્દા ઉપરથી દૂર કરે તેવી માગણી છે. > ડૉ. નિદત બારોટ, પ્રવક્તા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ
UGCના રેગ્યુલેશન મુજબ ફ્રેન્ચાઈઝી ન આપી શકાય
યુજીસીના રેગ્યુલેશન-2020માં પાના નં. 102માં સ્પષ્ટ લખ્યું છે કે, કોઈપણ યુનિવર્સિટી કોઈપણ કોર્સ પોતે જ ચલાવી શકશે. અન્ય કોઈ હાયર એજ્યુકેશન ઈન્સ્ટીટ્યુટ કે કોઈ ફ્રેન્ચાઈઝી તેમજ આઉટસોર્સિંગ એગ્રીમેન્ટ હેઠળ ચલાવી શકાશે નહીં.
યુનિવર્સિટીને પત્ર
રાજકોટ મનપાએ SIના કોર્સ અંગે સ્પષ્ટતા માગી
રાજકોટ મનપાના ડે. મ્યુનિસિપલ કમિશનર આશિષ કુમારે જણાવ્યું હતું કે SIના કાોર્સ અંગે આંબેડકર યુનિવર્સિટી પાસેથી સ્પષ્ટતા માંગી છે કે યુજીસીનું ડાયરેકશન 2016નું છે. આ કોર્સ ક્યાં આધારે ચલાવે છે તેની સ્પષ્ટતા આવી જાય ત્યારબાદ આગળ વધીશું. હાલની ભરતીમાં ઉમેદવારોની અરજી સ્વીકારી છે.
