​​​​​​​કમાણી ‘કર’:CBIને GSTના આસિસ્ટન્ટ કમિશનર પાસે આવક કરતાં 74% વધારે સંપત્તિ મળી આવી

By Abhishek Raghuvanshi
3 Min Read
  • ટેક્સમાંથી કમાણી, ગાંધીધામમાં પોસ્ટિંગ, અમદાવાદમાં ઘર, રાજસ્થાનમાં રોકાણ
  • ઘરમાંથી રોકડા રૂપિયા 42 લાખ અને મોંઘી ઘડિયાળો મળી આવી
  • ગુજરાત, રાજસ્થાનમાં રૂ.3.71 કરોડ રૂપિયાનું રોકાણ મળ્યું
  • કમાણી ‘કર’: અમદાવાદમાં 6 કરોડના ફ્લેટમાં રહેતો હતો

સીજીએસટીમાં ગાંધીધામ ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ કમિશનર આવક કરતા વધારે સંપતિ ધરાવતા હોવાની માહિતીના આધારે સીબીઆઈની ટીમે તેમના ઘરે સર્ચ કર્યુ હતુ. જેમાં રોકડા રૂ.42 લાખ, દાગીના, વિદેશી ચલણ, બેંક બેલેન્સ મળીને અંદાજે રૂ.1 કરોડની સંપત્તિ મળી આવી હતી. જ્યારે અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાનના બાડમેરમાં પણ કરોડો રૂપિયાની સ્થાવર – જંગમ મિલકતો મળી આવી હતી.

સત્તાવાર આવક કરતાં 74 ટકા વધારે
સીબીઆઈને અત્યારસુધીમાં આસિ.કમિશનર પાસેથી સત્તાવાર રૂ.3.71 કરોડની અપ્રમાણસર મિલકત મળી છે, જે તેમની સત્તાવાર આવક કરતાં 74 ટકા વધારે હતી. ગાંધીધામ ખાતે સીજીએસટીમાં આસિસ્ટન્ટ કમિશનર તરીકે ફરજ બજાવતા મહેશ ચૌધરી આવક કરતાં અનેક ગણી વધારે સંપત્તિ ધરાવતા હોવાની બાતમીના આધારે દિલ્હી સીબીઆઈની ટીમે તપાસ શરુ કરી હતી.

મહેશ ચૌધરી

સીબીઆઈની ટીમે મહેશ ચૌધરીના ઘરે સર્ચ દરમિયાન રોકડા રૂ.42 લાખ, દાગીના, મોંઘી ઘડિયાળો, વિદેશી ચલણ, બેંક બેલેન્સ તેમજ સ્થાવર અને જંગમ મિલકતમાં રોકાણ મળી આવ્યુ હતુ. જે અંદાજે રૂ.1 કરોડ જેટલું થાય છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીધામ અને રાજસ્થાન બાડમેરમાં સ્થાવર અને જંગમ મિલકતો મળીને રૂ.3.71 કરોડનું રોકાણ મળી આવ્યુ હતુ. સૂત્રોના જણાવ્યા અનુસાર, મહેશ ચૌધરી પરિવાર સાથે અમદાવાદમાં જે ફલેટમાં રહેતો હતો તેની કિંમત રૂ.6 કરોડ હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

10 કરોડથી વધુ અપ્રમાણસર મિલકત મળવાનો અંદાજ
સીબીઆઈના સૂત્રોના જણાવ્યા અનુસાર મહેશ ચૌધરી અને તેમનાં પત્ની વિરુદ્ધ 8 ફેબ્રુઆરીના રોજ અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધવામાં આવ્યો હતો. જેમાં પ્રાથમિક તપાસમાં જ રૂ.3.71 કરોડની અપ્રમાણસર મિલકત મળી આવી છે. જો કે હાલમાં પણ અમદાવાદ, ગાંધીનગર અને રાજસ્થાન ખાતે સર્ચ ચાલુ જ છે. જેમાં અંદાજે રૂ.10 કરોડની અપ્રમાણસર મિલકત મળવાનો અંદાજ છે.

ટેક્સની ચોરી કરતા વેપારીઓની તરફેણ કરવા બદલ પૈસા લેતો

મહેશ ચૌધરી અગાઉ કસ્ટમ એક્સાઈઝમાં ફરજ બજાવતા હતા. પરંતુ એકસાઈઝ ડિપાર્ટમેન્ટ બંધ થઇ જતા મહેશ ચૌધરીનું પોસ્ટીંગ સીજીએસટી ડિપાર્ટમેન્ટમાં કરવામાં આવ્યુ હતું. જેમાં ટેક્સની ચોરી કરતા વેપારીઓની તરફેણ કરવા માટે મહેશ ચૌધરી પૈસા લેતો હતો. જો કે અત્યારસુધીમાં મહેશ ચૌધરીએ આ પ્રકારે કેટલા વેપારીઓ પાસેથી પૈસા લીધા તે દિશામાં પણ તપાસ શરુ કરવામાં આવી છે.

મહેશ ચૌધરી મૂળ રાજસ્થાનના બાડમેરનો રહેવાસી છે. સીબીઆઈની ટીમે અમદાવાદમાં ચૌધરીના જે ફલેટમાં સર્ચ કર્યુ હતું. તેની કિંમત અંદાજે રૂ.6 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આ ઉપરાંત ચૌધરી બાડમેર તેમજ અમદાવાદમાં અન્ય મિલકતો ધરાવે છે.

Exit mobile version