સુરતના અડાજણ વિસ્તારમાં પાલનપુર જકાતનાકા પાસે આવેલી સંત તુકારામ સોસાયટી પાસે આખલો ખાડામાં પડી ગયો હતો. જેથી સ્થાનિક લોકોએ ઘટનાની જાણ કરતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ ઉપર પહોંચી હતી અને આખલાને બહાર કાઢ્યો હતો.
સાતથી આઠ ફૂટ ઊંડા ખાડામાં આખલો પડ્યો
પાલનપુર જકાતનાકાની સંત તુકારામ સોસાયટીમાં નવા મકાનનો બાંધકામ ચાલી રહ્યું હતું. જ્યાં નજીકમાં અંદાજે સાતથી આઠ ફૂટ જેટલો ઊંડો ખાડો હતો. આ વિસ્તારમાં રખડતો આખલો એકાએક જ ત્યાં પહોંચ્યો હતો અને ખાડામાં ખાબકી ગયો હતો. ખાડામાં ચાર ફૂટ કરતા વધારે પાણી પણ હોવાને કારણે આખલો ફસાઈ ગયો હતો.
ફાયર વિભાગે JCBની મદદથી બહાર કાઢ્યો
ફાયર ઓફિસર ગીરીશ સેલરે જણાવ્યું હતું કે, આખલો ખાડામાં પડ્યા હોવાનો કોલ મળતાની સાથે જ અમારી ટીમ ઘટનાસ્થળેર પહોંચી ગઈ હતી. આખલાને દોરીથી બાંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ જેસીબી મશીન મંગાવીને ખાડાના આગળનો ભાગ થોડો તોડી નાખવામાં આવ્યો હતો, જેથી કરીને આખલાને સરળતાથી ઉપર લાવી શકાય. આખલાને દોરી સાથે જેસીબી મશીનથી બહાર ખેંચી જીવ બચાવ્યો હતો.
