- 15મી પહેલાં બાનાખત થઈ ગયું હશે અને સ્ટેમ્પ લેવાઈ ગયો હશે તો 4 મહિના સુધી નવો ભાવ લાગુ નહીં પડે
રાજ્યમાં એક તરફ નવી જંત્રીનો અમલ હજુ પાછો લઇ જવા રજૂઆત થઇ રહી છે બીજી તરફ દર વધે તે પહેલાં દસ્તાવેજોની નોંધણી માટે સબરજિસ્ટ્રાર કચેરીઓમાં રીતસરની લાઇનો લાગી રહી છે ત્યારે સરકાર હવે મુદતમાં વધારો નહીં કરવા માટે મક્કમ છે. સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે 15મીથી જંત્રીના નવા દરો અમલમાં આવી જશે.રાજ્ય સરકાર દ્વારા 4 ફેબ્રુઆરી 2023ના રોજ જંત્રીના દરોમાં બમણો વધારો કરીને નવી જંત્રી 5મી ફેબ્રુઆરીથી જ લાગુ કરવાની જાહેરાત કરી હતી.
રાતોરાત જાહેર કરાયેલા આ નિર્ણયનો વ્યાપક વિરોધ થતાં અને બિલ્ડરો તરફથી રજૂઆતો કરાતા નવી જંત્રી અમલી બનાવવા માટે મુદત આપવામાં આવી હતી અને 11મી ફેબ્રુઆરીએ સરકાર દ્વારા અમલ મોકૂફ રાખી 15મી એપ્રિલથી જંત્રીના નવા દરો અમલી બનાવવાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો હતો. બીજી તરફ જંત્રીના ભાવ વધે અને સ્ટેમ્પ ડ્યૂટીનો વધારે ખર્ચ કરવો પડે તે પહેલાં દસ્તાવેજ નોંધાવવા માટે મિલકતધારકોનો રાજ્યભરની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં ભારે ધસારો જોવા મળે છે.
જંત્રીના નવા દરો લાગુ કરવાની મુદતમાં હજુ વધારો કરવાની રજૂઆત પણ સરકારને થઇ હતી પરંતુ હવે સરકાર આ નિર્ણય પર મક્કમ છે અને શનિવાર 15મી એપ્રિલથી જ નવા દરો લાગુ કરી દેવામાં આવશે. શનિવારથી સબરજિસ્ટ્રાર કચેરીઓમાં નવા દરથી જ દસ્તાવેજોની નોંધણી કરવામાં આવશે. જોકે, 15મી એપ્રિલ પહેલાં મિલકતનો સોદો થયો હોય અને તે માટેનું બાનાખત રજિસ્ટર્ડ થઇ ગયું હોય તેમજ 14મી એપ્રિલે રાત્રે 12 વાગ્યા પહેલાંના સમયમાં સ્ટેમ્પ લઇ લીધો હશે તેવા કિસ્સામાં 4 મહિના સુધી જૂની જંત્રીના દરથી દસ્તાવેજોની નોંધણી કરાવી શકાશે.
નવા દરનો જૂનો ડર અમદાવાદમાં આજે એક દિવસ માટે 1100 ટોકન અપાયા, 14મી રજા રહેશે
તમામ સ્થળે હાલના જે દર છે તે બમણાં થઇ જશે, સ્ટેમ્પ ડ્યૂટી વધશે
રાજ્ય સરકારે જંત્રીના વર્તમાન દરો છે તેને બમણા કરવાની જાહેરાત કરી છે. ઉદાહરણ તરીકે જે સ્થળોએ એક ચોરસમીટર જમીનની જંત્રી 100 રૂપિયા હશે તે 200 રૂપિયા થઇ જશે. તમામ સ્થળોએ સમાન વધારો લાગુ પડશે. દસ્તાવેજ નોંધણી વખતે સ્ટેમ્પ ડ્યૂટી ભરપાઇ કરવા માટે જંત્રીના દરોનો આધાર લેવામાં આવતો હોવાથી દસ્તાવેજોની સ્ટેમ્પ ડ્યૂટીમાં પણ બમણો વધારો મિલકત ખરીદનારને આવશે.
નવા દરોના અમલની સાથે મિલકતોની કિંમત પણ વધશે
જંત્રીના નવા દરોના અમલની સાથે રાજ્યમાં જમીન- મકાનની કિંમતોમાં પણ વધારો થશે. મિલકતનું માર્કેટ વેલ્યૂએશન જંત્રીના ભાવો આધારિત હોય છે. જોકે, વાસ્તવિક કિંમતો જંત્રી કરતાં વધારે હોય છે પરંતુ સત્તાવાર મૂલ્યાંકન જંત્રીના આધારે થતું હોય છે જેને કારણે જંત્રીના દરો વધવાથી તેની કિંમતોમાં પણ ઉછાળો આવશે.
સબરજિસ્ટ્રાર કચેરીઓમાં 50 ટકા ટોકન વધારવા પડ્યા
જંત્રીના દરોમાં વધારો અમલમાં આવે તે પહેલાં જૂના દરે દસ્તાવેજ નોંધાવી લેવા માટે મિલકતધારકો દ્વારા સબરજિસ્ટ્રાર કચેરીઓમાં ધસારો કરવામાં આવતા મોટા ભાગની સબરજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજોની નોંધણીની મર્યાદામાં 50 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રોજના સરેરાશ 300 ટોકન આપવામાં આવે છે. અમદાવાદમાં આજના દિવસ માટે 1100 ટોકન ઇસ્યુ કરવામાં આવ્યા છે.
રાજ્યભરમાં 12 ફેબ્રુઆરી પછી 1.93 લાખ દસ્તાવેજો થયા
નવી જંત્રી મુજબ રજિસ્ટ્રેશન માટે વધુ નાણા ચૂકવવા પડે નહીં એ માટે છેલ્લા એક મહિનામાં મોટી સંખ્યામાં જમીન-મકાનોના દસ્તાવેજો થયા હતા. 12 ફેબુઆરીથી અત્યાર સુધી 1.93 લાખ દસ્તાવેજો થયા હતા.
