નવીમાંથી જૂની શરતની જમીનની 800 ફાઈલ પેન્ડિંગ, જંત્રી વધારો લાગુ નહીં કરવાની માગણી

By Abhishek Raghuvanshi
3 Min Read
  • 15મીથી નવી જંત્રીના અમલ પૂર્વે ક્રેડાઈનો સરકારને સૂચનો સાથે પત્ર
  • અમદાવાદ-ગાંધીનગર કલેક્ટર બદલાતા ફાઈલો પેન્ડિંગ હોવાનો ક્રેડાઈનો દાવો

15 એપ્રિલથી જંત્રીના દરમાં 100 ટકા વધારાનો અમલ થશે. પરંતુ હજુ પણ સંખ્યાબંધ વિસંગતી રહેલી હોવાથી બિલ્ડરોએ ફરી એક વખત વાંધા ઉઠાવ્યા છે. ક્રેડાઈના દાવા મુજબ તાજેતરમાં સરકારે કરેલી બદલીને લીધે અમદાવાદ અને ગાંધીનગરમાં નવી શરતથી જૂની શરતમાં ફેરવવાની 800થી વધુ ફાઈલો પેન્ડિંગ છે. આ જમીનો પ્રિમિયમ ભરીને બિનખેતીમાં ફેરવવાની થાય છે. તેમાં 5 કરોડ કે તેથી વધુ રકમની ફાઈલ મંજૂરી માટે સરકારમાં મોકલવાની થાય છે. આવા કિસ્સામાં ઝડપથી ફાઈલોનું નિરાકરણ આવતું નથી જેને પગલે આ તમામ ફાઈલો નવી જંત્રીની અસરમાંથી બાકાત રાખવામાં આવે.

બીજી તરફ દસ્તાવેજોની નોંધણીના મુદ્દે પણ સ્પષ્ટતા કરવાની આવશ્યકતા છે. અગાઉ સરકારે કહ્યું હતું કે, 15 એપ્રિલ પહેલાં જે દસ્તાવેજોમાં પક્ષકારોની સહી પહેલાં સ્ટેમ્પ લગાડેલા હશે તો આવા દસ્તાવેજ સહી કર્યાની તારીખથી 4 મહિનામાં નોંધણી માટે રજૂ થશે. જેમાં નવી જંત્રી લાગુ પડશે નહીં. પરંતુ આ કિસ્સામાં પણ વકીલોને મૂંઝવણ છે કે, તેમાં રજિસ્ટ્રેશન ચાર્જ ભરવાનો થશે. જેથી આ મુદ્દે સ્પષ્ટતા કરવી જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, ફેબ્રુઆરીમાં સરકારે એક જ દિવસમાં જંત્રી દરમાં 100 ટકા વધારો કર્યો હતો. પછી વિરોધ થતાં અમલ મોકૂફ રખાયો હતો.

પ્લાન રજૂ થયા હોય તેમાં જૂની જંત્રી ગણવા માગ
જંત્રીના અમલાવારી અંગે સ્પષ્ટ કરતા બિલ્ડરોએ લેખિત રજૂઆત કરી છે. ખાસ કરીને અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્લાન પાસિંગની સ્ક્રૂટિની ફી ભરી દેવામાં આવી હોય. અથવા તો પ્લાન રજૂ થઈ ગયા હોય તેવા કિસ્સામાં જૂની જંત્રી પ્રમાણે એફએસઆઈના નાણાં લેવા જોઈએ. જે કિસ્સામાં પ્લાન પાસ થઈ ગયા હોય પરંતુ નવી પેમેન્ટ એફએસઆઈ લેવાની ન થતી હોય અથવા તો પ્લાન રિવાઈઝ્ડ કરવાના હોય તેવા કિસ્સામાં પણ નવી જંત્રીની કોઈ અસર પેમેન્ટ એફએસઆઈ પર થાય નહીં તેની પણ સ્પષ્ટતા થવી ખૂબ જ જરૂરી છે.

ચાલુ પ્રોજેક્ટમાં નવી જંત્રી મુજબ સ્ટેમ્પ ડ્યુટી ન લેવાય
કોઈપણ પ્રોજેક્ટ બનતા 3થી 4 વર્ષ લાગે છે. જે પ્રોજેક્ટ રેરામાં રજિસ્ટર્ડ થયેલા હોય અને જો બની રહ્યા હોય તેવા કિસ્સામાં રેરા ઓથોરિટી પ્રમાણે હાલ બાનાખાત થાય છે અને તેનું પઝેશન બીયુ મળ્યા પછી ગ્રાહકોને આપવાનું થાય છે. જેથી દસ્તાવેજ કરતી વખતે રેરા ઓથોરિટી પ્રમાણે કરેલા બાનાખતમાં દર્શાવેલી રકમને ધ્યાને લઈ વધારાની જંત્રી પ્રમાણે સ્ટેમ્પ ડ્યુટી કે રજિસ્ટ્રેશન ચાર્જ લેવામાં આવે નહીં.

- Advertisement -

સરકાર સ્પષ્ટતા નહીં કરે તો મકાનોની કિંમત વધશે
સરકારે જંત્રીમાં કરેલા વધારાને અમે આવકારીએ છીએ. પરંતુ ઘણી બધી ત્રુટી જરૂરી છે. લોકોનું હિત જળવાય અને બાંધકામ ઉદ્યોગને ગંભીર અસરો ન થાય તે માટે અમલ કરતાં પહેલા સ્પષ્ટતા કરવી જરૂરી છે. સ્પષ્ટતા નહીં થાય તો પ્રોજેક્ટ કોસ્ટની કિંમતમાં વધારો થશે. – તેજસ જોશી, પ્રમુખ, ક્રેડાઈ, ગાહેડ

Exit mobile version