ગુજરાત ભાજપમાંથી વધુ એક નેતાનું રાજીનામું લઈ લેવામાં આવ્યું છે. આ વખતે યુવા મોરચાના નેતા પંકજ ચૌધરીનો વારો આવ્યો છે. યુવા મોરચાના પ્રભારી તરીકે પંકજ ચૌધરીને જવાબદારી સોંપવામાં આવી હતી. પંકજ ચૌધરીનું પ્રદેશ ભાજપના મંત્રી પદ પરથી રાજીનામું લેવામાં આવ્યું છે. પંકજ ચૌધરીએ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને રાજીનામું સોંપ્યું છે. જોકે, રાજીનામું ક્યારે આપવામાં આવ્યું તે જાણી શકાયું નથી.
સમય આપી શકતા ન હોવાથી રાજીનામું આપ્યાની ચર્ચા
બીજી તરફ પંકજ ચૌધરી સાથે સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવતા તેમની સાથે સંપર્ક થઈ શક્યો નહોતો. પરંતુ ભાજપના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે પંકજ ચૌધરી પોતાના ધંધાર્થે વિદેશમાં વધારે સમય રહેતા હોવાથી પાર્ટીમાં સમય આપી શકતા નહોતા. આમ, પંકજ ચૌધરીએ સમયના અભાવે પાર્ટીમાંથી રાજીનામું આપ્યું હોવાનું કહેવાઈ રહ્યું છે.
