સાબરમતી નદી પ્રદૂષણનો કેસ:09 STP પ્લાન્ટ દ્વારા ટ્રીટ કર્યા વગરનું પાણી સાબરમતીમાં છોડવામાં આવતું હતું: કોર્ટ મિત્રનું સોગંદનામું

By Abhishek Raghuvanshi
2 Min Read

ગુજરાત હાઇકોર્ટ દ્વારા સાબરમતી નદી પ્રદૂષણને લઈને સુઓમોટો અરજી લેવામાં આવી હતી. તે દરમિયાન વર્ષ 2022માં કેન્દ્ર સરકારના એક અહેવાલમાં દેશની બીજા નંબરની સૌથી પ્રદૂષિત નદી તરીકે સાબરમતી નદીને જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત સાબરમતી નદીમાં પ્રદૂષણને લઈને હાઇકોર્ટમાં PIL દાખલ થઈ હતી. હાઇકોર્ટ દ્વારા સાબરમતીમાં પ્રદૂષણ રોકવા અને તપાસ અર્થે AMC, GPCB અને CPCBને પણ નિર્દેશો જાહેર કરાયા હતા.

14 STP પ્લાન્ટના 50 ટકા નમૂના ફેલ
તે જ કેસના સંદર્ભમાં કોર્ટમિત્ર દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામું ફાઈલ કરવામાં આવ્યું છે. જેમાં જણાવાયું છે કે, ખાનગી સોસાયટીઓમાંથી ગંદુ પાણી નદીમાં ઠલવાય છે. AMC અને GPCBને આવા 500 કનેક્શન મળ્યા છે. 14 STP પ્લાન્ટમાંથી ટ્રીટ કરેલા પાણીના લેવાયેલ નમુનામાંથી 50 ટકા નમૂના ફેલ થયા છે. 103 કરોડના ખર્ચે બનેલ વીંઝોલ STP પ્લાન્ટમાં સ્ટાન્ડર્ડ મુજબ કામ થતું ના હોવાનો પણ વિજિલન્સ તપાસમાં ખુલાસો થયો છે. AMC એ વીંઝોલ STP પ્લાન્ટના કોન્ટ્રાક્ટરને 5.71 કરોડ, દૂષિત પાણીના પેરામીટર્સ ન જાળવવા બદલ ઓપરેટરને 1.25 કરોડ જ્યારે યોગ્ય દેખરેખ ન રાખવા બદલ કોન્ટ્રાક્ટરને 44.86 લાખ દંડ કર્યો છે.

ખરાબ પાણીથી ભૂગર્ભજળ પણ પ્રદૂષિત
પીરાણા ખાતે આવેલા 180 MLD ટ્રીટમેન્ટ પ્લાન્ટની અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર દ્વારા કરાયેલ તપાસમાં કર્મચારીઓ ગેરહાજર માલુમ પડ્યા હતા. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા અમદાવાદના 09 STP પ્લાન્ટસને શો-કોઝ નોટીસ પાઠવવામાં આવી છે. ખરાબ પાણી સાબરમતી નદીમાં ભળવાથી ભૂગર્ભજળ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે.

Exit mobile version