- ઈન્દિરા બ્રિજથી આગળ ગાંધીનગર સુધીનો રોડ પણ 90 મીટરનો કરવામાં આવશે
- 300થી વધુ વાંધા અરજી ફગાવી દેવાઈ
એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધીના 20 મીટરના રોડને પહોળો કરીને 60 મીટર સુધી કરવાની દરખાસ્ત મ્યુનિ.એ સ્ટેન્ડિંગ કમિટીમાં રજૂ કરી છે. જેને લીધે 300 વધુ મિલકતો કપાતમાં જશે. એરપોર્ટથી ઈન્દિરા બ્રિજ સુધી 60 મીટરના રોડ બાદ ઈન્દિરા બ્રિજથી આગળ ગાંધીનગર સુધીનો રોડ 90 મીટરનો કરશે. ગાંધીનગર તરફના ટ્રાફિકને ધ્યાને લઇ સ્થાનિક વિસ્તારની 300થી વધારે ફરિયાદોને ફગાવી દઈ રિ-ડીપીને મંજૂર કરી આ રોડ બનાવવાની દરખાસ્ત રજૂ થઇ છે.
ઈન્દિરા બ્રિજ સુધીનો રોડ અત્યારે 20 મીટરનો છે તેને 60 મીટરનો કરવાની દરખાસ્ત સ્ટેન્ડિંગમાં રજૂ કરાઈ છે. જે માટે આવેલી વિવિધ વાંધા અરજીઓ ફગાવી દેવાઈ છે. વાંધા અરજીઓમાં થયેલી રજૂઆત પ્રમાણે રોડ લાઈનની કપાતને કારણે બાળકોના શિક્ષણ પર પડશે.તથા ગ્લોબલ વોર્મિંગનો ખતરો ઊભો થશે. 70 કંુટુંબ રોજગારી ગુમાવશે. રિવરફ્રન્ટ ફેઝ-2 તૈયાર થયા બાદ આ રોડ પર અવરજવર ઘટી જશે. આ મામલે સેશન્સ કોર્ટમાં દીવાની દાવો પણ કરાયો છે.
જોકે મ્યુનિ. અધિકારીઓએ તમામ વાંધામાં એક સરખો જવાબ આપ્યો હતોકે, આ રોડ પાટનગર ગાંધીનગર સાથે જોડાયેલો છે. જેને કારણે તે મહત્ત્વનો હોવાની સાથે સાથે લોકોની અવરજવર અને ટ્રાફિક માટે ખૂબ મહત્ત્વનો રોડ છે. ત્યારે રિ-ડી.પી. પ્રમાણે આ રોડને પહોળો કરવો આવશ્યક છે. સ્થાનિક રહીશોએ કરેલી રજૂઆતો ધ્યાને લઇ મ્યુનિ.એ એરપોર્ટ સર્કલથી તલાવડી સર્કલ સુધીના ભાગમાં રોડલાઇન કપાતમાં અંશત: ફેરફાર સૂચવાયા હતા.
મકાનો-દુકાનો ઓછા કપાતમાં જાય એ રીતે ફેરફાર કરીને નવી રોડલાઈન અમલમાં મુકવામાં આવી છે
વાંધાસૂચનને ધ્યાનમાં રાખીને જ્યાં પણ નાગરિકોનાં મકાનો અને દુકાનોને અસર થાય છે એ અસર ઓછી થાય, એને ધ્યાનમાં રાખીને અંશત: એલાઈમેન્ટમાં ફેરફાર કરવામાં આવ્યો છે. લોકોનાં મકાનો અને દુકાનો ઓછી કપાતમાં જાય એ રીતે એલાઈમેન્ટમાં ફેરફાર કરીને નવી રોડલાઇન અમલમાં મૂકવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટી દરખાસ્ત મંજૂર કરશે તો આગામી દિવસોમાં જ્યાં પણ કપાત હશે તે લોકોને નોટિસ પાઠવીને સમય અપાશે એ પછી રોડ પહોળો કરવાની કામગીરી કરાશે.
