- એસ્ટેટ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારને રોકવા સ્ટેન્ડિંગમાં સૂચન
- ગેરકાયદે બાંધકામો તોડવાને બદલ માત્ર નોટિસ આપીને સંતોષ મનાય છે
શહેરમાં અનેક વિસ્તારમાં ગેરકાયદે બાંધકામ ચાલી રહ્યા છે. આ બાંધકામ અટકાવવા અથવા તો તોડવાના બદલે મ્યુનિ. એસ્ટેટ વિભાગ માત્ર નોટિસ આપીને સંતોષ માને છે. જેની પાછળ એસ્ટેટ વિભાગ દ્વારા ચાલતો ભ્રષ્ટાચાર કારણભૂત હોવાનું મનાય છે. એસ્ટેટ વિભાગના ભ્રષ્ટાચારને ડામવા માટે મ્યુનિ. સ્ટેન્ડિંગ કમિટીમાં એક મધ્યસ્થ વિભાગ બનાવવા માટે સૂચન કરાયું છે. આ સેલ ગેરકાયદે બાંધકામ તોડી પાડવા સુધીના નિર્ણય લેશે.
આ સમિતિને પ્રથમ વખત અપાયેલી નોટિસ સમયે જે સ્થળ સ્થિતિ હોય તેના ફોટોગ્રાફ્સ સંબંધિત ઝોનના એસ્ટેટ વિભાગ દ્વારા પહોંચાડવાના રહેશે. જે બાદ પ્રથમ નોટિસની કોપી મોકલવાની રહેશે. જેના પર જો વધુ આગળ બાંધકામ થાય તો આ વિભાગ સતત ધ્યાન રાખશે. આ બાંધકામ ક્યારે તોડવું તે બાબતે પણ આ વિભાગ ધ્યાન રાખશે. એક મહિના પછી જો તપાસ કરતાં જો વધુ બાંધકામ થાય તો તેને તોડવા માટે નિર્ણય લેવાશે.
DyMC કક્ષાના અધિકારી સેલના વડા રહેશે
ગેરકાયદે બાંધકામને સંપુર્ણ જમીનદોસ્ત કરી દેવા માટે નિર્ણયો લેવાશે. જોકે આ માટે ડીવાયએમસી કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં આ વિભાગ કામ કરશે. અધિકારીઓને પ્રથમ નોટિસ બાદ બીજી નોટિસ આપવી તથા તોડવામાં આવે તો અધકચરું તોડવાને બદલે સંપૂર્ણ જમીનદોસ્ત કરવા બાબતે નિર્ણય લેવામાં ઉચ્ચ અધિકારીની મહત્ત્વની ભૂમિકા રહેશે.
