- સાસરીયાની સામે દુષ્પ્રેરણનો ગુનો નોંધાયો
ડિંડોલીમાં એક મહિલાએ લગ્નના એક મહિનામાં જ ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું હતું. મહિલાના જેનીસાથે લગ્ન થયા હતા તે યુવકના તેની મામીની સાથે અનૈતિક સંબંધ હોવાને કારણે ઘરમાં માથાકૂટથઇ હતી, આ ઉપરાંત પતિએ પત્ની પાસેથી 4 લાખ દહેજની પણ માંગ કરી હતી. આખરે પરિણીતાએ આપઘાત કરી લેતા પતિ સહિત સાસરીયાની સામે દુષ્પ્રેરણની ફરિયાદ નોંધાઇ હતી.
મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલ ડિંડોલી ખાતે રહેતા સાગર ઢીવરે હીરા મજૂરીનું કામ કરી ગુજરાન ચલાવતો હતો. દરમિયાન 1 મહિના પહેલાં 20 વર્ષીય અશ્વિની સાથે લગ્ન થયા હતા. સોમવારે રાતે અશ્વિનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે વધુમાં જાણવા મળ્યું હતું કે, મૃતક અશ્વિનીના લગ્ન થયા બાદથી પતિ સાગર કોઈ કામ-ધંધો કરતો નહોતો.
પહેલા હીરામાં મજૂરી કરતો હતો પરંતુ લગ્ન બાદ ઘરે જ રહેતો હતો. સાસરિયા પક્ષ દ્વારા તેણીના પિયર પક્ષ પાસેથી 4 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી. ડિંડોલી પોલીસ દ્વારા સમગ્ર મામલે અંગે તપાસ કરીને પતિ સહિત ચાર સામે સાસરિયા વિરુદ્ધ દુષ્પ્રેરણા અંતર્ગત ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
આપઘાત પહેલાં માતાને ફોન કર્યો હતો
પોલીસના કહેવા પ્રમાણે આપઘાત કરતા પહેલા અશ્વિનીએ તેની માતાને ફોન કરીને કહ્યું હતું કે, હું મારી સાસરીમાં ખુશ નથી. મારો પતિ સાગરે મારી સાથે લગ્ન બાદ આજસુધી શારીરિક સંબંધ બાંધ્યો નથી અને તેના પતિ સાગરનું તેની મામી સાથે અનૈતિક સબંધ છે. જેના કારણે તે મારાથી દૂર ભાગે છે.
