પહેલ:ઘરમાં ગરમી 3થી 5 ડિગ્રી ઘટાડવા મહિલા ટ્રસ્ટનું અભિયાન

By Abhishek Raghuvanshi
2 Min Read
સરસપુરના સ્લમ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી મહિલાઓ તેમ જ કારીગરો દ્વારા જરૂરિયાતમંદ લોકો માટે ઘરની છતો પર નિઃશુલ્ક કલર કામ કરી આપવામાં આવે છે.
  • મહિલા હાઉસિંગ ટ્રસ્ટે અઠવાડિયામાં 200 ઘરનાં પતરાં પર સોલાર રિફ્લેક્ટિવ વ્હાઇટ પેઇન્ટ કર્યો
  • 50થી વધુ મહિલાઓ સાત વર્ષથી સ્લમ વિસ્તારોમાં રહેતા પરિવારોનાં ઘરમાં ઉનાળા દરમિયાન ઠંડક રહે તે માટે છાપરાં પર નિ:શુલ્ક પેઇન્ટ કરાવી રહી છે

શહેરનું મહિલા હાઉસિંગ ટ્રસ્ટ જરૂરિયાતમંદ પરિવારોના ઘરમાં ઉનાળા દરમિયાન ઠંડક રહે તે માટે અભિયાન ચલાવી રહી છે. ટ્રસ્ટ દ્વારા ઉનાળામાં સ્લમ વિસ્તારોમાં ઘરનાં પતરાં પર સોલાર રિફ્લેક્ટિવ વ્હાઇટ પેઇન્ટ લગાવવામાં આવે છે, જેના કારણે ઘરમાં તાપમાન 3થી 5 ડિગ્રી ઘટે છે. 50થી વધુ મહિલાઓ છેલ્લાં સાત વર્ષથી આવા પરિવારોનાં ઘરમાં ઉનાળા દરમિયાન ઠંડક રહે તે માટે છાપરાં પર નિ:શુલ્ક પેઇન્ટ કરાવી રહી છે. મહિલા હાઉસિંગ ટ્રસ્ટે એક અઠવાડિયામાં સરસપુર વિસ્તારમાં 200 મકાન પર સોલાર રિફ્લેક્ટિવ વ્હાઇટ પેઇન્ટથી ઘરની છતને પેઇન્ટ કર્યાં છે. આ ટ્રસ્ટ નવ રાજ્યમાં કાર્યરત છે.

સંસ્થાએ અત્યાર સુધીમાં 39 લાખથી વધુ મહિલાઓ સુધી વિવિધ સેવા પહોંચાડેલી છે. સોલાર રિફ્લેક્ટિવ વ્હાઇટ પેઇન્ટ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં વધુ ને વધુ છાપરાવાળાં મકાનને આઇડેન્ટિફાય કરી તેની છતોને પેઇન્ટ કરાશે. ટ્રસ્ટના જણાવ્યા મુજબ, શ્રમજીવી લોકો છૂટક મજૂરી અથવા તો ઘરે બેસી જીવનનિર્વાહ માટે કામ કરતા હોય છે. ઘરની છત પતરાં કે સિમેન્ટ સીટથી બનેલી હોવાથી ગરમીની વધારે અસર થતી હોય છે અને તેનાથી બીમાર થતાં દવાખાનાનો ખર્ચ ઉઠાવવો પડે છે. આથી અમે આ અભિયાન શરૂ કર્યું છે.

તમામ ખર્ચ સંસ્થા ઉઠાવે છે
ઉનાળામાં અમદાવાદનો પારો 45 ડિગ્રી સુધી પહોંચતો હોય છે, ત્યારે સોલાર રિફ્લેક્ટિવ વ્હાઇટ પેઇન્ટના કારણે ઘરની અંદરનું તાપમાન ત્રણથી પાંચ ડિગ્રી સુધી ઘટાડી શકાય છે. અહીં રહેતા લોકો કહે છે કે, સફેદ પેઇન્ટથી ઘરમાં ઠંકક વધી છે, જેને કારણે કૂલર ચાલુ રાખવાથી આવતું લાઇટ બિલ ઘટે છે. આ સંસ્થામાં 50થી વધુ મહિલા કાર્ય કરી રહી છે. સમગ્ર ખર્ચ સંસ્થા દ્વારા ઉઠાવવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ હજુ પણ અન્ય ઘરોમાં વ્હાઇટ પેઇન્ટ કરવામાં આવશે

Exit mobile version