ડેટા ખાનગી કંપનીને વેચી દેતી હોવાના આક્ષેપ:ટ્રાફિક પોલીસ રિક્ષાચાલકોનો ડેટા વેચતી હોવાનો આરોપ

By Abhishek Raghuvanshi
3 Min Read
  • ટ્રાફિક પોલીસ પાસે અંગત ડેટા માગવાની સત્તા નથી છતાં દબાણ કરી વિગતો લઈ લેવાતી હોવાનો આક્ષેપ
  • પેપર તપાસવાના નામે આધાર-પાનની વિગતો લઈ ડેટા વેચાતો હોવા મુદ્દે હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી

અમદાવાદના ઓટો રિક્ષાા ડ્રાઇવરો પાસેથી વાહનોની તપાસના બહાને આધાર અને પાન કાર્ડની વિગતો લઇને ટ્રાફિક પોલીસ તેમનો ડેટા ખાનગી કંપનીને વેચી દેતી હોવાના આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઇ છે. અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે ટ્રાફિક પોલીસ સેન્ટ્રલ મોટર વ્હિકલ રુલ્સ-1989 મુજબ વાહનોના ચેકિંગ દરમ્યાન લાઇસન્સ, પીયુસી અને માલિકીના પેપર તપાસી શકે છે પરતું તેમની પાસે રિક્ષાવાળાઓ પાસેથી આધાર અને પાનની વિગતો લેવાની સત્તા નથી.ઘણા સમયથી શહેરમાં ટ્રાફિક પોલીસ રિક્ષાવાળા પાસેથી આધાર અને પાન કાર્ડની વિગતો લેવામાં આવે છે અને તેનો દુરુપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ કરાયો છે. જસ્ટિસ વૈભવી નાણાવટીએ ટ્રાફિક પોલીસ કમિશનરને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 14 સપ્ટેમ્બર પર મુકરર કરી છે.

જાગૃત ઓટો રિક્ષા ડ્રાઇવર યુનિયને હાઈકોર્ટમાં ટ્રાફિક પોલીસ દ્વારા ડેટા ચોરીના આક્ષેપ સામે જાહેરહિતની અરજી કરી છે. ડ્રાઇવર તરફથી એડવોકેટ જકી લકી ચેને એવી દલીલ કરી છે કે, ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષા ડ્રાઇવરો પાસેથી દબાણપૂર્વક આધાર અને પાન કાર્ડની અંગત વિગતો મેળવી લેવામાં આવે છે. ટ્રાફિક પોલીસ પાસે પર્સનલ ડેટા માગવાની સત્તા નથી. પોલીસ ગેરકાયદે રીતે આ માગણી કરી રહી છે.

સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જયારે સબસિડી કે સરકારી યોજનાના લાભ લેવા માટે આધાર- પાન કાર્ડની માગણી કરી શકાય. પોલીસની આ કાર્યવાહી રિક્ષા ડ્રાઇવરોને મળેલા રાઇટ ટુ ઈન્ફર્મેશન એક્ટ અને બંધારણમાં મળેલા મૂળભૂત અધિકારોનો ભંગ કરે છે.

અરજીમાં દલીલ કરાઈ હતી કે, ખાનગી કંપનીઓ આ ડેટાનો શું ઉપયોગ કરશે તેની કોઈને જાણકારી નથી પરંતુ ટ્રાફિક પોલીસ ઓટો રિક્ષાચાલકો સાથે ભેદભાવ રાખી ચાલકો અસામાજિક તત્ત્વો હોય તેવું વર્તન કરી રહી છે. અરજીમાં એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે, રિક્ષા ખરીદવામાં આવે ત્યારે જ તમામ કાગળિયા રજિસ્ટ્રેશન માટે આપી દેવામાં આવતા હોય છે. એટલે સરકાર પાસે બધી વિગત આવી જતી હોય છે માટે અલગથી અંગત ડેટા ફરી માગવાનો કોઈ અર્થ નથી.

- Advertisement -

મૂ‌ળભૂત અધિકારનો ભંગ થવાની દલીલ

દિલ્હીમાં બનેલા નિર્ભયાકાંડ બાદ સરકારે તમામ ટ્રાન્સપોર્ટના ડ્રાઈવરોની વિગતો મેળવવા નોટિફિકેશન બહાર પાડ્યું છે. પરતું માત્ર રિક્ષાચાલકોને જ ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. નાગરિકોને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં સલામતી આપવાની જવાબદારી સરકારની છે. પોલીસ પર્સનલ ડેટા નહીં આપનાર રિક્ષા ડ્રાઇવરો પાસેથી દંડ વસૂલીને સરકારની તિજોરી ભરે છે. જ્યારે કે સરકાર પાસે અને લેબર ડિપોર્ટમેન્ટ પાસે દરેક રિક્ષા ડ્રાઇવેરોની તમામ માહિતી હોવા છતાં તેમને કનડગત કરવામાં આવે છે.

અસામાજિક તત્ત્વો જેવો વર્તાવ કરાય છે

અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે, ટ્રાફિક પોલીસ માત્ર ઓટો રિક્ષા ડ્રાઈવરોને ટાર્ગેટ બનાવી રહી છે. તેમની સાથે અસામાજિક તત્ત્વો જેવો વર્તાવ કરી રહી છે. રિક્ષામાં ગુના વધી રહ્યા છે તેના માટે સરકાર જવાબદાર છે. નવી રિક્ષાઓને મંજૂરી આપવા પર સરકાર નિયત્રંણ નહીં રાખતી હોવાથી શહેરમાં રિક્ષાની અંદર ગુના વધ્યા છે પરતું તેના લીધે તમામ રિક્ષા ડ્રાઇવરો પાસેથી ખાનગી ડેટા લઇ શકાય નહીં.

Exit mobile version