સુરતના પાંડેસરા વિસ્તારમાં એક વર્ષીય બાળકી ગુમ થઇ હતી તો બીજી તરફ પરિવારજનોએ બનાવની જાણ પોલીસને કરતા પાંડેસરા પોલીસે તાત્કાલિક અલગ અલગ 20થી 25 કર્મચારીની ટીમ બનાવીને તપાસનો ધમધમાટ શરુ કર્યો હતો અને ગણતરીના કલાકોમાં જ બાળકીને શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. માસૂમ બાળકી સહી સલામત મળી આવતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો ત્યારે બાળકીનું પરિવાર સાથે મિલન કરાવી દેવાતા ખૂબ જ લાગણી સફળ દ્રશ્યો છલકાયા હતા.
ઘર પાસે રમતી બે વર્ષીય બાળકી અચાનક ગુમ થઈ
સુરતના પાંડેસરા ખાતે આવેલા વડોદરા સ્થિત ગણેશ નગરમાં રહેતા મૂળ ઓરિસ્સાના વતની રાકેશ શાહુની બે વર્ષીય માસુમ પુત્રી ઘર પાસે રમી રહી હતી. આ દરમિયાન પરિવારની બે વર્ષીય બાળકી આજે અચાનક ગુમ થઇ ગયી હતી. જેને લઇ પરિવાર ચિંતામાં મુકાયું હતું અને દોડતું થઈ ગયું હતું. પરિવાર દ્વારા બાળકીની ભારે શોધખોળ છતાં કોઈ ભાળ ન મળતા પરિવાર ચિંતામાં મુકાઈ ગયો હતો. જેને લઇ પરિવારે તાત્કાલિક પાંડેસરા પોલીસને સંપર્ક કર્યો હતો. આ બનાવ અંગે પોલીસને જાણ કરી હતી.
ભૂતકાળમાં બનેલી અઘટિત ઘટનાને લઇ પોલીસે ગંભીરતા દાખવી
માસૂમ બાકી ઘર પાસેથી અચાનક ગુમ થઈ ગયા હોવાની જાણ પોલીસને થતા જ પોલીસે આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. મહત્વનું છે કે, ભૂતકાળમાં નાની બાળકીઓ સાથે પાંડેસરા વિસ્તારમાં અનેક અઘટિત ઘટનાઓ પ્રકાશમાં આવી ચુકી છે ત્યારે આજે 2 વર્ષીય બાળકી ઘર પાસેથી અચાનક ગુમ થઇ હોવાની માહિતી મળતા જ બનાવની ગંભીરતા જોઈ પાંડેસરા પોલીસે તાત્કાલિક બાળકીને શોધવા મહેનત શરૂ કરી હતી.
પોલીસે 15થી 20 કર્મચારીની ટીમ કામે લગાવી
પાંડેસરા પોલીસ મથકના પી.આઇ. એન.કે.કામલિયાએ જણાવ્યું હતું કે, સવારના સમયે પોલીસ મથકે રાકેશ શાહુ નામના વ્યક્તિ આવીને પોતાની બે વર્ષની બાળકી અચાનક ગુમ થઈ ગયા હોવાનું જણાવતા જ પોલીસે આ વાતને ખૂબ જ ગંભીરતાથી લીધી હતી. પાંડેસરા પોલીસ દ્વારા જુદી-જુદી 20થી 25 કર્મચારીઓની ટીમ બનાવવામાં આવી હતી. પાંડેસરા પોલીસના સર્વેન્સની ટીમ ઉપરાંત પોલીસ મથકના જુદા-જુદા કર્મચારીઓને તાત્કાલિક બાળકીને શોધવા માટે આદેશ કરી દેવામાં આવ્યા હતા.
20થી વધુ સીસીટીવી તપાસ્યા
પી.આઈ.એ વધુમાં જણાવ્યું હતું કે, બાળકીને શોધવા પોલીસની જુદી જુદી ટોળકી અને જુદા જુદા વિસ્તારોમાં શોધવા માટે કામે લગાવી હતી. બાળકી જે જગ્યાએ રમી રહી હતી તે વિસ્તારના 20થી વધુ સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. આ ઉપરાંત સોસાયટીની આસપાસના લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. બાળકીને શોધવા પોલીસે એડીચોટીનું જોર લગાવી દીધું હતું.
બે કલાકમાં જ બાળકીને શોધી કાઢી
પોલીસની સતત મહેનત અને તપાસ બાદ બે વર્ષે બાળકી ઘરથી નજીકના વિસ્તારમાંથી હેમખેમ મળી આવી હતી. પોલીસે બનાવની ગંભીરતાને પારખી અને બાળકી સાથે કોઈ અઘટીત ઘટના ના બને તેને ધ્યાને રાખી બાળકીને શોધવામાં લાગી હતી ત્યારે પોલીસની મહેનતથી બે કલાકમાં જ બાળકીને શોધી કાઢી હતી. બાળકી હેમખેમ સુરક્ષિત મળી આવતા પોલીસ અને બાળકીના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો અને ચિંતા દૂર થઈ હતી.
પરિવાર સાથે મિલન થતાં લાગણી સફળ દ્રશ્ય છલકાયા
ઘર પાસેથી ગુમ થયેલી બે વર્ષીય બાળકી પરિવારને ન મળી આવતા પરિવાર ખૂબ જ ચિંતામાં મુકાયું હતું. અનેક પ્રકારના અઘટિત વિચારો વાગોળાયા કરતા હતા. માતા બાળકીની ચિંતામાં સતત રળીયા કરતી હતી. આ દરમિયાન પોલીસે બે કલાકમાં જ બાળકીને શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવી આપતા ખૂબ જ લાગણીસભર દ્રશ્ય છલકાયા હતા. પરિવારે પોલીસની મહેનત અને કામગીરીને બિરદાવી હતી.
