ગુજરાતના રાજકારણમાં નવાજૂની?:વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ ભાજપના તમામ MLAની બેઠક, ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવા સુચના

By Abhishek Raghuvanshi
4 Min Read

ગુજરાતના રાજકારણમાં છેલ્લા કેટલાક સમયથી ફેરફાર આવશે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. સચિવાલયમાં ચર્ચા ચાલી રહી છે કે મંત્રી મંડળમાં મોટા ફેરફાર આવી શકે છે તો બીજી તરફ આ તમામ ચર્ચા વચ્ચે છેલ્લા ત્રણેક દિવસથી સચિવાલયનો માહોલ જ બદલાઈ ગયો હોય તેવા દ્રશ્યો જોવા મળે છે. સચિવાલયમાં એક પ્રકારનો સન્નાટો મહેસૂસ થઈ રહ્યો છે અને સચિવ કક્ષાના અધિકારીઓની સતત મિટિંગ યોજાઈ રહી છે. આ બધાની વચ્ચે ભાજપના ધારાસભ્યોને ગાંધીનગરમાં હાજર રહેવાની સુચના એ રાજકીય માહોલ ગરમ કરી દીધો છે.

વિધાયક દળની બેઠક સમયે પણ ધારાસભ્યોને હાજર રખાય છે
સામાન્ય રીતે જ્યારે પણ પક્ષના ચૂંટાયેલા વિધાયકોના નેતાની પસંદગી કરવાની હોય છે એવા સંજોગોમાં પક્ષ દ્વારા વિધાયક દળની બેઠકનું આયોજન કરવામાં આવે છે. આ સમયે પણ તમામ ધારાસભ્યોને હાજર રાખી અને વિધાયક દળના નેતાની પસંદગી કરવામાં આવતી હોય છે.

ભાજપના તમામ ધારાસભ્ય-મંત્રીની બેઠક યોજાશે
ધારાસભ્યો સાથે સંકલન કરતા એક વિશ્વસનીય નેતા સાથે વાતચીત થયા મુજબ, તમામ ધારાસભ્યોને ગાંધીનગર ખાતે ત્રણ દિવસ હાજર રહેવાની સુચના આપવામાં આવી છે. આ તમામ ધારાસભ્યો સાથે બેઠક યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. તમામ ધારાસભ્યોની હાજરી રહેશે તો બીજી તરફ સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહેશે. આ ઉપરાંત મંત્રીઓને પણ કમલમ ખાતે હાજર રહેવાની સુચના આપવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું.

વડાપ્રધાનની ગુજરાત મુલાકાત બાદ ધારાસભ્યો સાથે બેઠક
વડાપ્રધાન ગુજરાતની એક દિવસીય મુલાકાતે આવનાર છે. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ તથા અમૃત આવાસોત્સવ કાર્યક્રમમાં હાજરી આપનાર છે. આ દરમિયાન વડાપ્રધાને બે કલાક જેટલો સમય અનામત રાખ્યો છે. ત્યારે આ સમય દરમિયાન રાજકીય ચર્ચા કરવા માટે પ્રદેશના નેતાઓ તથા હોદ્દેદારો સાથે વાતચીત કરે તેવી પણ સંભાવના સેવવામાં આવી રહી છે.

- Advertisement -

મંત્રીઓ સાથે વડાપ્રધાનની શુભેચ્છા મુલાકાત
વડાપ્રધાનની ગુજરાત મુલાકાત દરમિયાન રાખવામાં આવેલા અનામત સમયમાં વડાપ્રધાન ગુજરાતના વર્તમાન મંત્રી મંડળના તમામ સભ્યો સાથે એક બાદ એક રૂબરૂ મુલાકાત કરશે તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. આ મુલાકાત દરમિયાન જે તે મંત્રીના વિભાગની કામગીરી તથા સરકારી વિવિધ યોજનાઓ અંગે ચર્ચા થાય તેવી સંભાવના છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી તરફથી સુચનો અને માર્ગદર્શન મળે તેવી શક્યતા છે.

વડાપ્રધાન સરકારી કામગીરીની સમીક્ષા કરશે
ગુજરાતમાં સ્પષ્ટ બહુમતી મળ્યા બાદ ભાજપ સરકાર હવે જેટ ગતિએ કામ કરી રહી છે. આવા સંજોગોમાં સરકારી કામગીરીની સમીક્ષા વડાપ્રધાન કરી શકે છે. પ્રજાકીય યોજનાઓ તથા લોકોને મળતા લાભ વધુ ઝડપથી કેવી રીતે મળી શકે તે માટે સંગઠના ઉચ્ચ નેતાઓ તથા ગુજરાત સરકારના મુખિયા સાથે સંવાદ કરી અને સમીક્ષા કરી શકે તેવી સંભાવના છે.

પ્રજાકીય પ્રશ્નોને વાચા આપવા બેઠક?
કમલમ ખાતે રવિવારે તમામ ભાજપના ધારાસભ્યોને હાજર રહી તેમની સાથે બેઠક કરવામાં આવનાર છે. ત્યારે આ બેઠક કરવા પાછળ પ્રજાના પ્રશ્નોને વાચા મળે તેમજ પ્રજાકીય સમસ્યાની ચર્ચા કરવામાં આવશે તેમ ધારાસભ્યો સાથે સંકલન કરતા નેતાએ પોતાની વાતચીતમાં જણાવ્યું હતું. આ બેઠકના માધ્યમથી પ્રજાલક્ષી પ્રશ્નનો ઝડપથી નિકાલ આવશે અને સારી રીતે સંકલન કરી શકાશે તેવો આશાવાદ ભાજપના આ નેતા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

પ્રદેશ પ્રમુખનો કાર્યકાળ પણ આગામી સમયમાં પૂરો થઈ રહ્યો છે
ભાજપના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કાર્યકાળ આગામી જૂન માસમાં પૂરો થઈ રહ્યો છે. તેમનો કાર્યકાળ લંબાવશે કે પછી ઉચ્ચ પદ આપી સન્માનિત કરવામાં આવે તેવી વાત સંગઠનમાં ચર્ચાનો મુદ્દો છે. ત્યારે ધારાસભ્ય તથા મંત્રી અને સંગઠનના નેતાની યોજાનારી બેઠકમાં આ અંગે પણ ચર્ચા કરવામાં આવે તેવી અટકળો વહેતી થઈ છે.

Exit mobile version