કાપોદ્રા હિટ & રન:સાજન સામે અગાઉ દારૂ સહિત 7 ગુના નોંધાયા છે; કારની સ્પીડ 90ની હોવાનું FSLનું પ્રાથમિક તારણ

By Abhishek Raghuvanshi
3 Min Read
પોલીસે ઘટનાના રિકન્સ્ટ્રક્શન સાથે સાજન પટેલનો ‘વરઘોડો’ કાઢ્યો હતો.
  • મિત્રના પુત્રની બર્થ ડે પાર્ટીમાં ચિક્કાર દારૂ ઢીંચીને અન્ય મિત્રને કાપોદ્રા છોડીને પરત થતો હતો
  • ભૂતકાળમાં સુરત-અમરેલીમાં લાઇસન્સ, દારૂનું સેવન કરીને બેફામ ગાડી હંકારવા મુદ્દે કાર્યવાહી થઈ હતી

કાપોદ્રા હિટ એન્ડ રનમાં આરોપી સાજન પટેલની ગાડી અંદાજે 90ની સ્પીડમાં હોવાનું FSLની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સાજન સામે અગાઉ પણ 7 ગુના નોંધાયા છે. પોલીસ તેને મંગળવારે કોર્ટમાં રજૂ કરશે. કાપોદ્રા બીઆરટીએસમાં રવિવારે રાત્રે 11 વાગ્યે સ્વિફ્ટ કારચાલક સાજન રાકેશ પટેલે એક મિત્રના પુત્રની બર્થ-ડે પાર્ટીમાં દારૂ પીધો હતો અને પરત આવતા બીઆરટીએસ રૂટથી પર ફુલ સ્પીડમાં ગાડી હંકારી 4 જણાને ઉડાવી દીધા હતા. સાજન ગાડીનું લે-વેચ કરે છે.

એક વિદ્યાર્થીને પેશાબની નળીમાં ઈજા, કમરનું હાડકું તૂટતાં ICU, 3ને હાથ-પગમાં ફ્રેક્ચર

​​​​​​​એક ઝઘડો જોવા ઊભા હતા ત્યારે પાછળથી અચાનક કાર ધસી આવી
​​​​​​​વેલંજા-ઉમરા સૌરાષ્ટ્ર ગ્રીનસિટી ખાતે રહેતો વિષ્ણુ જેન્તિભાઈ ગુંદણીયા (24) ઓનલાઈન કોસ્મેટિકનો વેપાર કરે છે. મિત્ર કેવિન સાવલીયા સાથે કામ અર્થે બાઈક પર કાપોદ્રા તરફ જતા હતા. દરમ્યાન કેટલાક લોકોનો ઝઘડો થતો હોવાથી ટ્રાફિક જામમાં ફસાયા હતા. કેવિન બાઈક પરથી ઉતરી સાઈડમાં જતો રહ્યો હતો, જ્યારે વિષ્ણુ ત્યાં જ ઉભો હતો ત્યારે પાછળથી કારે ટક્કર મારી હતી. વિષ્ણુને પગમાં અને પાંસળીમાં ફ્રેક્ચર થતા ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયો છે.

ફ્રેક્ચરની ચાર કલાક સર્જરી ચાલી, હજુ 3 સર્જરી કરવી પડશે
​​​​​​​કાપોદ્રા રચના સોસાયટીમાં રહેતો કિશન હીરપરા (23) પિતા સાથે કન્સટ્રક્શનના વ્યવસાયમાં છે. કિશન ધારૂકા કોલેજમાં બીબીએ કરતા મિત્ર યશ ઘેવરીયા (20)સાથે એટીએમમાં જતો હતો. દરમ્યાન આ અકસ્માતમાં કિશનને પગ-હાથમાં ફ્રેક્ચર થતા સર્જરી કરી છે. હજુ 3 સર્જરી કરાશે. તો યશને પેશાબની નળીમાં ઈજા સાથે કમરના હાડકામાં ફ્રેક્ચર થયું છે. યસની 4 કલાક સુધી સર્જરી થઈ હતી. બે મહિના બાદ વધુ એક સર્જરી કરવી પડશે તેવું તબીબે જણાવ્યું છે.

- Advertisement -

પગ તૂટ્યો, દોઢેક મહિનો સહેજપણ ચાલી શકે તેવી સ્થિતિમાં નથી
વરાછા વિસ્તારમાં રહેતો વિવેક બોળીયા (24) તેના મિત્ર સચિન સાથે બાઈક પર રચના સર્કલ પાસેથી પસાર થતા હતા ત્યારે પાછળથી કારે ટક્કર મારી બંનેને ઉડાવી દીધા હતા. અકસ્માતમાં બાઈક ચલાવી રહેલા સચિનનો ચમત્કારિક બચાવ થયો હતો, જ્યારે વિવેકને પગમાં ફ્રેક્ચર થતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં વિવેકની સર્જરી કરવામાં આવી છે. એક દોઢ મહિના સુધી વિવેક હવે સહેજપણ ચાલી શકે તેવી સ્થિતિમાં નથી.

Exit mobile version