હાઇકોર્ટે 3 વર્ષ પહેલાં આરોપીની સજા સસ્પેન્ડ કરી તેને જામીન પર છોડવા આદેશ કર્યો હોવા છતાં જેલ સત્તાવાળાએ આજદિન સુધી મુક્ત નહીં કરતાં હાઇકોર્ટે ગંભીર બેદરકારીની નોંધ લીધી હતી. જસ્ટિસ એ.એસ. સુપૈયાની ખંડપીઠે સરકારને 1 લાખનો દંડ ફટકાર્યો છે અને રજિસ્ટ્રીને આવા કેસોની યાદી તૈયાર કરી કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો છે. હાઇકોર્ટે તેના અવલોકનમાં ઠેરવ્યું છે કે, યુવાનની ઉંમરને ધ્યાને લેતાં તેના કીંમતી 3 વર્ષ ખોટી રીતે જેલ સત્તાધીશોએ બગાડયા હોવાથી તેનું વળતર 14 દિવસમાં ચૂકવી દેવું પડશે. કોર્ટે એવી ટકોર કરી હતી કે આ કેસ આંખ ઉઘાડનારો છે તેને હળવાશથી લેવામાં આવશે નહીં.
મહેસાણાના 27 વર્ષના યુવક તરફથી એડવોકેટ નિરજ સોનીએ રજૂઆત કરી હતી કે, મહેસાણા સેશન્સ કોર્ટે ફટકારેલી 5 વર્ષની સજાને સસ્પેન્ડ કરવા હાઇકોર્ટમાં 2020માં અરજી કરી હતી. કોવિડની માર્ગદર્શિકાનું પાલન કરીને હાઇકોર્ટે 29 સપ્ટેમ્બર 2020ના રોજ આરોપીને જામીન પર છોડવા આદેશ કર્યો હતો.
તેમ છતા 3 વર્ષ સુધી જેલ સત્તાધીશોએ તેને જેલમાં ગોંધી રાખતા યુવાને ફરીથી હાઇકોર્ટમાં અરજી કરી હતી. અરજી બોર્ડ પર આવતા જસ્ટિસ એ.એસ. સુપૈયાએ જેલ સત્તાધીશો સામે ગંભીર નારાજગી દર્શાવી તાત્કાલિક અમદાવાદ સેન્ટ્રલ જેલના સુપરિન્ટેન્ડેન્ટ શ્વેતા શ્રીમાળીને રૂબરૂ હાજર રાખ્યા હતા. તેમણે સોગંદનામા પર એવી કબુલાત કરી હતી કે, કોવિડકાળ ચાલતો હોવાથી હાઇકોર્ટે મોકલેલા હુકમ પર ધ્યાન ગયુ નહોતું. રજિસ્ટ્રી તરફથી કોર્ટનાે હુકમ ઇ મેઇલથી મોકલાયાના પુરાવા રજૂ કરાયા હતા. એ પછી જેલ સત્તાધીશોએ એવું બહાનું કાઢ્યું હતું કે, ઇ-મેઇલના એટેચમેન્ટને ખોલી શકતા નથી. હાઇકોર્ટે આ જવાબ સાંભળીને ટકોર કરી હતી કે, હાઇકોર્ટે શુ મોકલ્યું તે ખુલતું નથી તો કોર્ટનો સંપર્ક કેમ ન કરાયો?
ઝાટકણીના 1 કલાકમાં જ યુવકને મુક્ત કરાયો
હાઇકોર્ટે જેલ સત્તાધીશોની ઝાટકણી કાઢતા તાત્કાલિક રજિસ્ટ્રીએ જેલ સત્તાધીશોને જાણ કરતા એક કલાકમાં આરોપીને જામીન પર છોડી દેવામાં આવ્યો હતો. ખંડપીઠે પેરા લીગલ વોલન્ટિયરની નિમણૂક કરીને તેમને જેલમાં મોકલી આપ્યા હતા અને આરોપીની અને તેના પરિવારની આર્થિક અને સામાજિક સ્થિતિ જોઇને રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
આવા તમામ કેસની યાદી બનાવી રજૂ કરવાનો આદેશ
ખંડપીઠે જેલ સત્તાધીશોની બેદરકારીની સખત નિંદા કરતા ડીસ્ટ્રીકટ લીગલ સર્વિસ ઓથોરિટીને આવા કેટલા કેસ છે તેની યાદી અને ઝીણવટભરી માહિતીનો રેકોર્ડ રજૂ કરવા આદેશ કર્યો છે. કેટલા કેદીઓ જેલમાં અન્ડર ટ્રાયલ છે, તેમને જામીન મળી ગયા છે છતાં જેલ સત્તાધીશોએ આપ્યા નથી.તેની વિગતો મેળવવાનો ટાસ્ક આપ્યો છે
