શંકાસ્પદ ઘીનો વેપલો જપ્ત:સુરતમાંથી 10 લાખનું 3336 લીટર શંકાસ્પદ ઘીનો જથ્થો સીઝ કરાયો, ઘરમાં જ ઘી બનાવી પેકિંગ કરી વેચાતું હતું

By Abhishek Raghuvanshi
2 Min Read

સુરતમાં પુણા વિસ્તારની રહેણાંક સોસાયટીમાં પેકિંગ મશીન લાવી મોટી માત્રામાં ભેળસેળયુ ઘી બનતું હોવાની ચોક્કસ બાતમીના આધારે પાલિકાના ફુડ વિભાગે દરોડો પાડ્યો હતો. આ દરોડામા ઘરની અંદર શંકાસ્પદ સંજોગોમાં મોટી માત્રામાં ઘી બનતુ હોવાનું જણાતા ફુડ વિભાગે દસ લાખનું ઘી જપ્ત કરી ઘીના સેમ્પલ એનાલીસીસ માટે મોકલી આપ્યા છે.

ધરમ એન્ટરપ્રાઇઝ નામની સંસ્થા દ્વારા ઘી વેચાતું હતું
પૂણા વિસ્તારની સોસાયટીમાં વેચતા શંકાસ્પદ ઘી અંગે પાલિકાને બાતમી આપી હતી. આ બાતમીના આધારે ચીફ ફુડ સેફટી ઓફિસર દ્વારા વરાછા ઝોનમાં દસ ફુડ સેફ્ટી ઓફિસરની અલગ અલગ ત્રણ ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. પૂણા ગામમાં પુણા સીમાડા રોડ પર આવેલી ગોદાવરી પાર્ક સોસાયટીના ઘર નંબર A-228માં તપાસ કરવામાં આવતા ધરમ એન્ટરપ્રાઇઝ નામની સંસ્થા મળી આવી હતી. રહેણાંક વિસ્તારમાં ઘરની અંદર ગેસના બાટલા, પેકિંગ મશીન સહિતનો સામાન રાખી મોટી માત્રામાં ઘી બનાવી તેને પેક કરી અલગ અલગ જથ્થામાં વેચાણ કરવામાં આવતુ હોવાનું જણાયું હતું.

3336 લીટર ઘી જપ્ત કરવામાં આવ્યું
આ સંસ્થા દ્વારા ઉત્પાદીત લુઝ પેકિંગ અને સ્વામિનારાયણ પ્રિમીયમ કાઉ(પેક)ના સેમ્પલ લઇને એનાલિસીસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. આ ઘરમાં એક લીટર, 500 મીલી, 200 મીલી અને 100 મીલીની પ્લાસ્ટીકની બોટલમાં ભરવામાં આવેલા 3336 લીટર ઘી જપ્ત કરવામા આવ્યું હતું. જેની કિંમત અંદાજે દસ લાખ જેટલી થાય છે. ઘીના સેમ્પલ આવ્યા બાદ પાલિકા દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Exit mobile version