- 21 ડિસેમ્બર 2021ના રોજ મુમતપુરા બ્રિજનો એક સ્પાન પડી ગયો હતો
- રિપોર્ટમાં રણજિત બિલ્ડકોન, પ્રોજેક્ટ કંપની સામે સવાલ ઊભા કરાયા છે
હલકી ગુણવત્તાવાળા હાટકેશ્વર બ્રિજને તોડી પાડવા અંગે હજુ કોઈ નક્કર નિર્ણય લેવાયો નથી. ત્યારે બોપલ નજીક મમતપુરા બ્રિજનો એક સ્પાન ડિસેમ્બર 2021માં તૂટી પડ્યો હતો. જેમાં હલકી ગુણવત્તાવાળા સિમેન્ટ, કોંક્રિટ, રેતી સહિતના મટીરિયલનો ઉપયોગ કરાયો હોવાનું રાજ્ય સરકારે નિમેલી ઉચ્ચ સમિતિના રિપોર્ટમાં બહાર આવ્યું છે.
બ્રિજનો સ્પાન તૂટી પડતાં સરકારે તપાસ કરવા માટે હાઈ લેવલ કમિટીની રચના કરી હતી. આ કમિટી સ્થળ પરથી તૂટેલા બ્રિજની રેતી, સિમેન્ટ અને કોક્રિંટના નમૂના લીધા હતા અને તપાસ માટે લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. કમિટીએ આપેલો રિપોર્ટ સરકારે ઓગસ્ટ 2022માં જાહેર કર્યો નહોતો. પરંતુ કોઈ કારણસર છૂપાવી રાખ્યો હતો. બ્રિજનું કામ સરકારે રણજીત બિલ્ડકોનને માર્ચ-2019માં આપ્યું હતું સપ્ટેમ્બર 2021માં કામ પૂરું કરવાનું હતું. જ્યારે 21 ડિસેમ્બર 2021માં બ્રિજનો એક સ્પાન તૂટી ગયો હતો. તેમ છતાં પણ આ બ્રિજનો તૂટી ગયેલા સ્પાનનું કામ આ જ કંપનીને અપાયું હતું.
કંપનીને બચાવવા રિપોર્ટ પણ ખોટો સાબિત કરવા ધમપછાડા કરાયા હતા
બ્રિજના સ્પાનમાંથી લેવાયેલા રેતી, ઈંટ અને કોંક્રિટના નમૂના ફેઈલ સાબિત થયા હતા. જેમાં બ્રિજ બનાવનારી કંપની રણજિત બિલ્ડકોન અને પ્રોજેક્ટ મેનેજન્ટ કન્સલ્ટન્સીની કામગીરી સામે સીધા જ સવાલો ઊભા કરાયા હતા. જેમાં કંપનીની બેદરકારીના કારણે જ સ્પાન ધરાશાયી થયો હોવાનો સ્પષ્ટ રિપોર્ટ આપ્યો હતો. આ રિપોર્ટ રજૂ થતાં જ માર્ગ અને મકાન વિભાગમાં બેઠેલા કેટલાક અધિકારીઓ દ્વારા રિપોર્ટ ઉપર ક્વેરી ઊભી કરી રિપોર્ટ ખોટો સાબિત કરવાના પણ પ્રયાસ કરાયા હતા. જો કે ત્યાર પછી હજુ સુધી રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો નથી. હાઈકોર્ટમાં પણ કેસ ચાલી રહ્યો હોવા છતાં રિપોર્ટ રજૂ કરાયો નથી.
રિપોર્ટમાં પીએમસી અને કોન્ટ્રાક્ટરની જવાબદારી નક્કી કરવા સૂચન કર્યું
સ્ટ્રક્ચરલ ડિઝાઇનની સમીક્ષાની આધારે, STAAD મોડેલના ડિઝાઇન ડ્રોઇંગના પરીક્ષણ અને ડિઝાઇન કેલ્ક્યૂલેશનમાં કોઈ ખામી જોવા મળી નથી. પરંતુ પડી ગયેલા સ્પાનમાંથી કોંક્રિટના નમૂના લીધા હતા જેમાંથી કેટલાક નમૂના પરીક્ષણમાં ફેઈલ સાબિત થયા હતા. જેનો અર્થ થાય છે કે હલ્કી કક્ષાના કોંક્રિટનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. નક્કી કરેલી લિમિટ કરતા ઝીણી રેતીનો ઉપયોગ કરાયો અને સિમેન્ટનું 28 દિવસનું સેમ્પલ પણ ફેઈલ થયું હતું. જેના આધારે કમિટીએ પરીક્ષણના પરિણામોને ધ્યાને લઈને પીએમસી અને કોન્ટ્રાક્ટરની જવાબદારી નિર્ધારિત કરવામાં આવે તેવું રિપોર્ટમાં કહ્યું છે.
