સ્ટંટબાજ પુત્રની સજા પિતાને ભોગવવી પડી:સુરતમાં લકઝ્યુરિયસ કારનો દરવાજો ખોલી બહાર નીકળી સ્ટંટ કરનાર કિશોરનો વીડિયો વાઇરલ; કિશોરના પિતા વિરુદ્ધ ગુનો દાખલ

By Abhishek Raghuvanshi
3 Min Read

સુરતમાં વધુ એક લક્ઝુરિયસ કારમાં સ્ટંટ કરનાર સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સરથાણા વિસ્તારમાં લક્ઝુરિયસ કારનો દરવાજો ખોલી બહાર નીકળી એક હાથે કારમાંથી ઉભા થઈને કાર હંકારી સ્ટંટ કરનાર કિશોરનો વીડિયો વાઇરલ થયો હતો. જેમાં સરથાણા પોલીસે તપાસ કરતાં 17 વર્ષીય કિશોર નીકળ્યો હતો. આ મામલે કિશોર પાસે લાયસન્સ પણ ન હોવાથી પોલીસે તેના પિતા સામે ફરિયાદ દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

સરથાણા પોલીસ વિવાદમાં આવી
અમદાવાદમાં બનેલ તથ્યકાંડની ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં સ્ટંટ કરનારાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી છે. ત્યારે સુરતમાં છેલ્લા ઘણા સમયથી સરથાણા વિસ્તારનો લક્ઝ્યુરિયસ કારમાં સ્ટંટ કરતો વીડિયો વાઇરલ થયો હતો, તેમ છતાં પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હતી. આ વીડિયોમાં એક કિશોર ઓવરસ્પીડમાં કાર દોડાવી ચાલુ કારમાંથી તે દરવાજો ખોલી બહાર નીકળીને એક હાથે કાર ચલાવતો નજરે પડે છે. જેનો વીડિયયો પણ તેણે બનાવી અને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો હતો. આખરે આ વીડિયોને લઈ ખૂબ જ ટીકાઓ થઈ હતી. જેને લઇ સરથાણા પોલીસ વિવાદમાં આવી છે, ત્યારે આખરે પોલીસે આ મામલે કાર્યવાહી કરવી પડી છે. પોલીસે કારમાં સ્ટંટ કરનાર 17 વર્ષીય કિશોર અને તેના પિતા ખોડા રઘુભાઈ ભરવાડ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

જોખમી સ્ટંટ કરનાર 17 વર્ષીય કિશોર નીકળ્યો
સરથાણા સીમાડાનાકાથી દાતાર ચોકડી તરફ બીઆરટીએસ રોડ પર લક્ઝુરિયસ કારમાં જોખમી રીતે સ્ટંટ કરનાર સામે પોલીસ કાર્યવાહી કરી તેને પકડવામાં આવ્યો હતો. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, તે 17 વર્ષનો છે. આટલી નાની ઉંમરમાં જ કિશોર જોખમી રીતે સ્ટંટ કરી અન્યના જીવ જોખમમાં મૂકતો હતો. આ અંગે તે વીડિયો પણ બનાવીને સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતો હતો.

પોલીસે પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો
કાર સ્ટંટના વાઇરલ વીડિયોના આધારે સીસીટીવીમાંથી પોલીસે ગાડીનો નંબર મેળવી, તપાસ કરતા ગાડીના માલિક ખોડાભાઈ ભરવાડ હોવાનું માલુમ પડ્યું હતું. તેઓની પૂછપરછ કરવામાં આવી હતી. તે દરમિયાન ખોડાભાઈએ પોતાના પુત્રને ડિઝલ ભરવા માટે ગાડી આપ્યું હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત 17 વર્ષીય કિશોર પાસે લાયસન્સ પણ નહીં હોવાની વાત ખોડાભાઈ કરી હતી. જેને લઇ પોલીસે મોડા મોડા પણ કારમાં સ્ટંટ કરનાર કિશોર અને વગર લાયસન્સ છે ગાડી હંકારવા આપનાર તેના પિતા સામે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી.

- Advertisement -

પોલીસે કાર કબજે ન લીધી
આ આખા મામલે પોલીસે ફોર વ્હીલ કબજામાં લીધી ન હતી. કિશોર દ્વારા સ્ટંટ કરવામાં જે કારનો ઉપયોગ થયો હતો તેને પણ પોલીસે તપાસમાં ન લેતા અનેક સવાલો ઊભા થયા હતા. ત્યારે આ મામલે પીઆઇ વિરલ પટેલ જણાવ્યું હતું કે, જરૂર નથી કે દરેક કિસ્સામાં ગાડી કબજામાં લેવામાં આવે. અકસ્માત હોય તો પણ તેઓ ગાડીનો કબજો લેતા નથી.

Exit mobile version