દિલ્હીથી કાર્યવાહીના આદેશની ચર્ચા:ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાનું રાજીનામું માગી લેવાયું, કમલમમાં પ્રવેશબંધી

By Abhishek Raghuvanshi
3 Min Read

ગુજરાત ભાજપ સંગઠનના મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલાના કથિત કૌભાંડમાં રાજીનામું માગી લેવાયું હોવાની ચર્ચા શરૂ થઈ છે. તેમને કમલમમાં પ્રવેશવા સામે મોવડીમંડળે મનાઈ ફરમાવી હોવાનું પણ પણ જાણવા મળ્યું છે.

પ્રદીપસિંહ વાઘેલાના કથિત કૌભાંડમાં રાજીનામું માગી લેવાયું હોવાની ચર્ચા
ભાજપ સંગઠનમાં ચાલી રહેલી ચર્ચા અને પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, રાજ્યના સત્તાધારી પક્ષ ભાજપમાં પક્ષપ્રમુખથી માંડીને અલગ અલગ હોદ્દેદારો વિરૂદ્ધ ‘પત્રિકા યુદ્ધ’ શરૂ થયા બાદ પક્ષના આંતરિક વિખવાદમાં હવે નવું એક પ્રકરણ ઉમેરાયું છે. સત્તાધારી પક્ષમાં મહત્ત્વની જવાબદારી સંભાળી રહેલા નેતાના એક શૈક્ષણિક અગ્રણી સાથેના કૌભાંડોમાં અમદાવાદ પોલીસે સૂચના આધારે પૂછપરછ કરી કૌભાંડો અંગે માહિતી મેળવી હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

જમીન કૌભાંડની પણ ચર્ચા ચાલી રહી
શહેરના રાજકીય વર્તુળમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, ભાજપમાં એક મહત્વની જવાબદારી સંભાળી રહેલા યુવા નેતાએ એક પૂર્વ શૈક્ષણિક અગ્રણીને તેમના કાર્યકાળ દરમિયાન ઘણા કોન્ટ્રાક્ટ અને વિકાસના નામે કામ કરાવ્યાં હતા. જેમાં ગેરલાયક લોકોને પણ કામ અને સત્તા સોંપીને મોટો ભ્રષ્ટાચાર કરાયો હતો. આ સાથે જમીન કૌભાંડની પણ ચર્ચા ચાલી રહી છે. હવે થોડા સમય પહેલાં જ આ યુવા નેતા વિરૂદ્ધ પત્રિકા યુદ્ધ શરૂ થયું હતું જેમાં ગંભીર આક્ષેપ કરાયા હતા.

આ પત્રિકામાં થયેલા આક્ષેપોને લઈને શહેર પોલીસની એક વિશેષ ટીમ પૂર્વ શૈક્ષણિક અગ્રણીને પાંચેક કલાક પોતાની ઓફિસમાં બેસાડીને પૂછપરછ કરી હતી. આ પૂછપરછ પણ યુવા નેતાના કહેવાથી જ થઈ હોવાની ચર્ચા છે. જેની જાણ ગાંધીનગરથી માંડીને દિલ્હી સુધી થતા રાજ્ય પોલીસના સિનિયર અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા.

- Advertisement -

કૌભાંડોની કબૂલાત પણ કરી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું
વિશેષ ટીમના આઈપીએસ અધિકારીને જ્યારે તેમના સિનિયર આઈપીએસએ આ પૂછપરછ વિશે પૂછ્યું ત્યારે તેમણે પહેલાં આ વાત ખોટી હોવાનું કહી ગોળગોળ વાતો કરી હતી. જો કે, બાદમાં તેમણે રાજકિય વગદાર વ્યક્તિના કહેવાથી પૂછપરછ કરી હોવાનું કબૂલતા સિનિયર અધિકારીએ તેમને ઠપકો પણ આપ્યો છે. બીજી તરફ એવી પણ ચર્ચા છે કે, પૂર્વ શૈક્ષણિક અગ્રણીએ પોતાના કાર્યકાળ દરમિયાન યુવા નેતાના કહેવાથી આચરેલા કેટલાક કૌભાંડોની કબૂલાત પણ કરી લીધી હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આવું કોણ કહે છે, પાર્ટી કન્ફર્મ કરે પછી વાત: પ્રદીપસિંહ
દિવ્ય ભાસ્કરે પ્રદીપસિંહને મહામંત્રી તરીકે રાજીનામું આપી દીધું હોવા અંગે પૂછતા તેમણે જણાવ્યું હતું કે ‘આવું કોણ કહે છે ભાઈ, પાર્ટી કન્ફર્મ કરે પછી વાત કરીશું, મેં કોઈ રાજીનામું આપ્યું નથી.’

Exit mobile version