સુરતના પાંડેસરા વિસ્તારમાં એક ઓરિસ્સા વાસી યુવકની હત્યા કરાઈ હોવાની ઘટના સામે આવી છે. ઝઘડાની અદાવતમાં અજાણ્યા વ્યક્તિ દ્વારા મોડી રાત્રે હત્યા કરાઈ હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે બનાવ અંગે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાંડેસરામાં લૂમ્સના કારીગરની હત્યા
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા સિદ્ધાર્થ નગર વિસ્તારમાં રહેતા અંદાજે 36 વર્ષીય પુનો પોલાઈ લૂમ્સના કારખાનામાં કારીગર તરીકે કામ કરતો હતો. ગત મોડી રાત્રે પૂના પોલાઈની હત્યા કરી દેવામાં આવી હતી. વહેલી સવારે હત્યા કરાયેલી લાશ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. સ્થાનિકો દ્વારા ઘટનાની જાણ પોલીસને કરતા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
પરિવાર શોકમાં ગરકાવ
લૂમ્સનો કારીગર પુનો પોલાઈ મૂળ ઓરિસ્સાનો રહેવાસી છે. તે છેલ્લા ઘણા સમયથી પરિવાર સાથે સુરતમાં પાંડેસરામાં વિસ્તારમાં ભાડે રહેતો હતો. પુનો પોલાઈ તેની પત્ની અને એક પુત્ર અને એક પુત્રી સાથે રહેતો હતો. ત્યારે ઘરના મોભીનું મોત થઈ જતા પરિવાર શોકમાં ગરકાવ થયું છે અને બે બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
અંગત ઝઘડાની અદાવતમાં હત્યા
કારીગરની હત્યા પાછળ પ્રાથમિક તપાસમાં અંગત અદાવતના ઝઘડમાં હત્યા થઈ હોવાનું માનવામાં આવે છે. પૂનો પોલાઈના શરીર પર ઈજાના નિશાન પણ મળી આવ્યા છે. ત્યારે અજાણ્યા ઈસમ દ્વારા તેની મારમારી હત્યા કરાઈ હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. જો કે, હાલતો પોલીસે બનાવ અંગે મરનાર યુવકના મૃતદેહને પીએમ અર્થે મોકલી હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
