અમદાવાદની ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના ભૂતપૂર્વ શિક્ષિકા શુભા ભાવેશ ગોડબોલેને એક્યુટ મેલોઈડ લ્યુકેમિયાની બીમારી છે, જે એક પ્રકારનું જીવલેણ બ્લડ કેન્સર છે. કેન્સરની મોંઘી ટ્રીટમેન્ટ માટે પહોંચી વળાય તેમ ન હોવાથી પરિવારે લોકો પાસે મદદ કરવા અપીલ કરી છે. જો કે, શિક્ષિકાની વ્હારે હવે બીજું કોઈ નહીં પણ તેની જ સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષકો આવ્યા છે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સાથે મળી 10 લાખનું ફંડ એકત્ર કર્યું છે, જે શિક્ષિકાની કેન્સરની ટ્રીટમેન્ટમાં વાપરવામાં આવશે.
બિમારીની જાણ થતા પરિવાર આઘાતમાં સરી પડ્યો
બે મહિના પહેલા જ્યારે તેમના પરિવારને તેમની બીમારી વિશે જાણ થઈ ત્યારે સૌ કોઈ આઘાતમાં સરી પડ્યા હતા. તેમને અમદાવાદના એક ખાનગી કેન્સર ટ્રીટમેન્ટ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા. ડોક્ટરોએ અમને કહ્યું કે તેમની સારવાર જટિલ રહેશે. જેમાં કેમોથેરાપી, સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ અને બીજી જરૂરી સારવાર કરવી પડશે. આનો અંદાજિત ખર્ચ રૂ.35 લાખ જેટલો થશે. અમારા જેવા સામાન્ય પરિવારને આટલી મોટી રકમ ભેગી કરવી ખૂબ મુશ્કેલ હતી. છતાં બચતમાંથી અને લોન લઈને અમે જેમ તેમ કરીને રૂ.10 લાખ ભેગા કર્યા. બાકીની રકમ માટે લોકોની મદદ લેવા મેં ક્રાઉડસોર્સિંગ પ્લેટફોર્મ પર જઈને અપીલ કરી, એમ શુભાના દીકરી વૈશાલી ગોડબોલેએ જણાવ્યું હતું.
શોભાબેન ગોડબોલે, ભૂતપૂર્વ શિક્ષિકા
ધીમે ધીમે સમાચાર ફેલાવા લાગ્યા
શુભાની બીમારીના સમાચાર ધીમે ધીમે આસપાસના વર્તુળમાં ફેલાયા અને પહોંચ્યા ઉદગમ સ્કૂલની એક ટીમ સુધી, જે અગાઉ સ્કૂલમાં ભણી ચૂકેલા વિદ્યાર્થીઓનો રેકોર્ડ્સ જાળવવાનું કામ કરે છે. પોતાની સ્કૂલના જ શિક્ષકની આવી સ્થિતિ જાણી આ ટીમ તરત જ હરકતમાં આવી ગઈ અને તમામ વાલીઓ તથા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને મેસજ મોકલીને શક્ય એટલી નાણાંકીય સહાય પૂરી પાડવા અપીલ કરી.
સિનિયર વકીલે કઈ જાણ્યા વગર 5 લાખ આપ્યા
એક દિવસ સ્કૂલની ટીમને એક ભૂતપૂર્વ વિદ્યાર્થી તરફથી કોલ આવ્યો જે હાલ ગુજરાત હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા સિનિયર એડવોકેટ છે. તેમણે આ શિક્ષિકાની બીમારી વિશે પૂછપરછ કરી અને તેમનું નામ, પરિવાર, નાણાંકીય સ્થિતિ કે મેડિકલ રિપોર્ટ્સ પણ જોયા વિના જ સીધી રૂ.પાંચ લાખની સહાય કરવાનો નિર્ણય લીધો. આટલી મોટી રકમની એક જ વ્યક્તિ પાસેથી મળેલી સહાયથી શિક્ષિકાના પરિવારજનો સહિત અનેક લોકોએ સુખદ આશ્ચર્ય અનુભવ્યું અને તેની પ્રશંસા કરી.
હું આને ચેરિટી નહીં પણ મારી નૈતિક જવાબદારી માનું છું
નામ ન આપવાની શરતે સિનિયર એડવોકેટે આ ઉમદા પહેલ અંગે જણાવ્યું હતું કે હું આને ચેરિટી નહીં પણ મારી નૈતિક જવાબદારી માનું છું. વર્ષ 1987માં મારો અભ્યાસ પૂરો કર્યા બાદ મેં ઉદગમ સ્કૂલ છોડી હતી, પણ આ સ્કૂલના તમામ શિક્ષકો અને અન્ય સ્ટાફ સાથેની યાદો હજુ પણ મારા મનમાં તાજી છે. મને જ્યારે સમાચાર મળ્યા કે ઉદગમ સ્કૂલના એક શિક્ષિકા એક જીવલેણ કેન્સરની બીમારીથી પીડાઈ રહ્યા છે ત્યારે મેં તરત જ વિચાર કરી લીધો કે મારે તેમના માટે જે શક્ય બને તે કરવું છે.
હું તેમની પાસેથી ભણ્યો પણ નથી
એડવોકેટે વધુમાં જણાવ્યું હતું કે, ભલે મને તેમનું નામ ખબર નહોતું કે હું તેમની પાસેથી ભણ્યો પણ નથી, પરંતુ મારા માટે તો તેઓ એ સ્કૂલના શિક્ષિકા છે. જ્યાંથી મને જીવનના મૂલ્યો, દયાભાવ, કરૂણા અને સમાજ પ્રત્યેની જવાબદારી શીખવા મળી હતી. આજે હું જે કંઈ પણ છું તે સ્કૂલમાંથી મળેલા શિક્ષણ અને મૂલ્યોના લીધે જ છું. એટલે હવે મારા જેવા વિદ્યાર્થીઓ માટે સમાજને કંઈક પાછું આપવાનો સમય આવી ગયો છે.
દરેક શિક્ષકે 500-500ની સહાય કરી
અન્ય ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જેમાંથી એક જાણીતા મહિલા ડોક્ટર છે અને બીજા એક પ્રસિદ્ધ બિલ્ડરના પુત્રી છે, તેમણે પણ વ્યક્તિગત રીતે રૂ.50,000ની સહાય કરી છે. ઉદગમ સ્કૂલના દરેક શિક્ષકે પણ વ્યક્તિગતપણે ઓછામાં ઓછા રૂ.500ની સહાય પૂરી પાડીને સમાજમાં અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ અંગે ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે સમાજના લોકો તરફથી આ પ્રકારની દયાભાવની લાગણી દર્શાવે છે કે, વિશ્વમાં આટલી મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ હજુય અનુકંપા અને ભલાઇ જીવિત છે.
અમે ખૂટતી રકમ પૂરી પાડવા વચનબદ્ધ છીએ
મનન ચોક્સીએ વધુમાં જણાવ્યું હતું કે, કોઈને મદદ કરવાથી તેના જીવનમાં અનેક હકારાત્મક પરિવર્તનો આવે છે પછી ભલે આપણે તેમને વ્યક્તિગત રીતે જાણતા હોઈએ કે ન હોઈએ. સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને વર્તમાન શિક્ષકોએ એક પળનોય વિચાર કર્યા વિના મદદનો હાથ લંબાવ્યો અને રૂ.10 લાખથી વધુનું ફંડ એકત્રિત કર્યું તેમાં અમારી સંસ્થાના મૂલ્યો તથા ઉદારતાનું પ્રતિબંબ ઝળકે છે. બીમાર શિક્ષિકાની સારવારના ખર્ચમાં જે રકમ ખૂટતી હશે તે પૂરી પાડવા અમે ઉદગમ સ્કૂલ તરફથી વચનબદ્ધ છીએ.
શિક્ષિકા 2009માં ઉદગમ સ્કૂલમાં જોડાયા હતા
વર્ષ 2009માં ઉદગમ સ્કૂલમાં શિક્ષિકા તરીકે જોડાનાર શુભા માટે શિક્ષણ તેમના અંગત રસનો વિષય છે, વિદ્યાર્થીઓ પ્રત્યેની તેમની નિષ્ઠા અને પ્રતિબદ્ધતાથી તેમણે અનેક લોકોનો પ્રેમ તથા માન-સન્માન મેળવ્યા છે.
