સુરતના ગોડાદરા વિસ્તારમાં ઘરના ટેરેસ પર સૂતેલી યુવતીની પાડોશી યુવક દ્વારા છેડતી કરવામાં આવી હતી.ત્યારબાદ યુવકે ઝઘડો પણ કર્યો હતો. જેને લઈને યુવતીએ 181 મહિલા હેલ્પલાઈનમાં કોલ કરી માહિતી આપી હતી. જેથી ઘટના સ્થળે પહોંચી મહિલા હેલ્પલાઈનની ટીમે યુવકને પાઠ ભણાવ્યો હતો. યુવકે હવે પછી કયારેય આવી હરકત નહીં કરવાની બાંહેધરી આપી હતી.
લેખિત બાંહેધરી મેળવી સમાધાન કરાવ્યું
ગોડાદરા વિસ્તારમાંથી એક પીડિતાનો 181 મહિલા હેલ્પલાઇન પર કોલ આવ્યો હતો કે તેની પાડોશીએ છેડતી કરી હતી અને હાલ તે યુવતી સાથે ઝઘડો કરે છે. કતારગામ અભયમ ટીમ સ્થળ પર પહોંચી છેડતી કરનાર પડોશી યુવાનને પકડી લીધો હતો. ત્યારબાદ તેની આ હરકત બદલ ગુનો દાખલ કરવા તજવીજ કરી હતી. જેને પગલે યુવકે ‘ફરીથી આવી ભૂલ નહીં કરુ’ તેવી વિનંતી કરી હતી. એ સમયે પીડિતાએ પણ પડોશીને એક તક આપવા અને આગળ કોઈ કાર્યવાહી ન કરવા કહ્યું હતું. આ મામલે યુવકે ભવિષ્યમાં આવું નહીં કરવાની લેખિત બાંહેધરી આપી હતી અને બંને પક્ષોમાં સમાધાન થયું હતું.
રાત્રે બદઈરાદાથી નજીક આવી છેડતી કરી
પીડીતા ઉત્તર પ્રદેશના વતની છે અને છેલ્લા ચાર વર્ષથી રોજગારી માટે સુરત આવ્યા છે. પતિ સિક્યુરિટી ગાર્ડની નોકરી કરે છે. પતિની નોકરી નાઈટ ડ્યુટીમાં હોય છે. પીડિતાને બે દીકરીઓ છે. પીડિતાએ જણાવ્યું કે તે ભાડાના ઘરમાં રહે છે. રાત્રે તેમની દીકરીઓ સાથે ઘરના ટેરેસ પર સૂતા હતા અને સાથે તેમનાં સબંધીની યુવાન દીકરી પણ સૂતી હતી. તેમની બાજુમાં તેમના પડોશમાં રહેતો એક યુવાન બદઇરાદાથી આવ્યો અને દીકરીની કમરમાં હાથ નાખી છેડતી કરી હતી. જેથી તેણીએ મોટેથી બૂમો પડતા તે ભાગી ગયો હતો. સવારે યુવાને આવી ધમકી આપતાં ડરી ગય હતા. જેથી મદદ માટે અભયમને જાણ કરી હતી.
પાડોશી યુવકે ભૂલ સ્વીકારી માફી માગી
અભયમ દ્વારા યુવાનની આ હરકત બદલ પોલીસ કાર્યવાહીની તજવીજ કરતા તેણે પોતાની ભૂલ કબૂલી હતી. ત્યારબાદ અને માફી માગી હતી કે હવે પછી કયારેય આવી હરકત નહીં કરુ. મહિલાએ પણ આગળ કોઈ કાર્યવાહી કરવી ન હતી અને સુધરવાની એક તક આપવા માગતાં હતા. જેથી યુવાન પાસે લેખિત બાંહેધરી મેળવવામાં આવી હતી.
