યાત્રીગણ કૃપયા ધ્યાન દે- ‘રેલ નીર શુદ્ધ નથી’:સુરત મનપાની લેબ તપાસનું તારણ; TDS ઓછું, મિનરલ્સ ગાયબ, પીવાલાયક પણ નથી

By Abhishek Raghuvanshi
4 Min Read
  • નબળી ગુણવત્તાવાળું પાણી કિડની, લિવર અને હાડકાંને ગંભીર નુકસાન કરી શકે છે

ટ્રેનમાં મુસાફરી દરમિયાન લોકો મોટે ભાગે રેલ નીર ખરીદતા હોય છે અને રેલવે તંત્ર પણ આ જ પાણી ખરીદવાની સલાહ આપે છે. જોકે આ પાણી વિશે ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે અને એ અહેવાલ પ્રમાણે આ પાણી આવશ્યક સૂચકાંકો પૂરા કરી શક્યું નથી. આ પાણીની તપાસમાં આવશ્યક પોષક તત્ત્વોની ખામી જોવા મળી છે એટલે કે આ પાણી સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. અહેવાલ બહાર આવતાં રેલતંત્ર સડક થઈ ગયું છે.

પાણીમાં આવશ્યક પોષક તત્વોની ખામી
પશ્ચિમ રેલવેના મુંબઈ વિભાગે આ અહેવાલને ગંભીરતાથી લઈને આઇઆરસીટીસી (પશ્ચિમ ઝોન)ને પત્ર લખીને તપાસનો નિર્દેશ કર્યો છે. સાથે જ પાણી પૂરું પાડતી એજન્સી જે. આર. બેવરેજ પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવા કહેવાયું છે. ઉલ્લેખનીય છે કે પશ્ચિમ રેલવેના વરિષ્ઠ આરોગ્ય અધિકારી નરેશકુમારે સુરત સ્ટેશનેથી 23 માર્ચ, 2023એ રેલ નીરના નમૂના તપાસ માટે લીધા હતા અને સુરત મહાનગરપાલિકાની હેલ્થ લેબોરેટરીમાં તેની તપાસ કરાવાઈ હતી. પાણીમાં ટીડીએસ લેવલ લિટરદીઠ 75થી 500 મિગ્રામ વચ્ચે હોવું જોઈએ પરંતુ ટીડીએસ લેવલ 50 એમજી હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તપાસ માટે લેવાયેલી પાણીની બોટલ પર એક્સપાયરી ડેટ 12 સપ્ટેમ્બર, 2023 લખી હતી.
હેલ્થ ઇન્સ્પેક્ટર : મુદ્દો મુખ્ય કચેરી હસ્તક છે, એ જ કહી શકશે
રેલવેના મુખ્ય આરોગ્ય ઇન્સ્પેક્ટર નરેશકુમાર (સુરત રેલવે)એ આ તપાસ અહેવાલ અંગે કહ્યું કે તેને સંબંધિત જે પણ પ્રક્રિયા છે એ પશ્ચિમ રેલવેની વડી કચેરી હસ્તક છે. આ વિશે એ જ કહી શકશે.

DRM : સૌપ્રથમ આરોગ્ય, અમે આની તપાસ કરાવીશું
મુંબઈ વિભાગના પશ્ચિમ રેલવેના રેલ પ્રબંધક (ડીઆરએમ) નીરજ વર્માએ કહ્યું કે અમે આની તપાસ કરીશું. મુસાફરોનું સ્વાસ્થ્ય સર્વોપરિ છે.

શાહિદ હરાદવાલા, ફૂડ એનાલિસ્ટ (સુરત મનપા)
પાણીને જરૂર કરતાં વધારે ફિલ્ટર કરાયું હોઈ શકે
ભાસ્કરના રિપોર્ટરે પાણીના તપાસ અહેવાલ અંગે સુરત મહાનગરપાલિકાના ફૂડ એનાલિસ્ટ શાહિદ હરાદવાલા સાથે વાતચીત કરતાં તેમણે કહ્યું કે પાણીમાં ટીડીએસનું સ્તર ઓછું હોવાનો અર્થ એ કે કદાચ પાણીને જરૂર કરતાં વધારે ફિલ્ટર કરાયું હોઈ શકે. તેને કારણે સ્વાસ્થ્ય માટે જરૂરી પોષક તત્ત્વો નષ્ટ થઈ જાય. આ કારણે કેલ્શિયમ-મેગ્નેશિયમ અને અન્ય જરૂરી ખનીજોની માત્રા ઓછી થઈ ગઈ અને સ્ટાન્ડર્ડ સૂચકાંક પર નિષ્ફળ ગયું.
IRCTC : TDSના જૂના સૂચકાંક પ્રમાણે યોગ્ય
જે સૂચકાંક પ્રમાણે સુરતની લેબમાં અનફિટ દર્શાવાયું હતું એ સૂચકાંક 1 જુલાઈથી લાગુ થશે. નમૂના 30 જૂન પહેલાં લેવાયા હતા અને તેમાં ટીડીએસ સૂચકાંક 0-500 પીપીએમ નક્કી કરાયો છે. – સિદ્ધાર્થ સિંહ, એજીએમ, આઇઆરસીટીસી, દિલ્હી

- Advertisement -

મુંબઈ વિભાગે IRCTCને પત્ર લખ્યો

યોગ્ય પગલાં લેવા અને જરૂરી કાર્યવાહી કરવા કહેવાયું

સુરત સ્ટેશનેથી મુખ્ય આરોગ્ય અધિકારી (સુરત રેલવે)એ રેલ નીરના નમૂના લીધા હતા. પ્લેટફોર્મ 2/3ના સ્ટોલ નં. 33 પરથી સેમ્પલ લેવાયાં હતાં. મુંબઈ વિભાગ તરફથી લખાયેલા પત્રમાં સ્પષ્ટપણે કહેવાયું છે કે તપાસમાં રેલ નીર સ્ટાન્ડર્ડ પ્રમાણે નથી. આ માટે આઇઆરસીટીસી યોગ્ય તપાસ કરીને જરૂરી કાર્યવાહી કરે.

રેલ નીરમાં ટીડીએસ પ્રમાણ ઘટીને 50 સુધી પહોંચ્યું, 75થી 500 હોવું જોઈએ
સુરત મહાનગરપાલિકાની હેલ્થ લેબોરેટરીમાં રેલ નીરના નમૂનાની તપાસ ઉપરોક્ત 10 સૂચકાંક પર કરાઈ હતી. તપાસ અહેવાલમાં ટોટલ ડિઝોલ્વ્ડ સોલિડ (ટીડીએસ) ખૂબ ઓછા જોવા મળ્યા. ટીડીએસ ઓછા હોવાનો અર્થ એ કે પીવાના પાણીમાં જરૂરી પોષક તત્ત્વોની ખામી છે. તેમાં શરીર માટે આ‌વશ્યક કેલ્શિયમ અને મેગ્નેશિયમની ઊણપ જોવા મળી. પાણીને જરૂર કરતાં વધારે ફિલ્ટર કરવાને કારણે આ ઊણપ હતી. તેને કારણે ટીડીએસ ઘટીને 50 સુધી પહોંચ્યા જ્યારે 75થી 500 વચ્ચે હોવા જોઈએ.

Exit mobile version